You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં સિસ્ટમ બની, ચોમાસું ગતિ પકડશે પણ ગુજરાત ક્યારે પહોંચશે અને ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં ચોમાસું પહોંચે એ પહેલાં હવે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેની અસર દેશના ઘણા વિસ્તારોમાં થવાની શક્યતા છે.
તાજેતરમાં જ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદમાં વધારો થયો હતો અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું.
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં 2થી 3 દિવસમાં ચોમાસું પહોંચે એવી શક્યતા છે.
આ વર્ષે 24 મેના રોજ એટલે કે સમય કરતાં આઠ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું હતું અને મુંબઈ સુધી પણ ખૂબ ઝડપથી પહોંચી ગયું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે 28 મે થી 29મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આગામી બેથી ત્રણ દિવસ સુધી હજી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર રહેશે.
હવામાન વિભાગે 29 મે સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
28 અને 29 મેના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર સહિત કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા અને નગરહવેલીના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે. આમાંથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે.
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથના વિસ્તારોમાં 28 અને 29 મેના રોજ વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને કોઈ એક કે બે વિસ્તારોમાં થોડો વધારે વરસાદ થઈ શકે છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર સહિતના બીજા વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, આણંદ, ખેડામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના મોટા ભાગના વિસ્તારો તથા પાટણ, બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા 28મે બાદ ખૂબ ઘટી જવાની સંભાવના છે.
30મેની આસપાસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઘટી જશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.
બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાતને અસર થશે?
હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર પ્રેશર એરિયા બન્યો છે અને આગામી 24 કલાકમાં તે વધારે મજબૂત થવાની શક્યતા છે.
આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ધીરેધીરે આગળ વધશે અને પૂર્વોત્તરનાં રાજ્યો તરફ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
જેના લીધે પશ્ચિમ બંગાળ, ઓડિશા, પૂર્વોત્તરનાં રાજ્યોમાં વરસાદી ગતિવિધિ વધી જશે અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ આ સિસ્ટમ ગુજરાત તરફ કે મધ્ય ભારત તરફ આવવાની શક્યતા જણાતી નથી. જેથી રાજ્ય પર તેની કોઈ અસર થવાની શક્યતા નથી.
હવે ગુજરાતમાં વરસાદનું જોર વધવાને બદલે ઘટવાની શક્યતા છે અને તેના કારણે ચોમાસાની પ્રગતિ પર પણ અસર થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દેશના કેટલાક વધારે ભાગો સુધી ચોમાસું પહોચી જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના કેટલાક વધારે વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, તેલંગણા, આંધ્ર પ્રદેશના કેટલાક વધારે વિસ્તારો, છત્તીસગઢ, ઓડિશાના કેટલાક વિસ્તારો, પૂર્વોત્તરનાં રાજ્યો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં આગામી 2થી 3 દિવસોમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.
જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ હવામાન વિભાગે વરસાદની જે માહિતી આપી છે તે પ્રમાણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણે બે દિવસ બાદ ઘટી જશે.
અરબી સમુદ્ર તરફની ચોમાસાની બ્રાંચ હવે નબળી પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાનનાં વિવિધ મૉડલો પણ દર્શાવી રહ્યાં છે કે ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ધીમી પડી શકે છે. જેથી કદાચ રાજ્યમાં ચોમાસું પહોંચવામાં સમય લાગે તેવી સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન