'આ છોડ તમારો જીવ લઈ શકે છે', દુનિયાનો સૌથી જીવલેણ બગીચો કેવો છે?

    • લેેખક, ક્રિસ ગ્રિફિથ્સ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

યુકેમાં આ દુનિયાનો સૌથી ઘાતકી બગીચો છે જે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 100થી વધારે ઘાતકી છોડ ધરાવતા આ બગીચા વિશે વાંચો.

બગીચાના લોખંડના કાળા રંગના દરવાજે ચેતવણી આપતા સ્પષ્ટ લખ્યું છે, "આ છોડ તમને મારી પણ શકે છે."

આ ચેતવણી કોઈ મજાક નથી, કેમ કે આ લોખંડના કાળા દરવાજાની પાછળનો બગીચો દુનિયાનો સૌથી ઘાતકી બગીચો ગણાય છે અને હવે તેને મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો છે.

ઇંગ્લૅન્ડના નૉર્થમ્બરલૅન્ડમાં આવેલા આ ઝેરી બગીચા 'એલ્નવિક ગાર્ડન'ની સ્થાપના વર્ષ 2005માં થઈ હતી. અહીં 100 કરતાં વધારે ઝેરી અને માદક છોડ છે.

ઝેરી બગીચાના ગાઇડ ડીન સ્મિથ કહે છે, "મુલાકાતીઓને પ્રવેશ આપતા પહેલાં તેમને સુરક્ષા મામલે માહિતી આપવામાં આવે છે."

મુલાકાતીઓને સૂચના આપવામાં આવે છે કે અહીં કોઈ છોડને સ્પર્શવા, સૂંઘવા કે ચાખવાની મનાઈ છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે જો કોઈ મુલાકાતી આવું કરે છે તો તે ચાલતાં-ચાલતાં જ બેભાન પણ થઈ જાય છે.

અહીં આવેલા સૌથી ખતરનાક છોડમાંથી એક છે મોંક્સહૂડ, જેમાં એકોનિટિન, ન્યૂરોટોક્સીન અને કાર્ડિયોટોક્સીન હોય છે.

દુનિયાનો સૌથી ઝેરી છોડ

જોકે, આ છોડ સૌથી ઘાતકી નથી. સ્મિથ કહે છે, "કદાચ આ બગીચામાં સૌથી ખતરનાક છોડ રાઇસિન છે. તેમાં ઝેરી રાઇસિન હોય છે. સાદી ભાષામાં તેને આપણે દિવેલનાં બીજ અથવા દિવેલના તેલનો છોડ કહીએ છીએ. ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડના આધારે તે દુનિયાનો સૌથી ઝેરી છોડ છે."

આ બગીચામાં ઘણી વનસ્પતિ સામાન્ય લાગે છે.

સ્મિથ કહે છે, "અહીં ઊગતા ઘણા છોડ યુકેમાં ખૂબ ઊગે છે. કેટલાક છોડને તો ઉગાડવા ખૂબ જ સહેલા પણ છે."

અહીં રોડોડેન્ડ્રોન પણ ઊગે છે. તેનાં પત્તાંમાં ગ્રેયોનોટોક્સિન હોય છે જેને ખાવા પર તે મનુષ્યની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે.

સ્મિથ કહે છે, "જોકે, તેનાં પાનનો સ્વાદ ખૂબ જ ગંદો હોય છે." અહીં લેબર્નમ ઝાડ પણ છે જે યુકેનું બીજું સૌથી ઝેરી ઝાડ છે.

તેનાં સુંદર પીળાં ફૂલોના કારણે ઘણા લોકો તેને પોતાના ઘરની આસપાસ લગાવે છે. પરંતુ તેમાં સાયટીસિન નામનું ઝેર પણ હોય છે.

સ્મિથ કહે છે, "આ ઝાડ ખૂબ જ ઝેરી છે. માની લો કે ઝાડની જમીન પર પડેલી કોઈ ડાળખીને કૂતરું મોઢામાં ઉપાડીને લઈ જાય તો એ કહેવું અઘરું છે કે કૂતરું તેના ઠેકાણે પહોંચશે કે નહીં. કદાચ તે રસ્તામાં જ મરી જશે."

ઝેરી છોડનું ઝેર માત્ર મનુષ્યો અને કૂતરાંને જ ચઢે છે એવું નથી.

સ્મિથ જણાવે છે કે રોડોડેન્ડ્રોનના ઝાડ મોટા પ્રમાણમાં એકબીજાની નજીક ઊગે તો તેનાથી જમીન પણ ઝેરી થઈ જાય છે. જો મધમાખીએ રોડોડેન્ડ્રોનના ફૂલમાંથી મધ બનાવે અને એ મધ વધુ પડતું ખાઈ જવાય તો તે મધ પણ જીવલેણ બની શકે છે.

સંક્ષિપ્તમાં: આ છે દુનિયાનો સૌથી જીવલેણ બગીચો

  • ઇંગ્લૅન્ડના નૉર્થમ્બરલૅન્ડમાં આવેલા આ ઝેરી બગીચા 'એલ્નવિક ગાર્ડન'ની સ્થાપના વર્ષ 2005માં થઈ હતી. અહીં 100 કરતાં વધારે ઝેરી અને માદક છોડ છે.
  • યુવાનોને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવા માટે અને પૂરતી માહિતી પૂરી પાડવા અહીં પૉઇઝન ગાર્ડનની ટૂર દ્વારા લોકોને ડ્રગ્સ એજ્યુકેશન પ્રોગ્રામ વિશે જાણકારી આપવામાં આવે છે.
  • અહીં ઔષધીય વનસ્પતિના જોખમ વિશે અહીં માહિતી આપવામાં આવે છે. અહીંના સ્ટાફે ઘણાં બધાં સુરક્ષાત્મક પગલાં લેવાં પડે છે. કેટલીક જગ્યાએ આખો સૂટ, ફેસ-માસ્ક, મોજાં જેવી દરેક વસ્તુ પહેરવી પડે છે.
  • હેલેબોર્સ એ ક્રિસમસ રોઝ જેવો છોડ છે જે આ બગીચામાં રહેલા જીવલેણ છોડ પૈકીનો એક છે.

ડાળખી તોડવા માત્રથી મૃત્યુ

કેટલાક છોડને ખાઈ કે સ્પર્શી કે સુંઘી શકાતા નથી. એ તો સમજ્યા પરંતુ આ બગીચામાં એક એવી વનસ્પતિ છે જેની ડાળખીને તોડવા માત્રથી તોડનારનું મૃત્યુ થઈ શકે છે.

આ વનસ્પતિ છે પ્રુનસ લૌરોસેરાસસ. તેનાં પાંદડાંમાં બે ઘટકો હોય છે, સાયનોજેનિક ગ્લાયકોસાઇડ્સ અને સાયનાઇડ આયન્સ.

આ બંને ઘટકો જો અલગ હોય તો નુકસાન કરતા નથી. પણ તેનાં પાંદડાંને ચાવતાં કે ડાળખીને કાપતા તેમાંથી સાઇનાઇડ વાયુ ઉત્પન્ન થાય છે.

સ્મિથ કહે છે, "સામાન્યપણે તમે અહીં બહાર ખુલ્લામાં છો અને સારો પવન છે, તો કોઈ તકલીફ થવાની શક્યતા ઓછી છે. પરંતુ જો તમે તેને કાપીને તમારી કારમાં લઈ જાઓ તો સાઇનાઇડ વાયુને મુશ્કેલી થઈ શકે છે."

હેલેબોર્સ એ ક્રિસમસ રોઝ જેવો છોડ છે જે આ બગીચામાં રહેલા જીવલેણ છોડ પૈકીનો એક છે.

તેનાં મૂળિયાંમાં કાર્ડિયોટોક્સિન છે જે તમારું હૃદય બંધ કરી દે છે. તેના રસમાં એવાં દ્રવ્યો છે જે ત્વચા પર ખંજવાળ લાવી શકે છે.

સ્મિથ ચેતવણી આપતાં કહે છે કે આ હંમેશાં મોજાં પહેરીને જ છોડને અડવું અને મોજાંને મોઢેથી ખેંચીને કાઢવાં નહીં.

અહીંના મુખ્ય માળી રોબર્ટ ટર્નેન્ટ કહે છે કે અહીંના સ્ટાફે ઘણાં બધાં સુરક્ષાત્મક પગલાં લેવાં પડે છે.

"કેટલીક જગ્યાએ કોઈ વિશેષ સુરક્ષાની જરૂર નથી હોતી, જ્યારે કેટલીક જગ્યાએ આખો સૂટ, ફેસ-માસ્ક, મોજાં જેવી દરેક વસ્તુ પહેરવી પડે છે."

માળી એમી થોર્પેના મતે તકેદારી લેવામાં આવે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

તેઓ કહે છે, "મને લાગે છે કે ઘણા બધા છોડ આપણે અહીં આવ્યા તે પહેલાંથી હશે. તો એ આપણા પર નિર્ભર છે કે આપણે તે છોડના ઉપયોગ વિશે કેવી રીતે શીખીએ છીએ. અહીં ઘણી એવી વનસ્પતિ છે જેનો ઉત્તમ ઉપયોગ થાય છે."

કેટલીક ઘાતક વનસ્પતિ એવી પણ છે જે ખતરનાક બીમારીઓનાં ઇલાજમાં વપરાય છે, જેમ કે યૂ નામની વનસ્પતિ. તેનો ઉપયોગ બ્રેસ્ટ કૅન્સરના ઇલાજમાં થાય છે.

પેરીવિંકલ નામના છોડ પણ આવો જ છે. તે જીવલેણ હોવાની સાથે તેનો યોગ્ય ઉપયોગ કરીને તેમાંથી જીવનદાયી દવાઓ બનાવવામાં આવે છે.

કમ્યુનિટી ઍન્ડ એજ્યુકેશનના પ્રમુખ ક્લેર મિશેલ કહે છે, "ઉત્તર પૂર્વી ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં સૌથી વધારે મૃત્યુ ડ્રગ્સ સંબંધિત હોય છે. યુવાઓને તેમાંથી બહાર કાઢવા માટે અને પૂરતી માહિતી પૂરી પાડવા માટે અહીં પૉઇઝન ગાર્ડનની ટૂર દ્વારા લોકોને ડ્રગ્સ એજ્યુકેશન પ્રોગ્રામ વિશે જાણકારી આપવામાં આવે છે. અહીં ઔષધીય વનસ્પતિના જોખમ વિશે માહિતી આપવામાં આવે છે."

સ્મિથે કહ્યું તેમ આ બગીચામાં "ઔષધિ એ-બી-સી" ઉગાડવામાં આવે છે. ક્લાસ-એમાં અફીણ, ક્લાસ બીમાં ગાંજો અને ક્લાસ સીમાં કેથા એડ્યુલિસ નામની ઔષધિ ઉગાડવામાં આવે છે. જોકે મુલાકાતીઓને તે વિશે કંઈ ખબર પડવી જોઈએ નહીં.

રોબર્ટ ટર્નેન્ટ કહે છે કે પૉઇઝન ગાર્ડનના સ્ટાફને કાયદેસર સતત બગીચાનું નિરીક્ષણ કરવાના આદેશ અપાયા છે. સાથે જ ઔષધીય વનસ્પતિની ગણતરી અને તેનો દરેક રિપોર્ટ આપવાના આદેશ પણ અપાયા છે. તેમને નિર્દેશ છે કે દરેક ઋતુ બાદ આ છોડનો નાશ કરી તેના પુરાવા રજૂ કરવામાં આવે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો