ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે અને કેટલા તબક્કામાં મતદાન થશે?

પ્રકાશિત

સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ હવે લોકસભા ચૂંટણીના ભણકારા સંભળાવા લાગ્યા છે. સત્તાપક્ષ ભાજપ હોય કે વિપક્ષનાં કૉંગ્રેસ અને આપ, બધા પક્ષો તૈયારીમાં જોતરાઈ ગયાં હોવાનું દેખાઈ રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોવાને કારણે ગુજરાતની લોકસભા ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બને છે.

આવું એટલા માટે પણ થાય છે કે કારણ કે પાછલી બે ટર્મથી રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ પરફેક્ટ સ્કોર કરવામાં સફળ રહ્યો છે.

આ વખતે તો ભાજપે વધુ મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ રાખ્યો છે. આ વખત માત્ર તમામ બેઠોક પર કબજા કરતાં દરેક સીટ પર પાંચ લાખ કરતાં વધુ લીડ મેળવવાનો રાજ્ય ભાજપે હુંકાર ભર્યો છે.

જોકે, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી આને માત્ર ‘ચૂંટણી પહેલાં હવા ઊભી કરવાનો પ્રયાસ’ ગણાવી રહી છે. કૉંગ્રેસ ‘પાયાના સ્તરે’ કામ કરીને તો આપ યુવાન નેતાઓની લોકપ્રિયતાને આધારે આ વખત ભાજપની પરફેક્ટ સ્કોરની રાહ મુશ્કેલ બનાવવાના દાવા કરી રહી છે.

ક્યારે યોજાશે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી?

ચૂંટણીપંચે 16 માર્ચ શનિવારે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીમાં આયોજિત કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થવાનો છે.

લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં થશે અને બધી ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી થશે.

ગુજરાતમાં સાત મેના રોજ ચૂંટણી થશે.

ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. કદાચ એટલે જ ભારતની લોકસભાની ચૂંટણીને ‘વિશ્વનું સૌથી મોટું લોકશાહીનું પર્વ’ પણ કહેવાય છે.

લોકસભાની ચૂંટણી પર માત્ર ભારતના પાડોશી દેશો જ નહીં, પરંતુ લગભગ સમગ્ર વિશ્વની નજર હોય છે.

ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે અને કેટલા તબક્કામાં મતદાન યોજાઈ શકે છે?

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે એક જ તબક્કામાં મતદાન યોજાશે. ભારતમાં લોકસભાની બેઠકો પર તબક્કાવાર મતદાન યોજાશે.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના મતદાનની વાત કરીએ તો એ નવ તબક્કામાં યોજાયું હતું, જ્યારે વર્ષ 2019ની ચૂંટણીનું મતદાન સાત તબક્કામાં હાથ ધરાયું હતું. વર્ષ 2024માં પણ દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે.

ગુજરાતની વાત કરાય તો સામાન્યપણે રાજ્યમાં વચલા તબક્કામાં મતદાન યોજાય છે તેમ આ વખતે પણ ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે મતદાન થશે.

ભાજપે મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકોને બાદ કરતા રાજ્યની બાકીની 22 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરામાં થયેલી બેઠકોની વહેંચણી અનુસાર ભરૂચ અને ભાવનગરની બેઠકો પર કૉંગ્રેસ પોતાના ઉમેદવારો ચૂંટણીમાં નહીં ઉતારે અને આપના ઉમેદવારોને સમર્થન કરશે. જ્યારે આપ બાકીની બેઠકો પર પોતાના ઉમેદવારો નહીં ઉતારે અને કૉંગ્રેસના ઉમેદવારોનું સમર્થન કરશે.

કૉંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર જેવા સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.

કૉંગ્રેસે ગુજરાતમાં પોતાના કુલ સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે બાકીની 17 બેઠકો પર પક્ષે હજી પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા.

ગત વખતે શું હતી સ્થિતિ?

17મી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બીજી ટર્મ માટે ‘મૈં ભી ચોકીદાર’ના નારા સાથે ચૂંટણીમેદાને ઊતર્યા હતા. આ વખતે ભાજપ 'મોદીની ગૅરંટી' અને 'મોદી કા પરિવાર' જેવા નારા સાથે 2024ની લોકસભાચૂંટણીપ્રચારની શરૂઆત કરી ચૂક્યો છે.

ગત ચૂંટણી માટેનું મતદાન સાત તબક્કામાં યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ યોજાયું હતું. તેમજ 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર કરાયાં હતાં. જેમાં, ભાજપની આગેવાનીમાં નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ (એનડીએ)ને 543માંથી 353 બેઠકો મળી હતી. જ્યારે ભાજપ આપબળે આ ચૂંટણીમાં 303 બેઠકો મેળવી લાવ્યો હતો, જે વર્ષ 2014ના તેના 282 બેઠકો પર જીતના રેકૉર્ડ કરતાં પણ વધુ હતો.

સામેની બાજુએ મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ આ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં અનુક્રમે 44 અને 52 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.

જો ગુજરાતની વાત કરીએ તો ગત વખતે ત્રીજા તબક્કામાં રાજ્યની 26 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

આ વખતે ગુજરાત ભાજપે રાજ્યમાં તમામ બેઠકો જીતવાની સાથોસાથ દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાંચ બેઠકો મેળવી રાજ્યમાં ત્રીજા નંબરની પાર્ટી બની હતી.

આ ચૂંટણીમાં ભાજપના દાવા અને નાના સ્તરે પણ આમ આદમી પાર્ટીની ગુજરાતની આ લોકસભા ચૂંટણીમાં હાજરી એ બંને ફેકટરોને કારણે આ વખતની ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.