ગુજરાતમાં ચોમાસાની વિદાય પરંતુ દેશમાં હવે શરૂ થશે નવું ચોમાસું, કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

પ્રકાશિત

ગુજરાત સહિત દેશમાં જૂન મહિનામાં શરૂ થયેલું દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું હાલ વિદાય લઈ રહ્યું છે. અડધાથી વધારે ગુજરાત તથા દેશનાં બીજાં રાજ્યોમાં ચોમાસું પૂરું થઈ ગયું છે.

દેશમાં એક ચોમાસું પૂરું થઈ રહ્યું છે અને હવે બીજું ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં પવનની દિશા બદલાશે અને દેશમાં બીજા ચોમાસાની શરૂઆત થશે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવનારા કેટલાક દિવસોમાં ઉત્તર પશ્ચિમના પવનો શરૂ થશે અને ફરીથી દેશમાં બીજા ચોમાસાની શરૂઆત થઈ જશે.

હાલ બંગાળની ખાડીમાં બનીને આગળ વધી રહેલી સિસ્ટમ સિક્કિમ સહિત પૂર્વોત્તરનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસાવી રહી છે. એ સિસ્ટમ વિખેરાઈ જતાં જ ઉત્તર-પૂર્વનું બીજું ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે.

ઉત્તર પૂર્વનું ચોમાસું એટલે શું? તેના કારણે ક્યાં વરસાદ પડશે?

ભારતમાં બે ચોમાસાં છે એક ચોમાસાની શરૂઆત આપણે ત્યાં જૂન મહિનાથી થાય છે અને સપ્ટેમ્બર મહિનામાં તે પૂરું થાય છે. જેને આપણે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કહીએ છીએ.

દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું જ્યારે પૂરું થાય ત્યારે ઑક્ટોબર મહિનાથી બીજું ચોમાસું શરૂ થાય છે અને તે ડિસેમ્બર મહિનામાં પૂરું થાય છે. આ ચોમાસાને ઉત્તર-પૂર્વનું ચોમાસું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ ત્રણ મહિનાના સમયગાળામાં પવનો ઉત્તરપૂર્વથી એટલે કે બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યો તરફથી દક્ષિણ-પશ્ચિમ તરફ એટલે કે દક્ષિણ ભારતનાં રાજ્યો તરફની દિશામાં આવતા હોય છે.

પવનો જ્યારે પૂર્વોત્તર તરફથી દક્ષિણ ભારત તરફ આવે છે ત્યારે તે બંગાળની ખાડીમાંથી ખૂબ બધો ભેજ લઈને આવે છે અને દક્ષિણ ભારતમાં તેના કારણે ત્રણ મહિના સુધી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થાય છે.

તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને દક્ષિણ તેલંગાણાના વિસ્તારોમાં આ ચોમાસાને કારણે ત્રણ મહિના સુધી વરસાદ પડે છે.

ગુજરાતમાં આપણે બીજું ચોમાસું કે ઉત્તર-પૂર્વનું ચોમાસું કહેવાને બદલે તેને પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ.

ઉત્તર-પૂર્વના ચોમાસાને 'શિયાળું ચોમાસા' તરીકે પણ ઓળખે છે અને તેની શરૂ થવાની અધિકારીક તારીખ 20 ઑક્ટોબર છે.

આ ચોમાસું કેમ મહત્ત્વનું છે અને ગુજરાતમાં તેની શું અસર થાય છે?

જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલતા મુખ્ય ચોમાસામાં દેશભરમાં 75 ટકા જેટલો વરસાદ પડે છે. જ્યારે ઑક્ટોબરથી શરૂ થતા ઉત્તર-પૂર્વના ચોમાસામાં 11 ટકા જેટલો વરસાદ પડે છે.

ઉત્તરપૂર્વના ચોમાસાનો લાભ દક્ષિણ ભારતનાં રાજ્યોને મળે છે અને તેનો સૌથી વધારે ફાયદો તમિલનાડુને મળે છે. તામિલનાડુમાં આખા વર્ષનો 48% ટકા વરસાદ આ ચોમાસા દરમિયાન પડે છે.

જ્યારે જૂન મહિનામાં કેરળમાંથી જે ચોમાસું શરૂ થાય છે તેમાં તામિલનાડુમાં આખા વર્ષનો માત્ર 36% વરસાદ પડે છે. તેનું કારણ એ છે કે તે વેસ્ટર્ન ઘાટની પાછળ આવેલું હોવાથી ચોમાસાના ચાર મહિના દરમિયાન ત્યાં વધારે વરસાદ પડતો નથી. જેથી ગુજરાત માટે જેમ જૂનમાં શરૂ થતું ચોમાસું ખૂબ મહત્ત્વનું છે તેવી જ રીતે તામિલનાડુ માટે ઑક્ટોબરમાં શરૂ થતું ચોમાસું મહત્ત્વનું છે.

ગુજરાતમાં આ ચોમાસાની ખાસ કોઈ અસર થતી નથી એટલે કે આપણે ત્યાં પાછા ફરતા મોસમી પવનો ઠંડી લઈને આવે છે. ઑક્ટોબર બાદ પવનની દિશા બદલાતાં ગુજરાત પર પાકિસ્તાન અને ઉત્તર ભારત તરફથી સૂકા પવનો આવે છે અને રાજ્યમાં ઠંડીની શરૂઆત થાય છે.

હાલ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને ઉત્તર-પૂર્વના ચોમાસાને કારણે ગુજરાતમાં વરસાદ થતો નથી.

ઉત્તરપૂર્વના ચોમાસામાં માત્ર દક્ષિણનાં રાજ્યોમાં જ કેમ વરસાદ પડે છે?

પૂર્વોત્તરનું ચોમાસું શરૂ થાય ત્યારે ઇન્ટર ટ્રૉપિકલ કન્વર્જન્સ ઝોન દક્ષિણ તરફ નીચે આવે છે. જેથી પવનોની દિશા બદવાની શરૂ થાય છે.

ઇન્ટર ટ્રૉપિકલ કન્વર્જન્સ ઝોન વિષુવવૃત પાસેનું એક ગતિમાન પવનોનું ક્ષેત્ર છે જ્યાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તરફથી આવતા વ્યાપારી પવનો મળે છે. સપ્ટેમ્બરમાં દક્ષિણપશ્ચિમનું ચોમાસું પૂરું થાય ત્યારે ઉત્તર ભારતમાં એન્ટિસાયક્લૉન બને છે અને તેના કારણે પવનોની દિશા બદલાવાની શરૂ થાય છે.

આ પહેલાં ભારત પર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પરથી પવનો આવતા હોય છે અને તે ભેજ લઈને આવે છે. પરંતુ એન્ટિ સાયક્લૉન બન્યા બાદ પવનો ભારત પરથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર જાય છે. જેથી જમીન પરથી દરિયા તરફ પવનો ફૂંકાતા દેશનો મોટા ભાગનો વિસ્તાર સૂકો રહે છે અને વરસાદ પડતો નથી.

જોકે, આ પવનો બંગાળની ખાડીની ઉપરથી પસાર થઈને દક્ષિણનાં રાજ્યો પર જાય છે ત્યારે ભેજ સાથે લઈને જાય છે અને ત્યારે તામિલનાડુ અને બીજા વિસ્તારોમાં વરસાદ થાય છે.

ગુજરાત પર આ સમય દરમિયાન એટલે વરસાદ નથી થતો કારણ કે ગુજરાત પર સીધા જ જમીન પરથી પવનો આવે છે.