You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરીન કેવી રીતે તૂટી? એની ખબર કેવી રીતે પડશે?
- લેેખક, પલ્લબ ઘોષ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
- પ્રકાશિત
વિશ્વનાં સૌથી ચર્ચાસ્પદ જહાજ ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા ગયેલી સબમરીન ટાઈટન દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડી છે, અને તેમાં સવાર પાંચેય લોકો મૃત્યુ પામ્યા છે.
આ સબમરીન ગયા રવિવારે ગુમ થઈ હતી. ત્યાર બાદ તેની શોધ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું હતું.
ગુરુવારે આ સબમરીનનો કાટમાળ સમુદ્રની સપાટી પર પડ્યો હોવાની જાણકારી સામે આવી છે.
હવે બચાવકર્તાઓ અને તપાસકર્તાઓ આ દુર્ઘટનાનાં કારણોને સમજવાનો પ્રયત્ન કરશે.
વિનાશક વિસ્ફોટનો સંકેત
રિયર એડમિરલ જૉન મૉગર મુજબ અત્યાર સુધીમાં જે કંઈ પણ ખબર પડી છે. તે ‘વિનાશકારી વિસ્ફોટ’ની વાત સાથે મળતું આવે છે.
કારણ કે તેમને અત્યાર સુધીમાં કાટમાળના બે ઢગલા મળ્યા છે.
એક ઢગલામાં ટાઇટનની પાછળનો ભાગ મળ્યો છે. તો ત્યાં જ બીજા ઢગલામાં ટાઇટનની લૅન્ડિંગ ફ્રેમ દેખાઈ છે. આ એ વાતનો સંકેત આપે છે કે સબમરીનમાં વિસ્ફોટ થયો હશે.
બ્રિટનની રૉયલ નેવીમાં પૂર્વ સબમરીન કમાન્ડર રાયન રામસે મુજબ બચાવ અભિયાનમાં લાગેલી એજન્સીઓ આ દુર્ઘટનાનાં કારણોને સમજવાની કોશિશ કરશે કે આ દુર્ઘટનાને કેવી રીતે રોકી શકાઈ હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે માટે તેઓ કાટમાળનાં એક-એક ટુકડાને સમુદ્રની સપાટી પરથી ઉઠાવશે.
તેઓ કહે છે, "આ સબમરીનમાં બ્લૅક બૉક્સ નહોતું. એવામાં તમને તેના છેલ્લાં લોકેશનની જાણકારી નહીં મળે. પરંતુ તેનાથી વધુ આ દુર્ઘટનાની તપાસની પ્રક્રિયા કોઈ વિમાની દુર્ઘટનાની તપાસથી અલગ નહીં હોય."
એફિલ ટાવર જેટલું વજન પડ્યું હશે
સબમરીનના કાટમાળને સમુદ્રથી બહાર કાઢ્યા બાદ તેના એક એક ટુકડાની ઊંડાણથી તપાસ કરાશે.
કાટમાળના નાનામાં નાના ટુકડાને માઇક્રોસ્કોપમાંથી પસાર કરાશે. કે જેનાથી કાર્બન ફાઇબરના તંતુઓની દિશાને સમજી શકાય.
આ પ્રક્રિયામાં સૂક્ષ્મમાં સૂક્ષમ તિરાડોની તપાસ કરાશે. જેનાથી એ ખબર પડી શકે કે આ સબમરીનના અંતની શરૂઆત ક્યાંથી થઈ.
આ દરમિયાન તપાસકર્તા જે મોટા સવાલના જવાબ તપાસવાની કોશિશ કરશે તે એ છે કે શું દુર્ઘટનાનું કારણ માળખાકીય અસફળતા હતી?
સાઉથેમ્પ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર બ્લેયર થૉર્ટન કહે છે, "જો એવું થયું હશે, તો સબમરીન પર એફિલ ટાવર જેટલું વજન પડ્યું હશે. સબમરીનના મૂળ ભાગમાં ભયંકર દુર્ઘટના થઈ હશે, જેમાં સબમરીન ઝડપથી ખૂબ ઓછી જગ્યામાં સંકોચાઈ ગઈ હશે."
કેટલાક વિશેષજ્ઞોનો મત છે કે આ તમામ વચ્ચે મહત્ત્વનો સવાલ એ છે કે જો એવું થયું હશે તો શું એ યોગ્ય રીતે ટેસ્ટીંગ ના થવાના કારણે થયું?
અત્યંત ઝીણવટથી થશે તપાસ
લંડન સ્થિત ઈંપીરિયલ કૉલેજના પ્રોફેસર રોડેરિક એ સ્મિથ કહે છે, "જો કાર્બન ફાઇબર બનાવવા સમયે તેમાં આંતરિક દોષ હોય તો તેનાથી નુકસાન થઈ જાય છે. કાર્બન ફાઈબર અને ટાઈટેનિયમને જોડતા ભાગની ઊંડાણપૂર્વક તપાસ થાય તેની જરૂર હોય છે."
આ સબમરીનમાં ઝડપથી ઇમ્પ્લોઝન એટલે કે અંદરની તરફ સંકુચન થવાના કારણે ઘટનાક્રમ અંગે જાણકારી મેળવવી ઘણી મુશ્કેલ હશે.
તેઓ કહે છે, "આ કારણથી કાટમાળને બહાર કાઢીને તેની તપાસ કરવાની જરૂર છે."
અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે તપાસનું નેતૃત્વ કોણ કરશે? કારણ કે, આવી સબમરીનની દુર્ઘટના સમયે તપાસ કેવી રીતે કરવી તેની કોઈ પદ્ધતિ નક્કી નથી.
ઍડ્મિરલ મૉગર કહે છે, "આ ઘણુ જટિલ છે. કારણ કે આ દુર્ઘટના સમુદ્રની ખૂબજ ઊંડાણમાં થઈ હતી. જેમાં અલગ અલગ રાષ્ટ્રના લોકો શામેલ હતા. પરંતુ બચાવ અભિયાનનું નેતૃત્વ અમેરિકી કોસ્ટગાર્ડે કર્યું હોવાથી મનાય છે કે તપાસમાં પણ તે મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે.