You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બહરાઇચ સાંપ્રદાયિક હિંસા: પોલીસ ઍન્કાઉન્ટરમાં બે આરોપીઓ ઘાયલ
ઉત્તર પ્રદેશ પોલીસે બહરાઇચ હિંસાના આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાંથી બે આરોપી સરફરાઝ અને તાલિબ પોલીસ ઍન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે.
પોલીસનું કહેવું છે કે સરફરાઝ અને તાલીબ ઍન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે બહરાઇચની હિંસા મામલે અત્યારસુધીમાં પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, પાંચેય આરોપી કથિત રીતે નેપાળ નાસી છૂટવાની વેતરણમાં હતા.
ઉત્તર પ્રદેશના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશના કહેવા પ્રમાણે, પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમિતાભ યશે કહ્યું, "મને માહિતી મળી છે કે ગોળીબારમાં બે શખ્સ ઘાયલ થયા છે."
તા. 13મી ઑક્ટોબરે બહરાઇચમાં દુર્ગાવિસર્જન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં 22 વર્ષીય ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
ચીફ મેડિકલ ઑફિસર સંજયકુમારે પુષ્ટિ કરી હતી કે ગોપાલ મિશ્રાનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિશ્રાની હત્યા બાદ બહરાઇચમાંં હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં. અનેક દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. આ હિંસા મામલે અત્યારસુધીમાં 11 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 55 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આપી ચેતવણી
રામ ગોપાલ મિશ્રાના પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ તથા હિંસા વિશે સોશિયલ મીડિયામાં જાત-જાતના દાવા કરવામાં આવી રહ્યા હતા.
બહરાઇચ પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન મૂકીને લોકોને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા ચેતવણી આપી હતી.
બહરાઇચ પોલીસે પોતાના નિવેદનમાં લખ્યું, "કોમી ઘટનાઓ અંગે ભ્રામક તથા ખોટા તથ્ય કેટલાક સોશિયલ મીડિયા હૅન્ડલ્સ પરથી ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ એકાઉન્ટ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
પોલીસના કહેવા પ્રમાણે, રામ ગોપાલ મિશ્રાનું મૃત્યુ ગોળી લાગવાથી થયું હતું. આ સિવાયના તમામ પ્રકારના દાવા ખોટા છે.
જે વિસ્તારમાં હિંસા થઈ તે મહસી તાલુકા હેઠળ આવે છે અને બહરાઇચથી 30 કિલોમીટર દૂર છે.
દુર્ગાવિસર્જન દરમિયાન કથિત રીતે ડીજે ઉપર વાંધાજનક ગીત વગાડવા મુદ્દે વિવાદ શરૂ થયો હતો. આ ગીત સામે મુસલમાનોએ વાંધો ઉઠાવ્યો હતો.
ઘટનાસ્થળે હાજર રહેલા પોલીસવાળાના કહેવા પ્રમાણે, બીજા પક્ષે ડીજે બંધ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એ પછી મુસ્લિમો દ્વારા ડીજેના તાર તોડી નાખવામાં આવ્યા હતા. એ પછી ભીડે હોબાળો શરૂ કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન