અરબી સમુદ્રમાં સર્જાશે નવી સિસ્ટમ, ગુજરાતમાં દિવાળી પર વરસાદની શક્યતા?

પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસું પૂરું થયા બાદ હાલ ગરમી પડી રહી છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં સતત હલચલ થઈ રહી છે. આ પહેલાં અરબી સમુદ્રમાં તેજ નામનું વાવાઝોડું સર્જાયું હતું.

આ તેજ વાવાઝોડું ભારતના દરિયાકિનારાથી દૂર જઈને યમનના દરિયાકિનારા પર ત્રાટક્યું હતું. જેની ગુજરાત કે ભારતનાં અન્ય રાજ્યોમાં ખાસ કોઈ અસર થઈ નહોતી.

હવામાન વિભાગે હવે આગાહી કરી છે કે ફરી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાશે અને તે થોડી મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે.

હાલ દેશમાં ઉત્તર પૂર્વનું ચોમાસું ચાલી રહ્યું છે અને તેના કારણે દક્ષિણનાં રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બાકીના વિસ્તારોમાં હાલ ગરમી પડી રહી છે.

સામાન્ય રીતે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ભારતની પાસે આવેલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વધારે સક્રિય રહેતાં હોય છે.

અરબી સમુદ્રની આ સિસ્ટમ વાવાઝોડું બની શકે?

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન બે કે ત્રણ દિવસની અંદર લૉ-પ્રેશર એરિયા બને તેવી સંભાવના દેખાઈ રહી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં આવનારું સાયક્લોનિક સર્ક્યુલેશન 8 નવેમ્બરના રોજ લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. જે બાદ તે વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાતી નથી.

જ્યારે સ્કાયમેટનું કહેવું છે કે લૉ-પ્રેશર એરિયા કદાચ મજબૂત બને તો તે વેલમાર્ક્ડ લૉ-પ્રેશર બની શકે પરંતુ તેથી વધારે મજબૂત બનીને તે વાવાઝોડું બને તેવી શક્યતા ખૂબ ઓછી છે.

હવામાન વિભાગ જે બે અઠવાડિયાની આગાહી કરે છે તેમાં પણ તેનું કહેવું હતું કે આવનારાં બે અઠવાડિયાં સુધી બંગાળની ખાડી કે અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડું સર્જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન તમિલનાડુ પર છે અને તે આગળ વધીને અરબી સમુદ્રમાં આવશે અને સમુદ્રમાં આવ્યા બાદ તે થોડું મજબૂત બને તેવી શક્યતા છે.

આ સિસ્ટમ ગુજરાતના હવામાનમાં કોઈ અસર કરશે?

ગુજરાતમાં હાલ ઉનાળા જેવી ગરમી પડી રહી છે અને ઉત્તર-પૂર્વના પવનો આવી રહ્યા છે. રાજ્યમાં હજી તાપમાન નીચું ગયું નથી અને આવનારા દિવસોમાં હજી ગરમી યથાવત રહે તેવી સંભાવના છે.

હાલ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનશે અને તે દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ આપે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર સુધી પણ તેની કાદાચ થોડી અસર થાય તેવી શક્યતા છે.

જોકે, આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. એટલે કે સામાન્ય રીતે સમજીએ તો સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી.

અરબી સમુદ્રમાં લૉ-પ્રેશર બન્યા બાદ તે ઓમાન અને યમન તરફ જાય તેવી સંભાવના છે એટલે કે તે ભારતના દરિયાકિનારાથી દૂર જવાની શક્યતા છે.

હવામાન વિભાગે પણ આવનારા પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરી નથી. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું હવામાન રહે તેવી સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ શકે છે પરંતુ હાલ વરસાદ પડે તેવી કોઈ સંભાવના દેખાતી નથી.

ભારતમાં દર વર્ષે કેટલાં વાવાઝોડાં આવે છે?

ભારતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી વાવાઝોડાં સર્જાય છે અને તેના કારણે લાખો લોકોને તેની સીધી અસર થાય છે.

ભારતના દરિયામાં સામાન્ય રીતે દર વર્ષે ચારથી પાંચ વાવાઝોડાં સર્જાય છે તેમાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાય છે અને અરબી સમુદ્રમાં તેના પ્રમાણમાં ઓછા વાવાઝોડાં સર્જાય છે.

આ વર્ષે ચોમાસા પહેલાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં, મોખા નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં અને બિપરજોય નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં. મોખા મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને બિપરજોય ગુજરાત પર ત્રાટક્યું હતું.

ગયા વર્ષે ચોમાસા બાદ બે વાવાઝોડાં સર્જાયાં હતાં અને બંને વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાયાં હતાં. ચોમાસા બાદ બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને અસર કરતાં હોય છે.