You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફરાર અમૃતપાલ સિંહે જાહેર કર્યો વીડિયો, પંજાબ પોલીસે શું કહ્યું?
ખાલિસ્તાન સમર્થક અને 'વારિસ પંજાબ દે' સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહે એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે.
પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ 18 માર્ચે કાર્યવાહી શરૂ કરી હતી. તે દિવસથી અમૃતપાલ સિંહ ફરાર છે. પોલીસે તેમના કેટલાક સાથીઓની ધરપકડ કરી છે.
અમૃતપાલ સિંહનો આ વીડિયો બુધવારે સાંજે અચાનક વિવિધ ડિજિટલ અને સૅટેલાઇટ ચૅનલો પર જોવા મળ્યો.
જોકે, પંજાબ પોલીસે તેના સમય અને સ્થાનની પુષ્ટિ કરી નથી પરંતુ એ જરૂર કહ્યું છે કે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ પોલીસ કસ્ટડીમાં નથી.
પંજાબ પોલીસના પ્રમુખ ગૌરવ યાદવે 26 માર્ચે કરેલાં ટ્વીટ અનુસાર, પોલીસે 353 લોકોને પકડ્યા હતા, જેમાંથી 197ને છોડી દેવામાં આવ્યા છે.
વીડિયોમાં કાર્યવાહીના પ્રથમ દિવસ વિશે શું કહ્યું?
અમૃતપાલ સિંહે જાહેર કરેલો વીડિયો ક્યારે બન્યો છે તે વિશે નિશ્ચિત રૂપે કંઈ કહી શકાય તેમ નથી પરંતુ આ વીડિયોમાં તેમણે 27 માર્ચે અકાલ તખ્તના જત્થેદાર હરપ્રીત સિંહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો.
અકાલ તખ્ત સાહિબમાં 27 માર્ચે યોજાયેલી 'પંથિક સભા' દરમિયાન હરપ્રીત સિંહે પંજાબ સરકારને પાછલા દિવસોમાં ધરપકડ કરાયેલા નિર્દોષ યુવકોને છોડી દેવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
આ સિવાય અમૃતપાલે પોતાના વીડિયોમાં જત્થેદાર હરપ્રીત સિંહ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન વચ્ચે 28 માર્ચે સોશિયલ મીડિયા પર છેડાયલા શાબ્દિક યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયોમાં અમૃતપાલ સિંહે 18 માર્ચના ઘટનાક્રમનો ઉલ્લેખ કરતાં કહ્યું, "જો સરકાર ઘરે આવીને ધરપકડ કરી હોત તો હું ધરપકડ કરાવી લેત પણ તેમણે બળનો ઉપયોગ કરીને અમને ઘેરીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. અમે પરમાત્માની કૃપાથી બચીને નીકળી ગયા હતા."
કોણ છે અમૃતપાલ સિંહ?
અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ છે. પોતાનું લક્ષ્ય શીખો માટે એક સ્વાયત ખાલિસ્તાન રાજ્ય બનાવવાનું હોવાનું તેઓ જણાવે છે.
વર્ષો સુધી દુબઈમાં રહ્યા બાદ ગત સપ્ટેમ્બરમાં તેઓ પંજાબ પાછા ફર્યા હતા અને અમૃત સંચાર તથા નશામુક્તિ આંદોલનના નામે તેમણે યુવાનોને પોતાની સાથે જોડવાનું શરૂ કર્યું હતું.
જોકે, વિવાદિત ભાષણો, દરગાહોમાંની બેંચને આગ ચાંપવાને તથા અજનાલા પોલીસથાણા સામે હિંસાને કારણ તેઓ વિવાદમાં રહ્યા છે.
પોલીસ 18 માર્ચથી તેમનો પીછો કરી રહી છે અને પંજાબમાંના તેમને ટેકેદારોની મોટા પાયે ધરપકડ કરવામાં આવી રહી છે.
અમૃતપાલની જત્થેદારને અપીલ
બુધવારે સાંજે સામે આવેલા વીડિયોમાં અમૃતપાલે કહ્યું, "જ્યારે ઇન્ટરનેટ ડાઉન થઈ ગયું અને અમારી પાસે કોઈ સંપર્ક નહોતો ત્યારે શરૂઆતમાં અમને ખબર ન હતી કે સમાચારમાં શું ચાલી રહ્યું છે. હવે જ્યારે હું આપ સૌને સંબોધી રહ્યો છું ત્યારે મેં કેટલાક સમાચાર વાંચ્યા કે પંજાબમાં શું ચાલી રહ્યું છે."
"જત્થેદાર સાહેબે એક બેઠક બોલાવી, જેમાં સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ સરકારે અકાલ તખ્ત સાહિબના વ્યક્તિત્વને પડકાર આપ્યો છે. જે નિમ્ન કક્ષાની બાબત કહેવાય."
તેમણે આગળ કહ્યું, "મને લાગે છે કે જત્થેદાર સાહેબે આ મુદ્દે આકરું વલણ અપનાવવું જોઈએ. જત્થેદાર સાહેબે સરબત ખાલસાને તખ્ત શ્રી દમદમા સાહિબમાં બૈસાખી મેળામાં આમંત્રિત કરવા જોઈએ."
શીખોના મુદ્દા પર ચર્ચા કરવા માટે અકાલ તખ્ત સાહિબમાં બોલાવવામાં આવતી સમગ્ર પંથની સભાને સરબત ખાલસા કહેવામાં આવે છે.
આ પરંપરા 18મી સદીમાં શરૂ થઈ હતી પરંતુ સરબત ખાલસાને અકાલ તખ્ત સાહિબની બહાર અન્ય સ્થાનો પર પણ આમંત્રિત કરવામાં આવે છે.
ધરપકડ વિશે અમૃતપાલ સિંહે કહ્યું, "આ ભગવાનના હાથોમાં છે. હું સ્વસ્થ છું અને કોઈ પણ મારો વાળ સુદ્ધા અડકી શકતું નથી."
સરેન્ડર વિશે પોલીસે શું કહ્યું?
પંજાબ પોલીસના ડીઆજી નરેન્દ્ર ભાર્ગવે બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડા સાથે ફોન પર અમૃતપાલ સિંહના તાજેતરના વીડિયો વિશેે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ હાલ તેની પુષ્ટિ કરી શકે તેમ નથી.
તેમણે કહ્યું, "જો અમૃતપાલે વીડિયો સંદેશ મોકલ્યો છે, તો તેમણે માત્ર પંજાબ પોલીસના નિવેદનની પુષ્ટિ કરી છે કે તેઓ અમારી કસ્ટડીમાં નથી."
તેમણે કહ્યું કે પોલીસ સતત તેમની શોધખોળ હાથ ધરી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંહનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો જ્યારે મીડિયામાં તેમના સરેન્ડરની વાતો વહેતી થઈ હતી.
જોકે, અમૃતસર પોલીસ કમિશનર નૌનિહાલ સિંહે બીબીસી સંવાદદાતા રવિંદરસિંહ રૉબિન સાથે વાત કરતાં કહ્યું કે "જો કોઈને અહીં (દરબાર સાહિબ) આવીને સરેન્ડર કરવાની ઇચ્છા હોય તો હું આપને ભરોસો આપવા માગું છું કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે. એમાં કોઈ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે."
"પરંતુ જો એ કોઈ અટકળો હોય તો હું તેની પુષ્ટિ કરી શકતો નથી. અમે કાયદાનુસાર કાર્યવાહી કરવા બંધાયેલા છે."
કયા-કયા ગુના દાખલ?
પોલીસે અમૃતપાલ સિંહ અને તેમના સાથીઓ વિરુદ્ધ શાંતિ ભંગ કરવાના, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત કરવાનો અને ઑનડ્યુટી પોલીસ કર્મીઓને રોકવા સહિત વિવિધ આરોપો અંતર્ગત 16 ફરિયાદ દાખલ કરી છે.
પોતાના એક સાથીને છોડાવવા માટે અમૃતપાલ સિંહ તેમજ તેમના સાથીઓએ 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસસ્ટેશનને ઘેરી લીધું હતું. આ દરમિયાન હિંસા પણ ફાટી નીકળી હતી.
પોલીસ પ્રમાણે, 18 માર્ચે આ મામલે અમૃતપાલ સિંહ અને તેમના સાથીઓની જલંધરના શાહકોટ-મલસિયાન રોડ પર ધરપકડ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યાર પછીથી પંજાબ પોલીસ અમૃતપાલ સિંહની ધરપકડ કરી શકી નથી.