You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંદ્ર પર પહેલું કોણ પહોંચશે, ભારતનું ચંદ્રયાન-3 કે રશિયાનું લૂના-25?
- લેેખક, ક્રિસ બરૉનિક
- પદ, બીબીસી ફ્યુચર
- પ્રકાશિત
ગત મહિને ભારતે ફરી એક વાર ચંદ્રયાન મોકલ્યું છે. તો અંદાજે પાંચ દશકના લાંબા અંતરાલ બાદ ચંદ્ર પર પહોંચવાની રેસમાં રશિયા પણ કૂદી પડ્યું છે.
એટલે કે રશિયા અને ભારતના સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઊતરવાના ઈરાદાથી આગળ વધી રહ્યા છે.
ભારતનું ચંદ્રયાન-3 અને રશિયાનું લૂના-25 પોતાની સાથે એક-એક લૅન્ડર લઈને અંતરિક્ષમાં ગયાં છે, જેથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટલે કે અંધારવાળા ભાગમાં ઊતરીને ઇતિહાસ રચી શકે.
આ ચંદ્રનો એ ભાગ છે જ્યાં હજુ સુધી કોઈ લૅન્ડર સફળપૂર્વક ઊતરી શક્યું નથી.
આ બંને લૅન્ડર ચંદ્ર પર જામેલા પાણી અને કોઈ સંભવિત ખનીજની શોધ કરવાના લક્ષ્ય સાથે ચંદ્ર તરફ ગયાં છે.
રશિયાએ 11 ઑગસ્ટ, 2023 (મૉક્સોના સમયાનુસાર) લૂના-25 લૉન્ચ કર્યું છે, તો ભારતે 14 જુલાઈએ ચંદ્રયાન-3 રવાના કર્યું છે. જાણકારો કહે છે કે આ બંને મિશન લગભગ સમાન સમયે ચંદ્ર પર પોતપોતાનું લૅન્ડર ઉતારશે.
દુનિયાભરના લોકો એ રાહ જોઈ રહ્યા છે કે આ બંનેમાંથી કોણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું લૅન્ડર સૌથી પહેલા અને સફળતાપૂર્વક ઉતારશે?
1960ના દશકમાં શરૂ થઈ રેસ
જોકે ચંદ્ર સુધીની આ રેસ આજે નહીં પણ 1960ના દાયકામાં શરૂ થઈ હતી. એ સમયે અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે હોડ જામી હતી કે ચંદ્ર પર સૌથી પહેલા માણસ કોણ ઉતારી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૃથ્વીની કક્ષામાં પહેલું સૅટેલાઇટ સ્થાપિત કરવામાં, અંતરિક્ષમાં પહેલી વાર માણસ મોકલવામાં અને માનવરહિત મિશનને ચંદ્ર પર ઉતારવાના મુદ્દે રશિયા બાજી મારી, પણ અપોલો મિશનના માધ્યમથી અમેરિકાએ ચંદ્રની સપાટી પર પહેલી વાર માણસને ઉતાર્યો અને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી.
અમેરિકાની આ સિદ્ધિને દુનિયાભરના લાખો લોકોએ ટીવી પર જોઈ. બાદમાં અમેરિકા અનેક માનવમિશન ચંદ્ર પર મોકલ્યાં.
અમેરિકાનો અપોલો કાર્યક્રમ 1972માં ખતમ થયો. તેના પાંચ દાયકા બાદ આજ સુધી અમેરિકા સિવાય કોઈ અન્ય દેશ ચંદ્ર પર માણસને ઉતારી શક્યું નથી.
14 જુલાઈ, 2023માં ભારતના ચંદ્રયાને પૃથ્વીથી ઉડાન ભરી. ચંદ્રની સપાટી સંબંધિત જાણકારી મેળવવા તેમાં વૈજ્ઞાનિક ઉપકરણોની સાથે છ પૈડાંવાળું એક રોવર પણ સામેલ છે.
ઉમેદ છે કે ચંદ્રની કક્ષામાં અનેક ચક્કર લગાવ્યા બાદ આ પ્રથમ ચંદ્ર પર ઊતરવાની તૈયારી કરશે અને પછી લૅન્ડર 23 ઑગસ્ટે ચંદ્રની સપાટી પર ઊતરશે.
તો રશિયાનું લૅન્ડર લૂના-25, 11 ઑગસ્ટે ચંદ્ર પર રવાના થયું છે. આ સીધા રસ્તે અને ચંદ્રયાન કરતા બહુ ઝડપી ગતિથી ચંદ્ર તરફ તરફ જઈ રહ્યું છે અને આશા છે કે આ લૉન્ચ થયાના 10 દિવસમાં જ ચંદ્ર પર પહોંચી જશે.
રશિયન સ્પેસ એજન્સી રૉસકૉસમૉસે પણ પોતાની આ મહત્ત્વાકાંક્ષા રાખી કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લૅન્ડિંગ કરવા મુદ્દે રશિયા દુનિયાનો પહેલો દેશ બનવા માગે છે.
પરંતુ મનાઈ રહ્યું છે કે લૂના-25ની યાત્રા થોડી ધીમી હોઈ શકે છે અને બની શકે કે તે ચંદ્ર પર પહોંચવામાં થોડો વધારે સમય લે. આથી એ સંભવ છે કે ચંદ્રયાન-3નું લૅન્ડર પહેલા ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે.
રશિયા હોય કે ભારત- એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે ચંદ્ર પર પહોંચવાની હોડમાં હવે ફરી એક વાર અનેક દેશોને રસ વધવા લાગ્યો છે.
હાલના સમયે ચંદ્ર પર પાણી હોવાના સંકેત મળ્યા છે, જેથી વૈજ્ઞાનિકોમાં પણ ઉત્સાહ છે. તેમનું માનવું છે કે ભવિષ્યમાં ચંદ્ર પર બેઝ બનાવવો હોય તો જામેલા પાણીના હાઈડ્રોજનથી ઈંધણ તૈયારી કરી શકાય છે. એક કારણ એ પણ છે કે બની શકે કે આ પાણીને ભવિષ્યમાં પીવાલાયક બનાવી શકાય.
લૂના-25 વિરુદ્ધ ચંદ્રયાન-3
રશિયાના લૂના-25 અને ભારતના ચંદ્રયાન-3 વચ્ચેની રેસથી ચોક્કસપણે ચંદ્રની સપાટીના શોધની એક નવી દિશામાં શરૂઆત થઈ ગઈ છે.
તેમાં ભારત અને રશિયાની સહિત અમેરિકા, ચીન, ઇઝરાયલ, જાપાન અને ખાનગી કંપનીઓ પણ ચંદ્ર પર માનવરહિત અને માનવને લઈ જતા કાર્યક્રમોની યોજના બનાવી રહ્યા છે.
કેટલાક માટે આ મૈત્રી પ્રતિસ્પર્ધા છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે શોધનો દરેક કાર્યક્રમ ચંદ્ર વિશે જાણકારીના પુસ્તકનું એક નવું પ્રકરણ સાબિત થશે. ચંદ્ર પર લૅન્ડર ઉતારવા માટેનું દરેક દેશનું નાનું પગલું સૌરમંડળના સભ્યોને સમજવામાં માનવની મદદ કરશે.
જોકે કેટલાક જાણકારો માને છે કે કોણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલા ઊતરશે એ વાત બહુ મહત્ત્વની છે.
યુએસ ઍર સ્પેસ ફોર્ટની ઍર યુનિવર્સિટીમાં રણનીતિ અને સુરક્ષા મામલાનાં પ્રોફેસર વેન્ડી વ્હિટમૅન કૉબ કહે છે, "એવું લાગે છે કે આ માત્ર સંયોગ છે કે બંને મૂન લૅન્ડર એક જ સમયે ચંદ્ર પર ઊતરી શકે છે. પણ આ બહુ રસપ્રદ છે."
તેઓ કહે છે કે રશિયા 2021માં લૂના-25ને લૉન્ચ કરવા માગતું હતું, પણ કોઈ કારણસર મોડું થતું ગયું અને તેને આ વર્ષે પ્રક્ષેપિત કરાઈ શકાયું.
તેઓ કહે છે કે આ મામલે ભારત રશિયાથી એક ડગલું આગળ છે, કેમ કે તેનું સ્પેસક્રાફ્ટ પહેલેથી ચંદ્રની કક્ષામાં છે.
તેઓ કહે છે, "બની શકે કે આના કારણે રશિયા પર ચંદ્ર પર પહેલા પહોંચવાનું કેટલુંક દબાણ પણ હોય, કેમ કે તેણે તેના માટે સીધો રસ્તો પસંદ કર્યો છે."
લૂના-25ના મુકાબલે ચંદ્રયાન-3 બમણા વજનનું છે અને રશિયન સ્પેસક્રાફ્ટના મુકાબલે તેને ઓછા ક્ષમતાવાળા રૉકેટથી પ્રક્ષેપિત કરાયું છે. તેનો મતબલ એ છે કે ચંદ્રયાન-3 પૃથ્વીની ચારે બાજુ કક્ષામાં દીર્ઘ વૃત્તાકાર ચક્કર કાપશે અને પછી ખુદને ચંદ્રની તરફ ઉછાળશે.
બંનેના કાર્યક્રમોમાં સૌથી વધુ દબાણ ઑપરેટરો પર રહેશે, જેમણે ચંદ્ર પર લૅન્ડર ઉતારતા પહેલાં તેનું ચોક્કસ આકલન કરવાનું રહેશે, જેથી ટચડાઉનની પ્રક્રિયામાં કોઈ ગરબડ ન થાય.
છેલ્લી ઘડીએ થયેલી નાની એવી તકનીકી ભૂલથી આખા અભિયાન પર નિષ્ફળ થવાનું જોખમ છે અને બંનેનું અભિયાન ત્યાં સુધી સફળ નહીં માનવામાં આવે જ્યાં સુધી તે પોતાનું લૅન્ડર ચંદ્રની સપાટી પર યોગ્ય રીતે ન ઉતારે.
જોકે એ પણ સાચું છે કે બંને દેશ માટે આ રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલો મુદ્દો પણ છે. યુક્રેન સામે 'વિશેષ સૈન્ય અભિયાન' છેડ્યા બાદ રશિયા અનેક સ્તરે પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે. આથી તે એ સાબિત કરવા માગે છે કે સ્પેસના ક્ષેત્રમાં તેની ક્ષમતા કોઈ કારણે પ્રભાવિત થઈ નથી.
વ્હિટમૅન કૉબ કહે છે, "આ પ્રતિબંધોની રશિયાના સ્પેસ કાર્યક્રમ પર ખરાબ અસર પડી છે."
યુકેની ક્વિન માર્ગારેટ યુનિવર્સિટીમાં સ્પેસ ઇન્ડસ્ટ્રીનો અભ્યાસ કરતાં સ્ટીફાનિયા પાલાદિની કહે છે કે જ્યારે રશિયાનું અસ્તિત્વ નહોતું ત્યારે 50 વરસ પહેલાં સોવિયત સંઘ ચંદ્ર પર લૅન્ડર અને રોવર ઉતારવામાં સક્ષમ રહ્યું હતું, આ આખી રેસ હકીકતમાં ચંદ્ર સુધી પહોંચવાની નથી.
જોવામાં આવે તો રશિયા આ રેસ અગાઉ જીતી ચૂક્યું છે, પરંતુ પછી 1976માં લૂના-24 બાદ રશિયાએ આ મિશન પર વધુ ધ્યાન ન આપ્યું. લૂના-25 એ વરસો બાદ રશિયાના ચંદ્ર મિશનને ફરીથી પાટે ચડાવવાની કોશિશ છે.
માનવામાં આવે છે કે રશિયાનું લૂના-1 ચંદ્ર પર પહોંચનારું પહેલું રોવર હતું. જાણકારો કહે છે કે તેની ડિઝાઇન કંઈક એવી હતી કે એ ચંદ્ર સુધી પહોંચીને ત્યાં ઊતરે, પણ જ્યારે 1959માં એ ચંદ્ર પાસે પહોંચ્યું ત્યારે તેની સપાટીથી 3725 માઈલ (5995 કિલોમીટર) દૂરથી પસાર થઈ ગયું.
સ્ટીફાનિયા પાલાદિની કહે છે, "એવામાં જો ભારતનું ચંદ્રયાન-3 યોજના અનુસાર ચંદ્ર પર ઊતરશે તો ભારત માટે આ સૉફ્ટ લૅન્ડિંગ પહેલી મોટી સિદ્ધિ હશે."
તેઓ કહે છે કે 2019માં ચંદ્રયાન-2થી પણ ભારતે એ જ પ્રયાસ કર્યો હતો કે તે ચંદ્રની સપાટી પર લૅન્ડરનું સૉફ્ટ લૅન્ડિંગ કરાવી શકે. પણ આ લૅન્ડર ચંદ્રની સપાટી સાથે ટકરાયું અને મિશન નિષ્ફળ થઈ ગયું.
જોકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાની કોશિશ ભારતે અગાઉ પણ કરી છે. ભારતે ઑક્ટોબર 2008માં ચંદ્રયાન-1 ચંદ્રની કક્ષામાં સ્થાપિત કર્યું હતું, તેણે મૂન ઇમ્પૅક્ટ પ્રોબ મોકલ્યું હતું, જે શૅકલટન ક્રેટર પાસે જઈને ક્રૅશ થઈ ગયું હતું. જોકે આ પ્રોબને ક્યારેય સૉફ્ટ લૅન્ડિંગ માટે તૈયાર કરાયું નહોતું.
તો આ વખતે શું અલગ છે?
પરંતુ આ વખતે રશિયા અને ભારતનું મિશન પહેલેથી અલગ છે, કેમ કે બંનેના પ્રયાસો છે કે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લૅન્ડિંગની યોગ્ય જગ્યા શોધી શકે.
અત્યાર સુધીમાં ચંદ્ર માટે જે પણ મિશન મોકલ્યાં છે એ ચંદ્રના ઉત્તરમાં કે પછી મધ્યમાં લૅન્ડ કરવા માટે મોકલ્યાં છે. અહીં લૅન્ડિંગ માટે જગ્યા સમતલ છે અને સૂર્યપ્રકાશ પણ આવે છે. પરંતુ દક્ષિણ ધ્રુવ ચંદ્રનો એ વિસ્તાર છે જ્યાં પ્રકાશ નથી પહોંચતો. સાથે જ આ જગ્યા પર ચંદ્રની સપાટી પથરાળ, ઊબડખાબડ અને ખાડાવાળી છે.
યુનિવર્સિટી ઑફ કોલોરાડો બોલ્ડરમાં ઍસ્ટ્રોફિઝિક્સ અને પ્લેનેટરી સાયન્સના પ્રોફેસર જૅક બર્ન્સ કહે છે, "અહીં પહોંચનારાં સૂર્યનાં કિરણ ત્રાંસાં હોય છે. ચંદ્રનો મોટા ભાગનો વિસ્તાર અપેક્ષાકૃત સમતલ છે, પરંતુ દક્ષિણ ભાગમાં સૂરજના પ્રકાશને લીધે ખાડાના પછડાયા બહુ લાંબા હોય છે. એના કારણે અહીં ખાડા અને ઊબડખાબડ જમીનની ઓળખ કરવું બહુ મુશ્કેલ છે."
આર્ટેમિસ-3ની સાથે વર્ષ 2025માં અમેરિકા ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ માણસને મોકલવા માગે છે. એવામાં ભારત અને રશિયાના લૅન્ડરથી જે માહિતી મળશે એ બહુ મહત્ત્વની હશે.
જોકે વ્હિટમૅન કૉબ કહે છે કે માણસને મોકલવું એ માનવરહિત સ્પેસક્રાફ્ટથી વધુ પડકારજનક હોય છે. તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ બંને કોઈ રીતે એક જેવી યોજના હોય."
ક્યાં પહોંચ્યું છે ચંદ્રયાન 3?
- ચંદ્રયાન- 3 મિશને પોતાનાં મહત્ત્વના પડાવને પાર કરી લીધો છે. મિશન અંતર્ગત ચંન્દ્રયાન-3એ બુધવારે પૃથ્વીના એક માત્ર કુદરતી ઉપગ્રહની પાંચમી અને અંતિમ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરી દીધો છે. એટલે કે ચંન્દ્રયાન-3 હવે ચાંદની નજીક પહોંચી ગયું છે.
- ચંદ્રયાન-3ને હવે ચંદ્રની 153x 163 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ચંદ્રયાન-3ની ચંદ્રની સીમામાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે ચંદ્રયાન-3 માટે નાજૂક પડાવ બાકી છે. જેમાં ચંદ્રયાનના પ્રોપલ્શન મૉડ્યુલમાંથી લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન)ને અલગ કરવામાં આવશે. ઇસરો તરફથી આ બંનેને આજે અલગ કરવામાં આવશે.
- ઇસરોનું જણાવવું છે કે પ્રોપલ્શનથી અલગ થયા બાદ લેન્ડર(વિક્રમ)ની પોતાની પ્રારંભિક તપાસ થશે. ઇસરોનું કહેવું છે કે લેન્ડર(વિક્રમ)માં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે. લેન્ડર(વિક્રમ) ચંદ્રમાની સપાટી પર સરળતાથી ઉતરી શકે તે માટે આ થ્રસ્ટર્સ મદદ કરશે.
અસલી રેસ સમયની...
યુનિવર્સિટી ઑફ ઍરિઝોનામાં પ્લેનેટરી સાયન્સના પ્રોફેસર વિષ્ણુ રેડ્ડી કહે છે કે આવનારા સમયમાં એ મહત્ત્વનું રહેશે કે કોણ પહેલા ગયું અને કોણ પછી.
તેઓ કહે છે, "આવનારા સમયમાં આપણે એ જોશું કે કોણ ત્યાં વધારે સમય રહી શક્યું છે. આજના સમયે ખાનગી કંપનીઓ અને સરકારો વચ્ચે હોડની જે ચર્ચા થઈ રહી છે એ અસંગત છે. હરીફાઈ તમને માત્ર એક જગ્યાએ પહોંચાડી શકે છે, પરંતુ એ લાબાં ગાળે તમારી મોજૂદગી સુનિશ્ચિત ન કરી શકે."
તેઓ કહે છે કે ભારત અને રશિયા બંનેનાં લૅન્ડર લગભગ એક જેવાં છે. તેમને આશા છે કે આ બંનેથી વૈજ્ઞાનિકોને ચંદ્ર પર પાણીનું હોવું, ખનીજ, ત્યાંનું વાતાવરણ અને અન્ય ચીજો અંગે વધુ જાણકારી મળી શકશે.
તેઓ કહે છે કે જો દક્ષિણ ધ્રુવથી ચંદ્રની એક સ્પષ્ટ તસવીર મળી શકે તો આ પણ એક મોટી સિદ્ધિ હશે, કેમ કે મૂળ સંઘર્ષ લૅન્ડરને સફળતાપૂર્વક એ હિસ્સામાં ઉતારવાનો છે.
(મૂળ લેખ અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો, જે બીબીસી ફ્યુચર પર ઉપલબ્ધ છે.)