મહેસાણા : ખેરાલુમાં રામશોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત

મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં અયોધ્યામાં રામમંદિરમાં થનારી પ્રાણપ્રતિષ્ઠાના સંદર્ભે નીકળેલી રામરથયાત્રા દરમિયાન યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયો હતો. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર પથ્થરમારા બાદ આ યાત્રા રોકી દેવાઈ હતી અને લગભગ બે-અઢી કલાક બાદ પોલીસ બંદોબસ્ત અને સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિ સાથે યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી.

આ ઘટનામાં હિંદુ સમુદાય તરફથી કોઈ ઉશ્કેરણી ન થયાનો દાવો થઈ રહ્યો છે જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનના કહેવા પ્રમાણે યાત્રાના પાછળના ભાગે ટ્રેક્ટરમાં બેઠેલાં તત્ત્વોએ બિનજરૂરી ઉશ્કેરણી કરી હોવાનું કહેવાય છે.

જોકે, મહેસાણા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઈજીપી) વીરેન્દ્ર યાદવે સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું, “શોભાયાત્રા દરમિયાન પોલીસે પૂરતો બંદોબસ્ત કર્યો હતો. સ્થિતિને બગડી ત્યારે ત્રણ ટીયર ગૅસના શેલ પણ છોડવામાં આવ્યા છે. હાલમાં તપાસ ચાલુ છે અને પથ્થરમારાની ઘટનામાં જોવા મળેલા લગભગ 15 લોકોને રાઉન્ડ-અપ પણ કરવામાં આવ્યા છે.”

શું હતો મામલો?

ખેરાલુમાં કોમી તણાવની ઘટનાઓ ખાસ જોવા નથી મળતી. લગભગ 15-17 હજારની વસતી ધરાવતા આ ગામમાં 2500-3000 જેટલા મુસ્લિમો પણ રહે છે. બન્ને સમુદાયો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો છે અને વેપાર-ધંધામાં હિંદુ-મુસ્લિમોની ભાગીદારી પણ હોય છે.

રવિવાર 21 જાન્યુઆરીના દિવસે બનેલી ઘટના વિશે વાત કરતા ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આ યાત્રાની આયોજક રામસેવા સમિતિના અધ્યક્ષ હેમંત શુકલે કહ્યું, "આજે દેશભરમાં રામરથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, તેમ ખેરાલુમાં પણ આવી શોભાયાત્રાનું આયોજન થયું હતું. અહીં દર વર્ષે રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન થાય જ છે ."

"ક્યારેય કોઈ કોમી તણાવ કે ઘટના બની નથી. પરંતુ આજે જ્યારે શોભાયાત્રા નીકળી ત્યારે ગામના હાટડિયા વિસ્તારમાં આવેલા બેલિમવાસમાંથી પથ્થરમારો શરૂ થયો. જેના કારણે અમારે યાત્રા ત્યાં જ રોકી દેવી પડી. યાત્રામાં રહેલા એક ટ્રેક્ટરને પણ પંક્ચર કરી દેવામાં આવ્યું."

તેમણે કહ્યું, “લગભગ બે કલાક બાદ પૂરતા પોલીસ બંદોબસ્ત અને ધારાસભ્યની હાજરીમાં આ યાત્રા પૂર્ણ કરવામાં આવી છે."

આ પથ્થરમારા પાછળના કારણનું અનુમાન લગાવતાં તેમણે કહ્યું, “આ વિસ્તારમાં બેલિસ મસ્જિદ આવેલી છે. સામાન્ય રીતે અહીંથી પસાર થતી શોભાયાત્રાઓમાં એ સમયે માઇક અને સંગીત બંધ કરાવી દેવામાં આવે છે. આ વખતે પણ આવું જ કોઈ કારણ હોઈ શકે."

મુસ્લિમ આગેવાન શું કહે છે?

બેલિમવાસમાં રહેતા આલમખાન બેલિમ કહે છે, “ખેરાલુમાં હિન્દુ મુસ્લિમો સાથે મળીને કામ કરે છે. મને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં બોલાવવામાં આવે છે. હું દર વખતે આવી મિટિંગોમાં હાજર રહું છું, પરંતુ ગુરુવારે હું એક સામાજિક પ્રસંગે નજીકના ચાચરિયા ગામ ગયો હતો અને આજે જ્યારે આ ઘટના બની ત્યારે પણ હું ગામમાં હાજર નહોતો. હું હાજર હોત તો આવી ઘટના ન બનવા દેત.”

તેમણે કહ્યું, “હું પથ્થરમારા સમયે હાજર નહોતો, પરંતુ મારી જાણમાં આવ્યું છે કે આ શોભાયાત્રાની અંતે છેલ્લા ભાગમાં રહેલા એક ટ્રેક્ટરમાંથી કેટલાંક નશો કરેલા છોકરાઓએ મસ્જિદના પાછળના ભાગ અને મહોલ્લાના દરવાજા પાસે તરફ પાણીની બૉટલો ઉછાળી હતી, જેને કારણે સ્થિતિ બગડી.”

તેમણે વધુમાં જણાવ્યું, “સામાન્ય રીતે ખેરાલુમાં કોમી સદભાવ હોય છે. ક્યારેય આવી ઘટનાઓ બનતી નથી. પણ બન્ને પક્ષે શાંતિને ડહોળવાના પ્રયાસ કરતાં તત્ત્વો હોય છે જ અને અમે તો પોલીસને પણ કહીએ છે ઉપદ્રવી તત્ત્વો અમારી કોમના હોય કે બીજી કોઈ કોમના બધાની સામે કાર્યવાહી થવી જ જોઈએ.”

પોલીસ બંદોબસ્ત પર ઊઠતા સવાલો

શોભાયાત્રા દરમિયાન બનેલી આ ઘટનામાં પોલીસે કરેલા બંદોબસ્ત વિશે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

ખેરાલુના સ્થાનિક પત્રકાર મનોજ બ્રહ્મભટ્ટ કહે છે, “દર વખતે રામનવમીના દિવસે યોજાતી શોભાયાત્રામાં પોલીસ સંવેદનશીલ પૉઇન્ટ પર પૂરતો બંદોબસ્ત રાખે છે. આવી શોભાયાત્રા છેલ્લા પાંચ વર્ષથી નિયમિત યોજાય છે. ક્યારેય આવી ઘટના બની નથી. અહીં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે શાંતિ હોય છે, કારણ કે બન્ને કોમના લોકો વેપાર-ધંધામાં પણ ભાગીદારીથી કામકાજ કરે છે.”

તેમણે વધુમાં કહ્યું, “આજની શોભાયાત્રામાં પણ કોઈએ ઉશ્કેરણીજનક વર્તન કે સૂત્રોચ્ચાર નહોતાં કર્યાં. પરંતુ પોલીસે આજની યાત્રામાં અગાઉની યાત્રામાં જેમ સંવેદનશીલ પૉઇન્ટ્સ પર જે પ્રકારે બંદોબસ્ત કરે છે, તે પ્રકારે બંદોબસ્ત નહોતો ગોઠવ્યો. પોલીસને સંવેદનશીલ સ્થળો વિશે પૂરતી માહિતી હોવા છતાં યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા નહોતી કરવામાં આવી, જેને કારણે આ છમકલું થયું છે.”

કોની સામે નોંધાઈ ફરિયાદ?

21 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં પોલીસે નામજોગ 32 લોકો સામે ફરિયાદ નોંધી છે. પીએસઆઈ જે.કે.ગઢવી પોતે જ ફરિયાદી બન્યા છે.

ફરિયાદમાં આ લોકો સામે પૂર્વાયોજિત કાવતરું રચી શોભાયાત્રામાં પથ્થરમારો કરવો, પથ્થરમારા બાદ તલવાર જેવાં હથિયારથી ઈજા પહોંચાડવી, પોલીસ અને શોભાયાત્રાના માણસો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવી, શોભાયાત્રાના માણસો પાછળ હથિયારો લઈ દોડી ભય ઊભો કરવો જેવા આરોપો મૂકવામાં આવ્યા છે.

ફરિયાદી પીએસઆઈ જે.કે. ગઢવીને પથ્થર વાગ્યો હતો તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સિવાય પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી મહેસાણા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

તમામ આરોપીએ ખેરાલુના બહેલીમવાસના રહેવાસી છે.