અમદાવાદ : 'દેવામાં ડૂબેલા' કંપાઉન્ડરે 'ઓછા ખર્ચે સર્જરીની લાલચ આપી માતાપુત્રીનાં મૃત્યુ કર્યાં', શું છે મામલો?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા હૉસ્પિટલમાં 'કંપાઉંડર ડૉક્ટર બનીને સારવાર કરતાં બે મહિલાનાં મૃત્યુ'
  • એનેસ્થેસિયા માટે વપરાતી કેટામાઇન ઇન્જેક્શનના ઓવરડોઝથી મૃત્યુ થયાંનું તારણ
  • હત્યા બાદ મૃતદેહને હૉસ્પિટલમાં જ સંતાડી દેવાયાનો આરોપ
  • પોલીસે કંપાઉન્ડરની ધરપકડ કરી

અમદાવાદના ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં 21 ડિસેમ્બરના રોજ એક ખાનગી હૉસ્પિટલમાં બે મૃતદેહો મળી આવતાં સાથે જ એક એવા કથિત ગુના અંગે વિગતો સામે આવી જેમાં ‘થોડા રૂપિયાની લાલચમાં’ માતાપુત્રીની જોડીને મૃત્યુશય્યાએ ‘પહોંચાડી’ દેવાઈ.

કર્ણ હૉસ્પિટલમાંથી મળી આવેલા મૃતદેહોમાંથી એક કબાટમાંથી મળી આવ્યો હતો અને બીજો મૃતદેહ દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવાતા બેડની નીચેથી મળી આવ્યો હતો.

આ મૃતદેહો અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારમાં રહેતાં ભારતીબહેન તથા તેમનાં માતા ચંપાબહેનના હતા.

સમગ્ર મામલે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, જે બાદ હૉસ્પિટલના કંપાઉન્ડર મનસુખની કથિતપણે ‘રૂપિયાની લાલચમાં’ પીડિતાનું ‘યોગ્ય તાલીમ વિના સર્જરી’ કરી મૃત્યુ નિપજાવ્યા આરોપસર ધરપકડ કરાઈ હતી.

આરોપીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરાવાના છે.

કેવી રીતે હત્યા થઈ?

અમદાવાદ પોલીસના કે ડિવિઝનના એસીપી મિલાપ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમદાવાદની કર્ણ હૉસ્પિટલમાં મનસુખ નામની વ્યક્તિ છેલ્લા પંદર વર્ષથી ડૉક્ટરના સહાયક તરીકે કામ કરતી હતી. લાંબા સમયથી નોકરી કરતો હોઈ રેગ્યુલર સારવાર માટે આવતા ઘણા દર્દીઓને મનસુખ સારી રીતે ઓળખતો હતો.”

“ડૉક્ટરની જાણ બહાર તે દર્દીઓને ઓછી રકમમાં સારવાર કરી આપવા માટે લાલચ અપાતી હતી અને ડૉક્ટરની ગેરહાજરીમાં સર્જરી પણ કરતો હતો.”

ચંપાબહેન તથા તેમનાં દીકરી ભારતીબહેન પણ અહીં ઘણી વખત સારવાર માટે આવતાં હતાં. આ બંન્ને મનસુખના સંપર્કમાં આવ્યાં હતાં.

સામાન્ય પરિવારમાંથી આવતાં માતા-દીકરીને ડૉક્ટરની ફી પોસાય તેમ ન હતી, તે વાત જાણી મનસુખે તેમને કથિતપણે ઓછી રકમમાં સારવાર કરવાની લાલચ આપી હતી.

આરોપ છે કે એક વર્ષ પહેલાં મનસુખે ભારતીબહેનના જમણા કાનની સર્જરી કરી હતી. આ સર્જરીમાં દર્દીની સારવાર સફળ થતાં મનસુખને આ કામ કરવાનો આત્મવિશ્વાસ વધી ગયો હતો.

50 હજારની સર્જરી 15 હજારમાં કરાવાની લાલચે જીવ ગુમાવ્યો?

પોલીસે આપેલી માહિતી અનુસાર એક વર્ષ પછી ભારતીબહેનના ડાબા કાનમાં તે જ પ્રકારની પીડા થતાં કર્ણ હૉસ્પિટલના કંપાઉન્ડર મનસુખનો સંપર્ક કર્યો હતો.

તપાસ કરતી પોલીસ ટીમે આપેલી માહિતી અનુસાર મનસુખે ડૉક્ટર જે સર્જરી 50 હજારમાં કરી આપે તે 15 હજારમાં કરી આપવાની લાલચ આપી હતી, જેના કારણે ચંપાબહેન અને ભારતીબહેન સારવાર માટે તૈયાર થઈ ગયાં હતાં. 

તપાસ અધિકારીને જાણવા મળેલ વિગતો અનુસાર મનસુખે ડૉક્ટર હાજર ન હોય તેવા સમયે દર્દીને હૉસ્પિટલ પર બોલાવ્યાં હતાં. 21 ડિસેમ્બર 2022ના રોજ  ભારતીબહેન માતા સાથે હૉસ્પિટલમાં ડાબા કાનની સર્જરી માટે આવ્યાં હતાં.

પોલીસનો દાવો છે કે મનસુખે હૉસ્પિટલના સીસીટીવી કૅમેરા બંધ કરી સર્જરી કરવાનું શરૂ કર્યુ હતું.

આ કેસની અન્ય વિગતો આપતાં પોલીસ અધિકારી જણાવે છે કે, “મનસુખે કાનની સર્જરી શરૂ કરતાં ભારતીબહેનના કાનમાં LOX નામની દવાનાં બે ટીપાં નાખી કાનનો તે ભાગ બહેરો કરવાનો પ્રયત્ન કર્યો હતો.”

“આ દવાની દર્દી ભારતીબહેનને અસર ના થતાં મનસુખે એનેસ્થેસિયા માટે વપરાતી કેટામાઇનનું ઇન્જેક્શન આપ્યું હતું.”

તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર મનસુખ આ સારવાર માટે અનુભવ ધરાવતા ન હતા અને તેવી તાલીમ પણ લીધી નહોતી. દવાના ઓવરડોઝના કારણે દર્દી ભારતીબહેન ત્યાં જ પડી ગયાં અને તેમનું મૃત્યુ થયું હતું.

આ દૃશ્ય જોતાં તેમની સાથે પહોંચેલાં તેમનાં માતા ચંપાબહેન પણ ગભરાઈ ગયાં હતાં. આ સ્થિતિ જોઈ મનસુખને લાગ્યું કે સમગ્ર ઘટના ચંપાબહેન બહાર પાડી દેશે.

પોલીસના જણાવ્યાનુસાર “શંકાના કારણે તેમણે ચંપાબહેનને પણ કેટામાઇનના ઓવરડોઝવાળું ઇન્જેક્શન આપી તેમની હત્યા કરી હતી.”

હત્યાને અંજામ આપ્યા બાદ કથિતપણે મનસુખે હૉસ્પિટલમાં દાખલ અન્ય દર્દી તથા તેમનાં સગાંવહાલાંને હૉસ્પિટલમાં દવાનો છંટકાવ કરવાના બહાને થોડા સમય માટે બહાર કાઢ્યા હતા.

ભારતીબહેનનો મૃતદેહ કબાટમાં સંતાડી દીધો હતો અને માતા ચંપાબહેનના મૃતદેહને દર્દીની બેડની નીચે સંતાડ્યો હતો.

મનસુખની ધરપકડ કેવી રીતે થઈ?

ચંપાબહેન તેમના પતિ ગોવિંદભાઈને એવું કહીને નીકળ્યાં હતાં કે તેઓ દીકરીને એલ. જી. હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ રહ્યાં છે.

આ બાદ ઘટના અંગે જાણ થતાં ગોવિંદભાઈ કર્ણ હૉસ્પિટલ પહોંચ્યા, ત્યાં તેમણે તેમનાં પત્ની અને દીકરીના મૃતદેહો જોતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ શરૂ કરતાં સૌથી પહેલાં હૉસ્પિટલના સીસીટીવી તપાસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તપાસમાં બહાર આવ્યું હતું કે ઘટના દરમિયાન સીસીટીવી કૅમેરા બંધ હતા.

પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી તપાસતાં તેમને ચંપાબહેન અને ભારતીબહેન હૉસ્પિટલમાં પ્રવેશ કરતાં જોવા મળ્યાં હતાં.

સમગ્ર મામલે મનસુખ પર શંકા જતા પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યાનુસાર પૂછપરછ કરતાં મનસુખે ‘સમગ્ર ઘટનાક્રમ જણાવી ગુનાની કબૂલાત કરી હતી.”

'હત્યા બાદ દાગીના ચોરી ગીરો મૂક્યા'

આ ઉપરાંત પોલીસને ફરિયાદીએ જણાવ્યું હતું કે “ભારતીબહેન અને ચંપાબહેનના મૃતદેહ પરથી મનસુખે દાગીના લઈ લીધા હતા.”

પોલીસે આપેલી માહિતી અનુસાર આ દાગીના મનસુખે ગીરો મૂક્યા હતા. આ તમામ દાગીના પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે.

પોલીસ અનુસાર દેવા અને વ્યાજની ચુકવણી માટે આરોપી મનસુખ ‘આ કામ કરતા હતા.’

સમગ્ર ઘટના અંગે પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મનસુખ દેવામાં ડૂબેલો હતો. દેવાની તથા વ્યાજની ચુકવણી માટે રોજ ડૉક્ટરની ગેરહાજરીમાં સીસીટીવી બંધ કરીને બેથી ત્રણ દર્દીઓની સારવાર કરતો હતો.”

FIRમાં જણાવેલી માહિતી અનુસાર, પોલીસે કલમ ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે.

પરંતુ એસીપી મિલાપ પટેલનું કહેવું છે કે, “દાગીનાની ચોરી તથા અન્ય બાબતોના અનુસંધાને પોલીસ નવી કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.”

કેટામાઈન કેટલું જોખમી?

મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ અનુસાર, કેટામાઇન એક દવા છે, જેનો ઉપયોગ ડૉકટરો એનેસ્થેટિક તરીકે કરે છે. જેનાથી વ્યક્તિને અચેતન કરી શકાય છે અને દર્દીને પીડાનો અનુભવ ઓછો થાય છે.

દવા યોગ્ય રીતે લેવામાં આવે તો કેટામાઇનનો ઉપયોગ સુરક્ષિત છે. જોકે કેટામાઇન ત્યારે જ સુરક્ષિત હોઈ શકે, જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર આ દવા લેવામાં આવે.

કેટામાઇનથી થતું નુકસાન

  • બ્લડપ્રેશર: જેમાં બ્લડપ્રેશર અને હાર્ટરેટમાં વધારો અને ઘટાડો બંને સામેલ છે
  • રેસ્પિરેટરી ડિપ્રેશન: દવાના ઓવરડોઝના કારણે થઈ શકે છે
  • લિવરને નુકસાન - કેટામાઇનના ઉપયોગથી લિવરને નુકસાન થઈ શકે છે
  • હાઈ બ્લડપ્રેશર હોય તેવા કોઈ પણ વયના લોકોને ડૉક્ટર કેટામાઇન ન લેવાની સલાહ આપે છે
  • આ દવા સ્કિઝોફ્રેનિયા ધરાવતી વ્યક્તિઓ માટે અથવા સગર્ભા અથવા સ્તનપાન કરાવતી વ્યક્તિઓ માટે પણ યોગ્ય નથી