FBI અને MI5ના પ્રમુખે કહ્યું, 'જો ચીને આમ કર્યું તો ભયાનક તબાહી થશે'

    • લેેખક, ગૉર્ડન કોરેરા
    • પદ, સુરક્ષા સંવાદદાતા, બીબીસી
  • પ્રકાશિત
  • ઇતિહાસમાં પહેલી વખત એફબીઆઈ અને એમઆઈ-5ના વડાએ એકસાથે પત્રકારપરિષદ સંબોધી
  • એફબીઆઈના વડાએ કહ્યું, જો ચીન તાઇવાન પર કબજો કરે તો એ વિનાશની ભયંકર ઘટના
  • ચીને છેતરપિંડી કરવા અને નજર રાખવા માટે સાયબર જાસૂસ તહેનાત કર્યા હોવાનો દાવો
  • અમેરિકાની ચૂંટણી દરમિયાન પણ ચીન સંચાલિત કંપનીઓએ હસ્તક્ષેપ કર્યો હોવાનો આક્ષેપ

અમેરિકા તથા બ્રિટનની સુરક્ષા સેવાના વડાઓએ અસામાન્ય રીતે સંયુક્ત પત્રકારપરિષદ યોજી હતી અને તેમાં ચીન તરફથી તોળાઈ રહેલા જોખમ વિશે ચર્ચા કરી હતી.

અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈ (ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના ડાયરેક્ટર ક્રિસ્ટૉફર રેએ જણાવ્યું હતું કે લાંબા ગાળે ચીન અમેરિકાની રાષ્ટ્રીય તથા આર્થિક સુરક્ષા ઉપર સૌથી મોટું જોખમ છે.

તેમણે દાવો કર્યો હતો કે ચીને અમેરિકાના રાજકારણ તથા તાજેતરની ચૂંટણીમાં દખલ દીધી હતી.

બીજી બાજુ, બ્રિટનની ગુપ્તચર સંસ્થા એમઆઈ-5ના વડા કેન મૈક્કલમે જણાવ્યું હતું કે ગત ત્રણ વર્ષ દરમિયાન એજન્સીએ ચીનની પ્રવૃત્તિઓ સામે પોતાનું કામ બે ગણું વધારી દીધું છે અને તેને હજુ પણ બમણું કરવામાં આવશે.

એમઆઈ-5ના વડાએ કહ્યું હતું કે 2018ની સરખામણીમાં તેમની એજન્સી ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીને લગતી પ્રવૃત્તિઓની તપાસમાં સાત ગણો વધારો થયો છે.

એફબીઆઈના વડાએ કહ્યું કે જો ચીન દ્વારા બળપૂર્વક તાઇવાન પર કબજો કરવામાં આવશે તો તે દુનિયામાં વિનાશની અભૂતપૂર્વક અને ભયંકર ઘટના હશે. દુનિયાએ આવો વિનાશ અગાઉ ક્યારેય નહીં જોયો હોય.

લંડનમાં એમઆઈ-5ના મુખ્યાલય 'થૅમ્સ હાઉસ' ખાતે અમેરિકા તથા બ્રિટનની ગુપ્તચર એજન્સીઓના વડા પહેલી વખત સાર્વજનિક રીતે એકસાથે જોવા મળ્યા હતા.

મૈક્કલમે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ ઊભા કરેલા પડકારને 'ગેમ-ચેન્જિંગ' ગણાવ્યો હતો, જ્યારે એફબીઆઈના વડાએ આ પડકારને 'મોટો અને અસાધારણ' જણાવ્યો હતો.

એફબીઆઈના વડાએ ઉદ્યોગજગતનાં વડા તથા યુનિવર્સિટીઓના વડાને સાવચેત કરતા કહ્યું હતું કે ચીનની સરકાર દ્વારા તમારી ટેકનૉલૉજીની ચોરી કરીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ચીનથી ખતરો

ક્રિસ્ટૉફરે કહ્યું હતું કે પશ્ચિમના વેપારજગત ઉપર ચીનના કારણે કેટલું મોટું જોખમ તોળાઈ રહ્યું છે, તેનો એમને અંદાજ પણ નથી

તેમણે કહ્યું કે ચીનની કંપનીઓના લોકો અમેરિકાના ગ્રામીણ વિસ્તારમાં બીટી બીજ વિશે માહિતી મેળવી રહ્યાં છે. આ પ્રકારના બીજ તૈયાર કરવામાં ચીનને એક દાયકાનો સમય લાગ્યો હોત તથા અબજો ડૉલરનો ખર્ચ થયો હોત.

ક્રિસ્ટૉફરે કહ્યું કે ચીને સાયબર જાસૂસ તહેનાત કર્યા છે, જેઓ અનેક પ્રકારની છેતરપિંડીમાં સંડોવાયેલા છે અને તેઓ મોટા દેશોમાં હૅકિંગનું કામ પણ કરી રહ્યા છે.

એમઆઈ-5ના વડાના કહેવા પ્રમાણે, સાયબર જોખમો વિશેની ગુપ્ત માહિતી વિશ્વના 37 દેશ સાથે શૅર કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે મે મહિનામાં અવકાશમાં એક મોટો અવરોધ ઊભો થયો હતો.

મૈક્કલમે ચીન સાથે જોડાયેલા અનેક દાખલા આપ્યા હતા. જેમાં એક બ્રિટિશ ઍવિએશન ઍક્સપર્ટનો ઑનલાઇન સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમને ખૂબ જ સારી નોકરીની ઑફર આપવામાં આવી હતી, તેઓ બે વખત ચીન ગયા હતા, જ્યાં તેમની અસામાન્ય આગતાસ્વાગતા કરવામાં આવી હતી.

તેમના પાસેથી સૈન્ય વિમાન વિશે માહિતી માગવામાં આવી હતી. જે કંપનીએ આ માહિતી માગી હતી, તેના કર્મચારીઓ વાસ્તવમાં ચીનના ગુપ્તચર વિભાગના અધિકારીઓ હતા.

સ્મિથ હાર્લો નામની એન્જિનિયરિંગ કંપનીનો ચીનની કંપની દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો. સોદ્દો રદ્દ થયો તે પહેલાં કંપનીની ટેકનૉલૉજી ટ્રાન્સફર થઈ ગઈ હતી, જેના કારણે તે ફડચામાં ગઈ હતી. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સંસદને ક્રિસ્ટિન લીની પ્રવૃત્તિઓ અંગે ચેતવણી આપવામાં આવી હોવાનું પણ મૈક્કલમે ઉમેર્યું હતું.

ચીનનો હસ્તક્ષેપ

એમઆઈ-5એ જણાવ્યું હતું કે ક્રિસ્ટિન લી નામની કંપની બ્રિટનના રાજકારણમાં દખલ દઈ રહી હતી.

મૈક્કલમે જણાવ્યું હતું કે આ પ્રકારના ઑપરેશન દ્વારા ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનું સમર્થન કરતા હોય તેવા લોકોને બ્રિટનના રાજકારણમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. જે લોકો ચીનના મુદ્દે અવાજ ઉઠાવે છે, તેમને ચૂપ કરાવવાના પ્રયાસ થાય છે.

એમઆઈ-5ના વડાએ કહ્યું હતું કે આ બધી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.

એફબીઆઈના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ચીનની સરકારે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ન્યૂ યૉર્ક કૉંગ્રેસની ચૂંટણીમાં દેખીતી દખલ દીધી હતી. ચીનની ટીકા કરતા ઉમેદવારની પસંદગી ન થાય તેવા પ્રયાસ ચીન દ્વારા કરવામાં આવ્યા હતા. તે તિયાનમૅન સ્કૅવર ખાતે આયોજિત પ્રદર્શનમાં સામેલ થયા હતા.

એફબીઆઈના વડાએ જણાવ્યું હતું કે તેઓ ખાનગી તપાસકર્તાઓ દ્વારા માહિતી મેળવે છે. ક્રિસ્ટૉફરના કહેવા પ્રમાણે, ચીનને આશંકા છે કે ભવિષ્યમાં તેની ઉપર પણ રશિયાની જેમ પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. આથી, તેનાથી બચવા માટે પ્રયાસરત છે.

તેમણે જણાવ્યું હતું કે જો ચીન દ્વારા તાઇવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તો તે યુક્રેન ઉપર રશિયાના હુમલા કરતાં પણ ભયાનક હશે. તેના કારણે પશ્ચિમી દેશોએ ચીનમાં જે રોકાણ કર્યું છે, તેના ઉપર સંકટ ઊભું થશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ જશે.

બંને દેશોની એજન્સીઓના વડાએ કહ્યું કે યુક્રેન ઉપર રશિયાના હુમલામાંથી ચીન પદાર્થપાઠ લઈ રહ્યું છે. એફબીઆઈના ડાયરેક્ટરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, "તાઇવાનમાં ચીનની રુચિ ઘટી હોય તેમ માનવાને કોઈ કારણ નથી."

એમઆઈ-5ના વડાના કહેવા પ્રમાણે, નવા કાયદાને કારણે મદદ મળશે, પરંતુ બ્રિટને અન્યોને પણ આ જોખમોથી વાકેફ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે વિઝાપ્રક્રિયામાં સુધાર કરવાની જરૂર છે.

કૅને દાવો કર્યો હતો કે ચીનમાં અભ્યાસ કરતા 50 કરતાં વધુ વિદ્યાર્થી ચીનની સેના સાથે જોડાયેલા છે.એફબીઆઈના વડાએ જણાવ્યું હતું કે, "ચીન લાંબા સમયથી બધાની બીજી ક્રમાંકની પ્રાથમિકતા રહ્યું છે, પરંતુ વાસ્તવમાં એવું નથી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો