You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીની સિસ્ટમ પાકિસ્તાન પહોંચી, ગુજરાતમાં હવે એક અઠવાડિયા સુધી ક્યાં પડશે ભારે વરસાદ?
બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન પરથી આગળ વધીને હવે પાકિસ્તાન પર પહોંચી ગઈ છે અને તે નબળી પડીને વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયા બની ગયો છે.
જેના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં હવે ફેરફાર થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં હવે વરસાદના પ્રમાણમાં ખૂબ ઘટાડો થશે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ રાજ્યમાં હજી વરસાદ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા હજી સક્રિય છે અને તેના કારણે કોકણ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની અસર થઈ રહી છે.
બીજી તરફ રાજ્ય પર હાલ બીજી કોઈ સિસ્ટમ ન હોવાને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો પડી જશે.
ગુજરાતમાં હજી ક્યાં પડી શકે છે ભારે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજનમાં 6 ઑગસ્ટથી 9 ઑગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત રીજનમાં આગામી એક અઠવાડિયા સુધી સતત ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં આાગામી પાંચ દિવસમાં વરસાદનું થોડું વધારે જોર રહી શકે છે. કોઈ એકાદ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણે જોવા મળશે. જેમ કે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કચ્છ જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થવાની શક્યતા દેખાઈ રહી છે.
પૂર્વ અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી પણ એક અઠવાડિયા સુધી છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હવે વરસાદનું જોર ઘટી જશે પરંતુ કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ?
ગુજરાતમાં હાલ બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે પરંતુ તે બાદ ફરી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. વરસાદનું જોર ગુજરાત રીજનમાં વધશે, એટલે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાશે.
8 તારીખથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને લગભગ 10 ઑગસ્ટ સુધી ફરીથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે.
આ ત્રણ દિવસમાં હાલની સ્થિતિ પ્રમાણે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત તથા બનાસકાંઠા તરફના વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે છે અને કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે આ વિસ્તારોમાં અતિભારે વરસાદ થાય એવી શક્યતા ઓછી છે.
ગુજરાતમાં 1 જૂનથી 6 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 18 જેટલો વધારે વરસાદ થયો છે, જેમાં ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 4 ટકા વધારે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 39 ટકા વધારે વરસાદ થયો છે.
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં અત્યાર સુધી સરેરાશ કરતાં સૌથી વધારે વરસાદ થયો છે, જ્યારે સુરેન્દ્રનગર અને દાહોદમાં સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ થયો છે.