You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક ગધેડાનું મોત અને 55 લોકો પર કેસ, શું છે સમગ્ર મામલો?
- લેેખક, સીટુ તિવારી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
બિહારના બક્સર જિલ્લામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગધેડાના મોત પછી 55 લોકો પર એફઆઈઆર દાખલ થઈ છે.
ગધેડાનું મૃત્યુ ગયા અઠવાડિયે વીજળીના થાંભલામાંથી કરંટ લાગવાને કારણે થયું હતું. ત્યાર બાદ પંચાયત પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ કથિતપણે સ્થાનિક કેસઠ પવાર ગ્રિડ પર હંગામો કર્યો.
કેસઠ પાવર ગ્રિડના જુનિયર ઍન્જિનિયર અવનીશ કુમારે દાવો કર્યો, "આ હંગામાને કારણે બે કલાક 26 મિનિટ માટે વીજળી સેવા બંધ રહી અને વિભાગને એક લાખ 46 હજાર 429 રૂપિયાનું નુકસાન થયું."
તેમણે ઉમેર્યું, "મેં સ્થાનિક બાસુદેવા પોલીસ સ્ટેશનમાં સરકારી કામકાજમાં અવરોધ, આવકમાં નુકસાન અને સરકારી કર્મચારી સાથે ગેરવર્તન કરવા બદલ એફઆઈઆર નોંધાવી છે."
શું છે મામલો?
આ ઘટના બક્સર જિલ્લાના કેસઠ બ્લૉકમાં આવેલા રામપુર ગામની છે. ગામના રહેવાસી દદન રાજક પાસે ચાર ગધેડા હતા. દદન ઈંટોના ભઠ્ઠામાં ઈંટો અને બીજો સામાન લઈ જવા માટે આ ગધેડાનો ઉપયોગ કરે છે.
દદને જણાવ્યું,"11 સપ્ટેમ્બરની સાંજે હું મારા ચાર ગધેડાઓ સાથે ઘરે પાછો આવી રહ્યો હતો. ગામની વચ્ચે જ એક થાંભલો છે. વરસાદને કારણે ત્યાં પાણી ભરાયાં હતાં."
તેમણે ઉમેર્યું, "હું જેવો થાંભલા પાસે પહોંચ્યો કે ગધેડાઓ થાંભલાને અડી ગયા. ગામના લોકોની મદદથી ત્રણ ગધેડાઓને ઘણી મહેનત કરીને બચાવ્યા પણ મારો એક ગધેડો મરી ગયો."
ગધેડાના મૃત્યુ પછી ગામના લોકોએ કેસઠ પાવર ગ્રિડ પર જઈને પ્રદર્શન કર્યું. ગામના લોકોએ કહ્યું કે તે પ્રદર્શન શાંતિપૂર્ણ હતું અને ત્યાં પહોંચેલા અધિકારીઓ સાથે તેમની સમજૂતી પણ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, વીજળી વિભાગે દાવો કર્યો કે, "પંચાયત પ્રતિનિધિઓની સાથે મળીને ગામના લોકોએ કેસઠ પાવર ગ્રિડમાં હંગામો કર્યો. આ ઉપરાંત બે સરકારી કર્મચારીઓ સુજીતકુમાર અને રવિકુમારને બંધક બનાવીને વીજળી કાપી નાખી."
ત્યાર બાદ વીજળી વિભાગે રામપુર પંચાયતનાં સરપંચના પતિ વિકાસચન્દ્ર પાંડેય, વિષુનદેવ પાસવાન, મંજુ કુમારી, આલમગીર, આફતાબ અંસારી અને બીજા 50 અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇલેક્ટ્રિસિટી ઍક્ટની કેટલીક કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.
"વર્ષમાં પાંચ પશુઓ મર્યાં"
સરપંચના પતિ વિકાસચન્દ્ર પાંડેય વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. તેમણે કહ્યું, "એ થાંભલાને કારણે એક વર્ષની અંદર પાંચ પશુનાં મોત થયાં છે. અમે લોકો વારંવાર વીજળી વિભાગને થાંભલાનું કનેક્શન રિપેર કરવા માટે કહ્યું હતું પણ વીજળી વિભાગ બેદરકારી કરે છે."
તેમણે કહ્યું, "તે દિવસે (11 સપ્ટેમ્બર) અમારામાંથી કોઈ પણ પૅનલ રૂમમાં ગયું નથી તો વીજળી કેવી રીતે ખોરવાઈ? ત્યાં હાજર કર્મચારીઓએ વીજસપ્લાઈ ખોરવી નાખી જેથી કરીને અંધારું થઈ જાય અને અમે લોકો પ્રદર્શન ન કરી શકીએ."
જોકે, ગામના લોકો અથવા પંચાયતના પ્રતિનિધિ બીબીસીને કોઈ લેખિત ફરિયાદ ન દેખાડી શક્યા જે તેમણે વીજળી વિભાગને આપી હોય.
પંચાયત સચિવ આલમગીર અંસારીનું નામ પણ એફઆઈઆરમાં છે. તેમણે કહ્યું, "ગામના મુખ્ય ટ્રાન્સફૉર્મરની સ્વિચ બે વર્ષથી ખરાબ છે. મેં બે મહિના પહેલાં જ જેઈ સાહેબને કહ્યું હતું કે અહીંયા પહેલાં જ ભુંઅર યાદવ અને હવલદાર પાસવાનની ભેંસ મરી હતી. જોકે, તેમણે રજિસ્ટરમાં લખાવી દીધું પણ કોઈ કાર્યવાહી ન કરી."
વીજળી વિભાગના જુનિયર ઍન્જિનિયર અવનીશ કુમારે કહ્યું, "ગામના લોકોએ પહેલાં આવી કોઈ ફરિયાદ કરી નથી. તેમણે ગધેડાના મોત પછી ફરિયાદ કરી અને ત્યાર બાદ અમે થાંભલાના તારને ઠીક કરવા માટે કર્મચારીને મોકલ્યા પણ આ લોકો હંગામો કરવા લાગ્યા અને તેના કારણે આઠ પંચાયતોના 50 ગામમાં અંધારું થઈ ગયું."
મામલાની તપાસ ચાલુ
બક્સર જિલ્લાના વહીવટીતંત્ર માટે પણ આ મામલો ખૂબ જ રસપ્રદ છે. જેમ કે ઍન્જિનિયર અવનીશ કુમારે પોતે જ કહ્યું કે અમે બિહારમાં આ પ્રકારનો કેસ આજ સુધી જોયો જ નથી.
આ મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બાસુદેવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચુનમુન કુમારીએ કહ્યું, "આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે."
દદન રજકે જણાવ્યું કે તેમણે 80 હજાર ઉધાર લઈને ગધેડાઓ ખરીદ્યા હતા. રામપુર પંચાયતમાં જ્યારે ભઠ્ઠામાં છ મહિના માટે ઈંટ બનાવવાનું કામ ચાલે છે ત્યારે દદનને તેમના ચાર ગધેડાઓ માટે રોજના 800 રૂપિયા મળતા હતા.
બે માનસિક વિકલાંગ બાળકોના પિતા દદને કહ્યું, "ગયા વર્ષે જ ગધેડા ખરીદ્યા હતા. વીજળીના થાંભલાને સ્પર્શવાથી બીજા ગધેડાઓને ઈજાઓ થઈ છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે. કોઈ કમાણી થઈ રહી નથી. સરકાર અમારા માટે શું કરશે?"
આ પ્રકારના કેસમાં રાજ્યનો વીજળી વિભાગ 20 હજારથી 40 હજાર રૂપિયાનું વળતર આપે છે. દદન પણ આ જ વળતરની રાહ જુએ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન