You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાઘવજી પટેલને જે બ્રેઇન સ્ટ્રોક આવ્યો એ શું છે, તે આવે ત્યારે શું કરવું જોઈએ?
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તીને 10 ફેબ્રુઆરીએ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મગજના એમઆરઆઈ સહિતની જરૂરી લેબોરેટરી અને રેડિયોલૉજી તપાસ પછી, તેમને મગજના ઇસ્કેમિક અકસ્માત (સ્ટ્રોક) હોવાનું નિદાન થયું હતું. હાલમાં, તેઓ સારવાર હેઠળ છે અને સંપૂર્ણ સભાન છે.
શનિવારની રાત્રે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બોલવામાં તકલીફ થવા લાગી અને કમરનો દુ:ખાવો થયો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સીટી સ્કેનથી જાણવા મળ્યું કે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. સમાચાર છે કે તેમની હાલત હાલમાં સ્થિર છે.
શું છે આ બ્રેઇન સ્ટ્રોક, તે કેવી રીતે થાય છે, તેનાં લક્ષણો શું છું અને તેની સારવાર કેવી રીતે થાય છે?
ભારતના આરોગ્ય મંત્રાલય અનુસાર વિશ્વભરમાં સ્ટ્રોક મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે અને 2013 માં અંદાજિત 65 લાખ મૃત્યુ તેના કારણે થયા હતા.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ "ભારતઃ હેલ્થ ઑફ ધ નેશન્સ સ્ટેટ્સ" નામનો અહેવાલ બહાર પાડ્યો હતો, જે મુજબ 2016માં ભારતમાં મૃત્યુનું ચોથું મુખ્ય કારણ સ્ટ્રોક હતું.
બ્રેઈન સ્ટ્રોક શું છે?
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન મુજબ, જયારે કોઈક કરણોસર મગજમાં લોહી પહોંચવાનું અટકી જાય છે અથવા મગજમાં અચાનક રક્તસ્રાવ થાય છે, ત્યારે તેને બ્રેઇન સ્ટ્રોક કહેવાય છે.
બ્રેઇન સ્ટ્રોકના કિસ્સામાં ડૉક્ટરો કહે છે કે જો સમય રહેતા હૉસ્પિટલ પહોંચીને અથવા ડૉક્ટરનો સંપર્ક કરીને સારવાર થઈ જાય તો વધુ નુકસાન થતું અટકાવી શકાય છે. જોકે બ્રેઇન સ્ટ્રોક આવે તેવી સ્થિતિમાં મગજને નુકસાન પહોંચી શકે છે અથવા મગજ ડેડ થઈ શકે છે. સ્ટ્રોકથી મગજને કાયમી નુકસાન પહોંચી શકે છે, લાંબા ગાળાની વિકલાંગતા આવી શકે, પેરાલિસીસ અથવા વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સ્ટ્રોકના મુખ્યત્વે બે પ્રકાર હોય છે:
ઇસ્કેમિક સ્ટ્રોક:
મગજમાં લોહીનો પ્રવાહ અવરોધિત થવાના કારણે જે સ્ટ્રોક થાય છે તેને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે. જયારે લોહી મગજ સુધી ના પહોંચે ત્યારે મગજ લોહીમાંથી ઑક્સિજન અને પોષક તત્ત્વો મેળવી શકતું નથી.
ઑક્સિજન અને પોષક તત્ત્વો વિના, મગજના કોષો મિનિટોમાં મરવા લાગે છે. પ્લેક તરીકે ઓળખાતી ફૅટી ડિપોઝિટ (ચરબીના થર) પણ રક્ત વાહિનીઓમાં નિર્માણ કરીને અવરોધ પેદા કરી શકે છે.
હેમરેજિક સ્ટ્રોક:
હેમરેજિક સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે મગજની ધમનીમાંથી લોહી નીકળે છે અથવા તે ફાટી જાય છે (તૂટે છે). લીક થયેલું લોહી મગજના કોષો પર ખૂબ દબાણ લાવે છે, જે તેમને નુકસાન પહોંચાડે છે.
હેમરેજિક સ્ટ્રોકની પરિસ્થિતિ ત્યારે આવે છે જયારે, હાઈ બ્લડ પ્રેશર અને એન્યુરિઝમ્સ, એટલે કે ધમનીમાં ફુગ્ગા જેવી ફૂગ કે જે ખેંચાઈ શકે છે અને ફાટી શકે છે - શરીરમાં થાય છે.
નિષ્ણાતો અનુસાર 90 ટકા સ્ટ્રોક અવરોધિત રક્તવાહિનીઓ (ઇસ્કેમિક)ના કારણે થાય છે અને બાકીના 10 ટકા કિસ્સામાં આંતરિક રક્તસ્રાવનાં (હેમરેજિક) કારણોસર હોય છે.
ગુજરાતના ન્યુરોલૉજીસ્ટ ડૉક્ટર સુધીર શાહ અને ડૉક્ટર હેલી શાહના તેમના પુસ્તક 'લકવો (પક્ષઘાત) પેરાલીસીસ બ્રેઇન હેમરેજ'માં લખે છે કે, "80થી 85 ટકા કિસ્સામાં લકવો મગજમાં લોહી પહોંચાડતી નળીમાં અવરોધ આવવાને કારણે થાય છે અને 15 ટકામાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થવાથી થાય છે. આમાંના 25 ટકા કિસ્સામાં મગજની અંદર સૂક્ષ્મનળીઓમાં તકલીફ હોય છે. જેને સ્મોલ વેસલ ડીસીજ કહેવાય છે."
મગજમાં શું થાય જ્યારે સ્ટ્રોક આવે?
યુએસની નેશનલ હાર્ટ, લંગ, અને બ્લડ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે, મગજ શરીરની હિલચાલને નિયંત્રિત કરે છે, આપણી યાદોને સંગ્રહિત કરે છે અને આપણા વિચારો, લાગણીઓ અને ભાષાનો સ્ત્રોત છે. મગજ શરીરનાં ઘણાં કાર્યોને પણ નિયંત્રિત કરે છે, જેમ કે શ્વાસ અને પાચન ક્રિયા.
યોગ્ય રીતે કામ કરવા માટે, મગજને ઑક્સિજનની જરૂર છે. તમારી ધમનીઓ તમારા મગજના તમામ ભાગોમાં ઑક્સિજનયુક્ત રક્ત પહોંચાડે છે.
જો લોહીના પ્રવાહને કોઈ પણ કારણોસર રોક લાગે છે, તો મગજના કોષો થોડી મિનિટોમાં મૃત્યુ પામવા લાગે છે, કારણ કે તેઓ ઑક્સિજન મેળવી શકતા નથી. આ સ્ટ્રોકનું મુખ્ય કારણ છે.
સ્ટ્રોક વિશે જાણવા જેવી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો
લક્ષણો:
સ્ટ્રોકનાં ચિહ્નો અને લક્ષણો ઘણીવાર ઝડપથી ઉદ્ભવે છે. તે અમુક કલાકો અથવા દિવસોમાં ઉદ્ભવી શકતા હોય છે.
અલગઅલગ પરિસ્થિતિઓમાં વિભિન્ન પ્રકારનાં લક્ષણો જોવા મળતાં હોય છે જે સ્ટ્રોકના પ્રકાર અને અસરગ્રસ્ત મગજના વિસ્તાર પર આધાર રાખે છે.
સ્ટ્રોકનાં ચિહ્નોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:
- અચાનક વ્યક્તિને મૂંઝવણ થવી, બોલવામાં મુશ્કેલી અથવા શબ્દ સમજવામાં મુશ્કેલી થવી.
- અચાનક શરીર નિષ્ક્રિય બની જવું અથવા નબળાઈ આવવી, ખાસ કરીને શરીરની એક બાજુમાં.
- કારણ વગર અચાનક ગંભીર માથાનો દુ:ખાવો થવો.
- એક અથવા બંને આંખોમાં જોવામાં અચાનક તકલીફ થવી.
- ચાલવામાં અચાનક તકલીફ થવી, ચક્કર આવવા, સંતુલન અથવા સંકલન ગુમાવવું.
સ્ટ્રોકના પ્રારંભિક સંકેતો કેવી રીતે ઓળખવા?
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા પ્રમાણે, જો સ્ટ્રોકના પ્રારંભિક ચેતવણીનાં ચિહ્નોને ઓળખી લેવામાં આવે તો તેનાથી થતા વિકલાંગતા અથવા મૃત્યુને રોકી શકાય છે.
સ્ટ્રોક છે કે નહીં તે ધ્યાન રાખવા માટેનાં ત્રણ મુખ્ય ચિહ્નો છે -
શું ચહેરો એક તરફ ઝૂકી/લબડી રહ્યો છે? શું એક હાથમાં નબળાઈ આવી છે? દર્દી જે બોલે છે શું તે અસ્પષ્ટ છે? જો ઉપરોક્તમાંથી એક અથવા બધાનો જવાબ હા હોય, તો વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે અને તેને તાત્કાલિક તબીબી સંભાળની જરૂર છે.
જો કોઈ વ્યક્તિને સ્ટ્રોકના સંકેત દેખાય તો શું કરવું?
નિષ્ણાતોના મતે, વ્યક્તિએ ફક્ત એટલું જ કરવાનું છે કે શક્ય તેટલી વહેલી તકે એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ. દર્દીને જાતે હૉસ્પિટલ લઈ જશો નહીં અને ઍમ્બ્યુલન્સને બોલાવો જેથી સારવાર તુરંત શરૂ થાય.
ડૉક્ટર હેલી શાહ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "જો મગજમાં લોહી પહોંચાડથી નળીમાં અવરોધની યોગ્ય સારવાર સમયસર ન કરવામાં આવે તો દર સેકન્ડે મગજના 32 હજાર કોષો નાશ પામે છે."
"લકવો થયાના પ્રથમ ત્રણ કલાકમાં ટી.પી.એ. નામનું ઇન્જેકશન આપવામાં આવે તો લકવો મહદઅંશે ટાળી શકાય છે. તથા તેની માત્રા ઘટાડી શકાય છે."
"આ ઉપરાંત લોહી પાતળું કરવાની દવાઓ, મગજના કોષોની રક્ષા કરતી દવાઓ, જરૂર પડે શસ્ત્રક્રિયા તથા યોગ્ય કસરતથી પક્ષાઘાતની તીવ્રતાને ઘટી શકે છે."
આ ઇન્જેક્શન મગજના પ્રભાવિત વિસ્તારમાં ફરીથી લોહીનું ભ્રમણ શરૂ કરવામાં મદદ કરે છે.
કયા ટેસ્ટ કરવામાં આવે છે?
જો દર્દીને સ્ટ્રોક આવ્યો હશે તો ડૉક્ટર તુરંત જ સિટી સ્કેન અથવા એમઆરઆઈ કરવાનું કહેશે.
સ્ટ્રોક આવવાનાં મુખ્ય કારણો શું છે?
આરોગ્ય મંત્રાલયની એક સ્ટ્રોકના નિવારણ અને વ્યવસ્થાપન માટેની માર્ગદર્શિકામાં જણાવે છે કે દર્દીએ આવી કોઈ પણ સ્થિતિ અંગે સજગ થઈને ડૉક્ટરની સલાહ મુજબ પગલાં લેવા જોઈએ:
- હાયપરટેન્શન
- ડાયાબિટીસ
- સ્થૂળતા
- શારીરિક નિષ્ક્રિયતા
- તમાકુનો ઉપયોગ
- હૃદય રોગ
- અતિશય દારૂનું સેવન
- અસ્વસ્થ આહાર અને પોષણ
- લોહીમાં ચરબીનું અસંતુલિત પ્રમાણ
સ્ટ્રોકને કેવી રીતે અટકાવવો?
તબીબી પરિસ્થિતિઓને નિયંત્રણમાં રાખીને અને તંદુરસ્ત જીવનશૈલીમાં ફેરફાર કરીને મોટા ભાગના સ્ટ્રોકને અટકાવી શકાય છે. બ્રેઇન સ્ટ્રોકના દર્દીને ડૉક્ટરની સલાહ મુજબ જ આગળની સારવાર તથા લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવા જોઈએ. મોટા ભાગે આરોગ્ય નિષ્ણાતો દર્દીઓને નીચે મુજબ સલાહ આપતા હોય છે.
એસ્પિરિન: એસ્પિરિન લોહીની ગાંઠોને બનતા અટકાવીને સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ એસ્પિરિન તમારા માટે યોગ્ય છે કે નહી તેની ખાતરી કરવા માટે તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
બ્લડ પ્રેશર: તંદુરસ્ત જીવનશૈલીમાં ફેરફાર કરીને તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.
કૉલેસ્ટ્રોલ: તમારા કૉલેસ્ટ્રોલને નિયંત્રિત કરો અને ડૉક્ટરોના નિર્દેશન મુજબ તમારી દવા લેવાથી સ્ટ્રોકની શક્યતા ઘટશે.
ધૂમ્રપાન: ધૂમ્રપાન અને એવા બીજા તમાકુનું સેવન છોડવાનું આરોગ્ય માટે સારૂં છે.
જીવનશૈલીમાં ફેરફાર કરો:
સ્વસ્થ ખોરાક ખાઓ: તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે અથવા કન્ટ્રોલમાં રાખવા માટે તંદુરસ્ત આહાર પસંદ કરો.
કૉલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ફાઇબર અને આખા અનાજથી ભરપૂર ખોરાક લો.
નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો: નિયમિત શારીરિક પ્રવૃત્તિ તમને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરે છે અને તમારા હૃદય અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખે છે.
આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, લોકો ફક્ત જીવનશૈલીમાં ફેરફાર કરીને આ રોગને મોટા ભાગે રોકી શકે છે.