You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મને મૅરેજ રજિસ્ટ્રારની ઑફિસે સામાનની જેમ વ્હિલચૅરમાં ઊંચકીને લઈ જવાઈ'
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી
- પ્રકાશિત
“લગ્ન નોંધણી કાર્યાલયમાં જતાં પહેલાં અમે બંને, અમારા કુટુંબીજનો અને મિત્રો બહુ આનંદમાં હતા. ક્ષિતિજ અને હું તો બહુ જ ખુશ હતાં, કારણ કે અમે લગ્ન કરવાના હતાં. બધાં નાચતાં હતાં. ગીતો ગાતાં હતાં, પરંતુ અમે મૅરેજ રજિસ્ટ્રાર ઑફિસ પહોંચ્યા ત્યારે હું બહુ નિરાશ થઈ ગઈ હતી. કારણ એ હતું કે ત્યાં મારા માટે કોઈ સુવિધા ન હતી. મને લાગ્યું કે સામાનની માફક મને ઊંચકવી પડશે. હું કોઈ લગેજ કે બેગ છું? બહુ દુઃખ થતું હતું.”
32 વર્ષીય વિરાલી મોદીએ બીબીસી સાથે વાત કરતાં આ વાત કહી.
વિરાલી અને તેમના જીવનસાથી ક્ષિતિજ નાયક માટે 16 ઑક્ટોબર- 2023 ખાસ દિવસ હતો, કારણ કે દોઢ વર્ષના પરિચય પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. એ માટે તેમણે મુંબઈના ખાર ઉપનગરમાં આવેલી મૅરેજ રજિસ્ટ્રારની ઑફિસમાં અરજી કરી હતી.
લગ્નની તારીખ 16 ઑક્ટોબર નક્કી કરવામાં આવી હતી. વિરાલી અને ક્ષિતિજ બંનેના પરિવારજનો તેમની સાથે હતાં. બંનેના મિત્રો પણ પરિવાર સાથે આનંદના આ પ્રસંગમાં સહભાગી થવા આવ્યા હતા.
બંને પગથી અપંગ હોવાથી વિરાલી વ્હિલચૅર પર બેસીને મૅરેજ રજિસ્ટ્રાર ઑફિસે પહોંચ્યાં હતાં, પરંતુ ત્યાં તેમના આનંદમાં વિક્ષેપ પડ્યો હતો.
જોકે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કચેરીના મૅરેજ રજિસ્ટ્રારની સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
‘લગ્નના દિવસે પડી ગઈ હોત તો કોણ જવાબદાર?’
ખાર (પશ્ચિમ)માં આવેલી મૅરેજ રજિસ્ટ્રારની ઑફિસ પહોંચતાં પહેલાં વિરાલી અને તેમની સાથેના બધા લોકો ખુશ હતાં, પરંતુ ત્યાં પહોંચ્યાં પછી નિરાશ થઈ ગયાં હતાં.
લગ્ન કરવા ઇમારતના બીજા માળે જવાનું હતું, પરંતુ ઑફિસના સરકારી બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ન હતી. તેમની મૂંઝવણ એ હતી કે વ્હિલચૅર પર બેસીને બીજા માળે કેવી રીતે પહોંચવું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાલીના પરિવારજનોએ સંબંધિત અધિકારીઓને દસ્તાવેજો પર સહી કરાવવા નીચે આવવાની વિનંતી કરી હતી, પરંતુ અધિકારીઓએ એવું કરવાનો ઇનકાર કર્યો હોવાનું વિરાલીએ જણાવ્યુ હતું.
વિરાલી કહે છે, “અમે ખાર ખાતેની રજિસ્ટ્રારની ઑફિસ ગયાં હતાં. લગ્ન માટે ઍપૉઇન્ટમૅન્ટ લેતી વખતે અમે તેમને જણાવ્યું હતું કે હું અપંગ છું. વ્હિલચૅરનો ઉપયોગ કરું છું. એ સમયે તેમણે જણાવ્યું ન હતું કે ઑફિસ બીજા માળે છે અને બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા નથી.”
“મારી સાથે મારા કુટુંબીજનો, મિત્રોએ સંબંધિત અધિકારીને દસ્તાવેજ પર સહી કરાવવા નીચે આવવાની વિનંતી કરી હતી. અમને મદદ કરવાની વિનંતી પણ કરી હતી, પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી હતી. તેમણે જણાવ્યુ હતું કે અમે નીચે નહીં આવીએ. તમારે વિરાલીને ઉપાડીને ઉપર લાવવી પડશે.”
આખરે વિરાલીના પતિ ક્ષિતિજ અને કેટલાક મિત્રોએ વિરાલીને વ્હિલચૅરમાં બેસાડીને બીજા માળે લઈ જવાનું નક્કી કર્યું હતું. વિરાલીના કાકા આગળ વધ્યા હતા અને સીડી પર સામેથી આવતા લોકોને બાજુ પર ખસી જવા વિનંતી કરી હતી.
વિરાલીને વ્હિલચૅર સાથે ઊંચકીને રજિસ્ટ્રારની ઑફિસ પહોંચાડવામાં આવ્યાં હતાં. નીચેથી ઉપર સુધી પહોંચતા સુધીમાં દરેક વ્યક્તિના મનમાં ફફડાટ હતો.
વિરાલી કહે છે, “હું ખૂબ ડરી ગઈ હતી, કારણ કે ઇમારત જૂની હતી અને સીડી ઊંચી હતી. સીડીની બાજુ પરની સાંકળોમાં કાટ લાગી ગયો હતો. ક્યાંક કોઈનો પગ સરકી ન જાય કે ફસાઈ ન જાય કે પીઠમાં ઈજા ન થાય તેની મને ચિંતા હતી. હું મારા જીવન માટે જીવ હાથમાં લઈને બેઠી હતી.”
“મને કહો કે લગ્નના દિવસે કન્યાએ આવી પરિસ્થિતિમાંથી પસાર શા માટે થવું જોઈએ? હું ક્ષિતિજનો હાથ પકડીને કહેતી હતી કે મને ડર લાગે છે. લગ્નના દિવસે જ હું પડી જઈશ અને મને ઈજા થશે તો જવાબદાર કોણ?” એવો સવાલ વિરાલી કરે છે.
રજિસ્ટ્રારની ઑફિસમાં પહોંચ્યાં પછીનો અનુભવ પણ સારો ન હોવાનું જણાવતાં વિરાલીએ ઉમેર્યું હતું, “ત્યાં પહોંચ્યાં પછી કોને, શું પૂછવું? તેઓ અક્કડથી બોલતા હતા. તેમના એજન્ટો સારા હતા. કેટલી તકલીફ થઈ રહી છે એ તેઓ જાણતા હતા, પરંતુ તેઓ લાચાર હતા.”
“મને લાગે છે કે સરકારી કર્મચારીઓમાં પણ જાગૃતિ નથી. આપણને વિકલાંગની દયા આવે છે, પણ તેના પ્રત્યે સહાનુભૂતિ નથી એ દુઃખની વાત છે. ઑફિસમાં બધા મારી સામે જોતા હતા, પણ કોઈ મદદ કરવા આગળ આવ્યું ન હતું.”
સરકારી ઇમારત હોવાથી ત્યાં વ્હિલચૅર માટે રૅમ્પ કે અન્ય સુવિધા ન હતી?
આ બાબતે વાત કરતાં વિરાલીએ કહ્યું, “ત્યાં એક પગથિયું તૂટેલું હતું. રૅમ્પ હતી, પણ લિફ્ટ ન હતી. તો રૅમ્પનો શું અર્થ? જો લિફ્ટ ન હોય તો વ્હિલચૅરનો ઉપયોગ કરતા લોકો કે વરિષ્ઠ નાગરિકો સીડી ચડીને પર કેવી રીતે જાય? કાયદા અને નિયમોનો અમલ કેમ થતો નથી?”
વિરાલી મોદીનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ તેમણે અભ્યાસ અમેરિકામાં કર્યો છે. વિરાલીને 15 વર્ષની વયે લકવો થયો હતો. ઉપચાર માટે તેઓ માતા સાથે ભારત આવ્યાં હતાં. 2019માં તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. વિરાલીની સારવાર આજે પણ ચાલી રહી છે.
વિકલાંગો માટેની સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય, તેવો વિરાલીનો આ પહેલો અનુભવ નથી. વિરાલીના કહેવા મુજબ, તેમને આ અગાઉ પણ ઘણી જગ્યાએ આવા અનુભવ થયા છે. તેના કારણે જ તેમણે અગાઉ દિવ્યાંગો માટે રેલવે સલામતી અભિયાન હાથ ધર્યું હતું.
વિરાલીને એક વખત મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ખરાબ અનુભવ થયો હતો. એ પછી તેમણે દિવ્યાંગો માટે રેલવે સુરક્ષા અભિયાન હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.
વિરાલીના આ પ્રયાસોને કારણે જ કેરળમાં હમાલોને આ અંગેની તાલીમ આપવામાં આવી હતી. તેમ છતાં દિવ્યાંગો સાથે સમાન વર્તન અને તેમને સુવિધા આપવા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, એમ વિરાલી જણાવે છે.
2016માં વિકલાંગ વ્યક્તિઓના અધિકારો માટેનો કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો. 2015માં કેન્દ્ર સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલય દ્વારા વિકલાંગો માટે ‘ફ્લેક્સિબલ ઇન્ડિયા’, ‘સુગમ્ય ભારત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
તે અભિયાન મુજબ, સરકારી ઇમારતોમાં વિકલાંગ વ્યક્તિઓને પ્રવેશવામાં અને સરકારી સુવિધાઓનો ઉપયોગ કરવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. સરકારી ઇમારતોમાં સીડી, રૅમ્પ, કૉરિડોર્સ પ્રવેશદ્વાર, ઇમરજન્સી એક્ઝિટ અને પાર્કિંગ જેવી સુવિધાઓ અપેક્ષિત છે.
એ ઉપરાંત બધી સરકારી બિલ્ડિંગની અંદર તથા બહાર પૂરતું લાઇટિંગ, સાઇનેજ, અલાર્મ સિસ્ટમ અને શૌચાલય પણ હોવાં જોઈએ.
આ બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે સરકારી ઇમારતોનું વાર્ષિક ઑડિટ કરવું જોઈએ. વિકલાંગો માટે સલામત વાતાવરણ અને જનજાગૃતિ કેળવવી જોઈએ, તેવું પણ જણાવવામાં આવ્યું છે.
‘અક્ષમ્ય’ ઉપેક્ષાનો સ્વીકાર
વિરાલી મોદી સાથે બનેલી ઘટના બાબતે અમે ખારની મૅરેજ રજિસ્ટ્રાર ઑફિસના જૉઇન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ભરત ગરુડ સાથે ફોન પર વાત કરી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું કે, આ ઘટના સાચી છે અને સંબંધિત લોકો દ્વારા અક્ષમ્ય ઉપેક્ષા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું, “અમારી ઑફિસ છેલ્લાં દસ વર્ષથી બીજા માળે છે. વિકલાંગોને બિલ્ડિંગમાં નીચે આવીને સેવા આપવાની સૂચના આપવામાં આવી છે. અમે વિકલાંગોના ઘરે જઈને પણ સેવા આપીએ છીએ.”
“કમનસીબે આ કિસ્સામાં સંબંધિત કર્મચારી, તેમને અંગત વિનંતી કરવા છતાં નીચે ગયા ન હતા. અમારો વિભાગ એ બદલ દિલગીર છે. અમે આ સંદર્ભે કાર્યવાહી કરી રહ્યા છીએ. આ કેસમાં અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી છે.”
લગ્નના બે દિવસ પછી વિરાલીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફત પોતાનો અનુભવ શેર કર્યો હતો. વિરાલીની પોસ્ટ શેર કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમની માફી માગી હતી.
પોતાની એક ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, “સૌપ્રથમ તમને તમારાં લગ્ન માટે અભિનંદન અને શુભેચ્છાઓ. તમને થયેલી તકલીફ બદલ હું ક્ષમા ઇચ્છું છું. મેં અંગત રીતે આ બાબતની નોંધ લીધી છે અને આ બાબતે હું યોગ્ય કાર્યવાહી કરીશ.” આવું વચન પણ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું હતું.
આ કિસ્સામાં અહેવાલ અનુસાર મૅરેજ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શિવસેના (ઠાકરે જૂથ)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે આ બાબતે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલને પત્ર લખ્યો છે.
વિરાલી કહે છે, “2011ની વસ્તીગણતરી મુજબ, ભારતમાં 1.2 ટકા લોકો વ્હિલચૅરનો ઉપયોગ કરે છે. 2023 સુધીમાં આ સંખ્યામાં ચોક્કસ વધારો થયો હશે. અમે દેશમાં પરિવર્તનની અપેક્ષા રાખીએ છીએ. અમે કહીએ છીએ કે તમે સમયસર કામ કરો. અમે અવાજ ઉઠાવીએ પછી જ તમે પગલાં લેશો? કે કોઈ ઘટના બને પછી જ પરિવર્તન આવશે? આ બધાં કામ તાકીદે કરો તેવી વિનંતી છે.”