You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પર આ દિવસે પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ, કયા વિસ્તારોમાં કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી ભારેથી અતિભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ ગુજરાત તરફ આગળ વધવાની શરૂઆત કરશે અને તેની અસર રાજ્યમાં એકાદ-બે દિવસમાં જોવા મળશે.
રાજ્યમાં ચોમાસાના ત્રણ મહિનામાં સરેરાશના કુલ 91.15 ટકા વરસાદ પડી ગયો છે અને આગામી હજી 15 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં કઈ તારીખથી ફરી શરૂ થશે ભારેથી અતિભારે વરસાદ?
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના છે. એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી લઈને 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ જોવા મળશે.
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર 5 સપ્ટેમ્બરની આસપાસ પહોંચે એવી શક્યતા છે. જેના લીધે 5થી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે. જે વિસ્તારોમાં હજી પણ પિયતનના પાણીની જરૂર છે તેવા વિસ્તારોમાં પણ આ વખતે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ?
બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય પ્રદેશ પર પહોંચતાની સાથે જ રાજ્ય પર તેની અસર શરૂ થઈ જશે એટલે કે સૌપ્રથમ ભારે વરસાદની શરૂઆત દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં થશે.
જે બાદ સિસ્ટમ રાજ્યની વધારે નજીક આવતાની સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે.
આ સિસ્ટમ ગુજરાત પર આવતાની સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને એકાદ-બે વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
4થી 5 સપ્ટેમ્બરના દિવસોમાં ગુજરાત રીજન એટલે કે દક્ષિણ, મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે 5થી 7 સપ્ટેમ્બરના દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદનું જોર વધતાની સાથે ગાજવીજ અને પવનની ગતિ પણ વધવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે લૉ-પ્રેશર એરિયા ગુજરાત પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં જશે.
સિસ્ટમ ફરીથી દરિયામાં પહોંચી ગયા બાદ એટલે કે 10 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ ઘટી જવાની શક્યતા છે.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે થશે?
સપ્ટેમ્બર મહિનાથી ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે એટલે કે ચોમાસું પૂરું થવાની શરૂઆત થાય છે. ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થાય છે.
દેશમાં સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય 20 સપ્ટેમ્બરની આસપાસની તારીખ હોય છે.
સપ્ટેમ્બરમાં ચોમાસું પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઑક્ટોબર સુધીમાં દેશના તમામ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાંથી આ વખતે ચોમાસાની વિદાય કદાચ તેની નિર્ધારિત તારીખ પ્રમાણે ના થાય તેવી પણ શક્યતા છે એટલે કે ચોમાસું ગુજરાતમાંથી થોડું મોડું પરત ફરે તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ બની છે એ બાદ પણ હજી એકાદ સિસ્ટમ બને તેવી શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતમાં હજી પણ 20 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન