You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન
બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે.
તેમણે 70 વર્ષ સુધી શાસન કર્યું હતું.
ગુરુવારે મહારાણી એલિઝાબેથની સ્વાસ્થ્યની સ્થિતિને જોતાં તેમના સ્કૉટિશ ઍસ્ટેટમાં તેમનો સમગ્ર પરિવાર એકઠો થયો હતો
1952માં મહારાણીએ ગાદી સંભાળી હતી અને તે બાદ અનેક સામાજિક પરિવર્તનો જોયાં.
તેમના મૃત્યુ બાદ, તેમના સૌથી મોટા પુત્ર અને વેલ્સના પૂર્વ પ્રિન્સ ચાર્લ્સ નવા સમ્રાટ બનશે અને મહારાણીના નિધન બાદ દેશ અને કૉમનવેલ્થનાં 14 ક્ષેત્રોમાં શોકનું નેતૃત્વ કરશે.
એક નિવેદનમાં બકિંઘમ પૅલેસે કહ્યું, "આજ બપોરે મહારાણીનું નિધન બાલમોરલમાં શાંતિથી થયું."
"કિંગ અને ક્વીન કંસૉર્ટ આજની સાંજ બાલમોરલમાં જ રહેશે અને આવતીકાલે લંડન પરત ફરશે."
ડૉક્ટરોની નજર હેઠળ મહારાણીને રાખ્યા બાદ મહારાણીનાં સંતાનો એબરડીન નજીક બાલમોરલ પહોંચ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજપ્રમુખના રૂપમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના કાર્યકાળ દરમિયાન બ્રિટને બીજા વિશ્વયુદ્ધ બાદ એક સામ્રાજ્યને કૉમનવેલ્થમાં બદલતાં, શીતયુદ્ધનો અંત અને બ્રિટનના યુરોપિયન સંઘમાં સામેલ થવાની અને તે બાદ તેમાંથી અલગ થવા જેવી ઘટનાઓ જોઈ.
તેમના કાર્યકાળમાં બ્રિટને 15 વડાં પ્રધાન જોયાં. સૌથી પહેલાં 1874માં જન્મેલા વિંસ્ટન ચર્ચિલ વડા પ્રધાન બન્યા, જેમાં તેમનાં 101 વર્ષ બાદ જન્મેલાં લિઝ ટ્રસ પણ સામેલ છે જેમને આ સપ્તાહે જ મહારાણીએ નિયુક્ત કર્યાં હતાં.
તેમના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન મહારાણી દર અઠવાડિયે વડાં પ્રધાનોને મળતાં રહ્યાં.
ક્વીન એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો.
લંડનમાં બકિંઘમ પૅલેસની બહાર મહારાણીના સ્વાસ્થ્યના સમાચારોને લઈને રાહ જોઈ રહેલા લોકો નિધનની જાહેરાત સાથે રડવા લાગ્યા હતા.
કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તેઓ બ્રિટનનાં મહારાણી બનશે પરંતુ વર્ષ 1936માં તેમના પિતાના મોટા ભાઈ એડવર્ડ અષ્ટમે અમેરિકન નાગરિક અને બે વખત છૂટાછેડા લીધેલાં વૈલિસ સિંપસન સાથે લગ્ન કરવા માટે સમ્રાટનું પદ ત્યાગી દીધું હતું.
તેમના બાદ એલિઝાબેથના પિતા આલ્બર્ટ રાજગાદી પર બેઠા અને ત્યારે દસ વર્ષનાં લિલિબેટ રાજગાદીનાં ઉત્તરાધિકારી બની ગયાં. એલિઝાબેથને પરિવારમાં લિલિબેટ કહેવામાં આવતાં હતાં.
તેનાં ત્રણ વર્ષ બાદ બ્રિટન નાઝી જર્મની સાથે યુદ્ધ લડી રહ્યું હતું. એલિઝાબેથ અને તેમનાં નાનાં બહેન રાજકુમારી માર્ગરેટે યુદ્ધ દરમિયાન મોટા ભાગનો સમય વિન્ડસરમાં જ વિતાવ્યો હતો. તેમના પરિવારજનોએ રાજકુમારીઓને સુરક્ષિત કૅનેડા પહોંચાડવાની ભલામણને નકારી દીધી હતી.
18 વર્ષનાં થતાંની સાથે એલિઝાબેથે ઑગ્ઝિલરી ટૅરિટોરિયલ સર્વિસ સાથે પાંચ મહિના કામ કર્યું. તેઓ મોટર મિકૅનિકનું કામ અને ગાડી ચલાવતાં શીખ્યાં.
બાદમાં તેના વિશે વાત કરતાં મહારાણીએ કહ્યું હતું, "મેં એસ્પ્રિટ ડી કૉર્પ્સને સમજવાનું શરૂ કરી દીધું જે વિપરીત પરિસ્થિતિઓમાં વિકસિત થાય છે."
યુદ્ધ દરમિયાન તેઓ પ્રિન્સ ફિલિપને પત્રો લખતાં રહ્યાં. ગ્રીસના પ્રિન્સ ફિલિપ રૉયલ નૅવીમાં સેવાઓ આપી રહ્યા હતા.
બંને વચ્ચે રોમાન્સ ચાલ્યો અને આ યુગલે 20 નવેમ્બર 1947ના રોજ વેસ્ટમિનસ્ટર એબેમાં લગ્ન કરી લીધાં. પ્રિન્સ ફિલિપને ડ્યૂક ઑફ એડિનબર્ગનો ખિતાબ મળ્યો.
બાદમાં 2021માં પ્રિન્સ ફિલિપના 99 વર્ષની ઉંમરે નિધન પહેલાં જ તેમના વિશે મહારાણીએ કહ્યું હતું, "74 વર્ષના લગ્નજીવન દરમિયાન તેઓ મારી તાકત હતા અને હું તેમનામાં રહેતી હતી."
તેમના પ્રથમ પુત્ર, ચાર્લ્સનો જન્મ વર્ષ 1948માં થયો હતો, એ પછી 1950માં પ્રિન્સેસ એનેનો જન્મ થયો. પછી 1960માં પ્રિન્સ એન્ડ્ર્યૂ અને 1964માં પ્રિન્સ એડવર્ડનો જન્મ થયો. આ બધાંએ મહારાણીને આઠ પૌત્ર-પૌત્રી તથા 12 પ્રપૌત્ર-પ્રપૌત્રી આપ્યાં.
વર્ષ 1952માં પ્રિન્સેસ એલિઝાબેથ બીમાર સમ્રાટના પ્રતિનિધિ તરીકે કેન્યા ગયાં હતાં, ત્યારે તેમના પતિ ફિલિપે તેમને પિતાના મૃત્યુના સમાચાર આપ્યા. તેઓ નવા મહારાણી તરીકે તત્કાળ લંડન પર ફર્યાં.
આગળ જતાં મહારાણીએ એ વિશે કહ્યું હતું, "મને અચાનક મળેલી આ જવાબદારીને સારી રીતે પાર પાડવાનો પડકાર મારી સામે હતો."
તારીખ બે જૂન, 1953ના રોજ વેસ્ટમિનસ્ટર એબેમાં 27 વર્ષની ઉંમરે તેમનો રાજ્યાભિષેક થયો. આ કાર્યક્રમને વિશ્વભરમાં બે કરોડથી વધુ લોકોએ ટીવી પર લાઇવ નિહાળ્યો હતો. ઘણાં લોકોએ જીવનમાં પહેલી વખત ટીવી પર જીવંત પ્રસારણ જોયું હતું.
આગામી દાયકાઓ દરમિયાન અનેક મોટાં પરિવર્તન આવ્યાં, દુનિયાભરમાં ફેલાયેલા બ્રિટિશ સામ્રાજ્યનો વ્યાપ ઘટતો ગયો. 1960ના દાયકામાં બ્રિટિશ સમાજમાં ભારે પરિવર્તન આવ્યાં.
રાજવી પરિવાર માટે એ ઓછો સન્માનજનક સમય હતો. આ દરમિયાન એલિઝાબેથે રાજાશાહીમાં અનેક સુધાર કર્યાં. તેઓ સામાન્ય જનતાની વધુ નજીક આવ્યાં અને સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લીધો. તેઓ કૉમનવેલ્થ માટે નિરંતર પ્રતિબદ્ધ રહ્યાં તથા દરેક કૉમનવેલ્થ દેશની ઓછામાં ઓછી એક વખત મુલાકાત લીધી.
પરંતુ તેમનાં જીવનમાં અંગત તથા સાર્વજનિક દુ:ખ-દર્દના સમય પણ આવ્યા. 1992માં ભયંકર આગને કારણે વિન્ડસર કાસલ તારાજ થઈ ગયો. તે મહારાણીનું વ્યક્તિગત નિવાસસ્થાન અને કાર્યસ્થળ હતું. તેમનાં ત્રણ સંતાનોનાં લગ્ન પણ તૂટ્યાં.
1997માં પેરિસમાં થયેલા કાર અકસ્માતમાં રાજકુમારી ડાયનાનું અવસાન થયું. એ પછી સાર્વજનિક રીતે એના વિશે વાત ન કરવા બદલ અનેક વખત મહારાણીની ટીકા પણ થઈ.
આધુનિક સમાજમાં રાજશાહીની પ્રાસંગિકતાને લઈને પણ પ્રશ્ન થયા.
મહારાણીએ સ્વીકાર કર્યું હતું, " કોઈ પણ સંસ્થાએ …એવી આશા ન રાખવી જોઈએ કે તે એ લોકોની સમીક્ષાથી પર છે જે તેમનું સમર્થન કરે છે અને વફાદારી આપે છે, હું એવા લોકોનો ઉલ્લેખ નથી કરી રહી જે આવું નથી કરતા."
એલિઝાબેથ 21 વર્ષની ઉંમરે રાજકુમારી હતાં, ત્યારે જ તેમણે પોતાનું જીવન જનસેવા માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો.
આ શબ્દોના ઉચ્ચારણના દાયકાઓ પછી વર્ષ 1977માં મહારાણી બનવાના રજત જયંતી વર્ષ દરમિયાન તેમણે ફરી એક વખત જાહેરાત કરી, "જોકે, એ સંકલ્પ મેં ખૂબ જ નાની ઉંમરે લીધો હતો, એ સમયે નિર્ણયો લેવામાં હું કાચી હતી, પરંતુ આજે મને મારા દ્વારા ઉચ્ચારાયેલા એક પણ શબ્દનો રંજ નથી તથા હું એ શબ્દો પર અડગ છું."
45 વર્ષ બાદ ચાલુ વર્ષે જૂન મહિનામાં મહારાણીના શાસનકાળની પ્લૅટિનમ જ્યુબલી એટલે કે 70મી વર્ષગાંઠ નિમિતે પાઠવેલાં રાષ્ટ્રજોગ આભારદર્શક સંદેશમાં તેમણે પોતાની એ પ્રતિબદ્ધતાનો પુનર્રુચ્ચાર કર્યો હતો.
મહારાણીના રાજ્યાભિષેકની પ્લૅટિનમ જ્યુબલીના અનુસંધાને બ્રિટનમાં અનેક પ્રકારના સરકારી કાર્યક્રમો આયોજિત થયા, જેમાં બ્રિટનની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, સાથે જ લોકોએ ઠેર-ઠેર સ્ટ્રીટ પાર્ટીઝ પણ આયોજિત કરી.
જોકે, આરોગ્યના કારણોસર મહારાણી આ કાર્યક્રમોમાં સામેલ થઈ શક્યાં ન હતાં, પરંતુ તેમણે કહ્યું, "મારી લાગણીઓ આપ સર્વેની સાથે રહી છે."
આ દરમિયાન બકિંઘમ પૅલેસની સામેના રસ્તા - ધ મૉલ - પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એ કાર્યક્રમના સમાપન સમયે મહારાણી તેમના પરિવારની ત્રણ પેઢી સાથે બકિંઘમ પૅલેસની બાલ્કનીમાં આવ્યાં હતાં અને કાર્યક્રમની ઉજવણીમાં સામેલ થયાં હતાં.
મહારાણીના અવસાન બાદ 73 વર્ષીય કિંગ ચાર્લ્સ હવે 14 રાષ્ટ્રમંડળ શાસિત ક્ષેત્રના વડા બની ગયા છે.
તેઓ પોતાનાં પત્ની કેમિલા, પોતાનાં ભાઈ-બહેન, પ્રિન્સેસ એને, પ્રિન્સ એન્ડ્રૂયૂ તથા પ્રિન્સ ઍડવર્ડની સથે બાલમોરલમાં હાજર છે.
પ્રિન્સ એડવર્ડનાં પત્ની સોફી, પ્રિન્સ વિલિયમ તથા પ્રિન્સ હેરી પણ તેમની સાથે જ છે.
પ્રિન્સ વિલિયમના પત્ની કૅથરિન પોતાનાં ત્રણેય બાળકો - જ્યોર્જ, શાર્લોટ અને લુઈની સાથે વિન્ડસરમાં રહ્યાં હતાં, જ્યાં શાળામાં બાળકોનો પહેલો દિવસ હતો.
રાજવી પરિવાર શોકાતુર થઈ ગયો છે.
હવે તમામ સત્તાવાર કાર્યક્રમોને રદ્દ કરી દેવામાં આવશે અને વિદેશોમાં સશસ્ત્ર બળોનાં મથક ઉપરાંત રાજવી નિવાસસ્થાનો, સરકારી ભવનોમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
વિશ્વભરના નેતાઓ મહારાણીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મહારાણીના નિધન પછી જણાવ્યું હતું કે કેવી રીતે 11મી સપ્ટેમ્બરે આતંકવાદી (મૂળ લખાણમાં પણ આતંકવાદી) હુમલા પછી અમેરિકાના "સૌથી મુશ્કેલ દિવસો દરમિયાન" તેઓ પડખે ઊભાં રહ્યાં હતાં.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોં માટે તેઓ "દયાળુ રાણી" તથા "ફ્રાન્સનાં મિત્ર" હતાં.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો માટે, મહારાણી કૅનેડાના લોકોના જીવથી ક્યારેય અલગ નહીં થનારા ભાગરૂપ તથા "દુનિયામાં તેમના પસંદગીના લોકો"માંથી એક હતાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો