રશિયા-યુક્રેન સંઘર્ષમાં 17મા દિવસે બંને દેશોના એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપનો સિલસિલો જારી રહ્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આજનો દિવસ પણ ભયાવહ રહ્યો. સવારથી ઍર સાયરનના અવાજોથી લઈને રશિયાના જૈવિક હથિયારો બનાવવાના દાવા સુધી આજે ઘણીબધી ઘટનાઓ ઘટી.

શનિવારે સવારથી યુક્રેનની રાજધાની કિએવ સહિત ઘણાં શહેરોમાં હુમલાના સાયરનો સાંભળવા મળ્યા.

યુક્રેને વધુ એક વખત રશિયા પર આરોપ લગાવ્યો કે તેઓ દક્ષિણી શહેર મારિયુપોલમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર નીકળવા દેતા નથી.

યુક્રેનની સરકારનું કહેવું છે કે મારિયુપોલમાં સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. અહીં અત્યાર સુધી 1,500થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને જે લોકો બચી ગયા છે તેમની પાસે ન તો ખાવાનું છે, ન તો પાણી. સાથે જ તેમની સામે કડકડતી ઠંડીમાં વીજળી વગર રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.

જ્યારે શનિવારે યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે દેશના ઉત્તરપૂર્વમાં આવેલા શહેર સુમીમાં લોકોને બહાર કાઢવા માટે અને માનવીય કૉરિડૉર બનાવવાને લઈને સહમતિ થઈ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ એક વીડિયો જારી કરીને રશિયાની માતાઓને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને યુદ્ધમાં ન મોકલે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે તેઓ યુક્રેનમાં રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લેવા માટે પોતાના સૈનિકો નહીં મોકલે. જોકે, તેમણે કહ્યું કે રશિયાના અમીરો પર પ્રતિબંધો વધારવામાં આવશે.

રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુક્રેનમાં જૈવિક હથિયારોની અમેરિકાની ગતિવિધિઓ હોવાનો દાવો કર્યો. જોકે, રશિયાએ આ અંગે કોઈ પુરાવા આપ્યા ન હતા.

EPFOના વ્યાજદરમાં ઘટાડો, કૉંગ્રેસે કહ્યું, "ભાજપની જીત પર લોકોને રિટર્ન ગિફ્ટ"

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ ઈપીએફ જમા પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણયને લઇને કૉંગ્રેસે ભાજપ પર કટાક્ષ કર્યો છે. કૉંગ્રેસનું કહેવું છે કે તાજેતરની ચૂંટણીમાં જીત બાદ આ ભાજપની તરફથી લોકોને "રિટર્ન ગિફ્ટ" છે.

કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટમાં લખ્યું છે કે દેશના 84 ટકા લોકોની આવક ઘટી ચૂકી છે. શું ચૂંટણીની જીતના આધાર પર કરોડો કર્મચારીઓની બચત પર હુમલો કરવો યોગ્ય છે? EPFOએ પીએફ જમા પર મળનાર વ્યાજદરોમાં ઘટાડો કરીને તેને સૌથી નીચલા સ્તર પર પહોંચાડી દીધો છે. શું આ ભાજપની જીતનું "રિટર્ન ગિફ્ટ" છે?

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે શનિવારે ઈપીએફઓ પર નિર્ણય લેનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક યોજાઈ, જેમાં 2021-22 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.1 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

2020-21માં આ દર 8.5 ટકા હતો. આ પહેલાં ઈપીએફ પર સૌથી ઓછો વ્યાજદર 1977-78માં હતો.

પૂર્વ લદાખમાં ઘર્ષણ ઘટાડવા માટે ભારત-ચીન વચ્ચે યોજાઈ બેઠક

પૂર્વ લદાખની કેટલીક જગ્યાઓ પર ચાલી રહેલા ઘર્ષણને ઘટાડવા માટે ફરી એક વખત ભારત અને ચીન વચ્ચે વાતચીત યોજાઈ છે. 11 માર્ચે ભારત-ચીન વચ્ચે કૉર્પ કમાન્ડર લેવલની 15મા રાઉન્ડની બેઠક ચુશુલ-મોલ્દો બૉર્ડર પૉઇન્ટ પર યોજાઈ.

આ પહેલાં 12 જાન્યુઆરીએ 14મા રાઉન્ડની વાતચીત થઈ હતી. જે દરમિયાન પશ્ચિમના ક્ષેત્રમાં એલએસી સાથે જોડાયેલા મુદ્દાના સમાધાન માટે વાતચીત થઈ હતી અને તાજેતરની બેઠકમાં તે જ મુદ્દાને આગળ વધારવા ચર્ચા કરવામાં આવી.

બન્ને પક્ષો વચ્ચે બાકીના બચેલા મુદ્દાના જલદીથી જલદી સમાધાન પર વિસ્તૃત વિચારવિમર્શ કરવામાં આવ્યો. બન્ને પક્ષો પશ્ચિમ સૅક્ટરમાં સુરક્ષા અને સ્થિરતાને ટકાવી રાખવા સહમત થયા.

એ વાત પર પણ સહમતિ થઈ કે બન્ને પક્ષોમાં સૈન્ય અને રાજકીય વાટાઘાટો જારી રહેશે. જેથી બાકીના મુદ્દાઓ પર પણ સમાધાન સુધી પહોંચી શકાય

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, વાતચીતમાં હૉટ સ્પ્રિંગ ક્ષેત્રોમાં સૈનિકો હઠાવવાની પ્રક્રિયાને આગળ વધારવા પર જોર આપવામાં આવ્યું. ભારતની તરફથી બેઠકની કમાન લૅફ્ટનન્ટ જનરલ અનિંદ્ય સેનગુપ્તા સંભાળી રહ્યા હતા.

મણિપુરમાં સરકારના ગઠન માટે JDUના છ MLAએ BJPને આપ્યું સમર્થન

મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં JDUના છ ધારાસભ્યોનો વિજય થયો હતો. હવે આ તમામ ધારાસભ્યોએ સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે.

JDUના ધારાસભ્યો તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે, "મણિપુરના લોકોના હિતમાં JDUએ સરકારના ગઠનમાં ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. JDU,BJPને પાર્ટીને મળેલા જનાદેશનું સન્માન કરવાની અપીલ કરે છે."

પાર્ટીએ કહ્યું છે કે ચૂંટાયેલા છ ધારાસભ્યોએ જયકિશન સિંહને પોતાના નેતા ચૂંટ્યા છે.

જણાવી દઈએ કે મણિપુર વિધાનસભાની 60 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપને બહુમત હાંસલ થયો છે અને તેઓ સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે.

ઓડિશા: ધારાસભ્યની ગાડીએ કથિત રીતે ભીડને મારી ટક્કર, 22 લોકો ઈજાગ્રસ્ત

ઓડિશાના ખુર્દ જિલ્લાના બાનાપુરમાં બીજદના નિલંબિત કરાયેલા ધારાસભ્ય પ્રશાંત જગદેવની ગાડીથી કથિત રીતે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પોલીસને ટાંકીને જણાવ્યું કે પ્રશાંત જગદેવની ગાડીથઈ ભીડને ટક્કર મારવાનો આરોપ છે, આ ઘટનામાં સાત પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે બાનાપુર પોલીસમથકના પ્રભારી આર. આર. સાહૂ સહિત બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામને ભુવનેશ્વર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં ચિલ્કાના ધારાસભ્ય પ્રશાંત જગદેવ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને પહેલા ટાંગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા.

જગદેવની ગાડીએ બીડીઓ બાનાપુરની ઑફિસ બહાર જમા થયેલી ભીડને કથિત રીતે ટક્કર મારી દીધી હતી. પ્રશાંત જગદેવને ગયા વર્ષે જ બિજદમાંથી નિલંબિત કરવામાં આવ્યા હતા.

ઝૅલેન્સ્કીનો આરોપ, રશિયા યુદ્ધમાં આતંકી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયા પર યુદ્ધ માટે આતંકી પદ્ધતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે રાજધાની કિએવથી ફેસબુક પર કહ્યું, "રશિયન આક્રમણકારીઓની કાર્યશૈલી આતંકવાદીઓ (ઇસ્લામિક સ્ટેટ) જેવી છે."

ઝૅલેન્સ્કીએ રશિયા પર મેલિતોપોલના મેયરને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું કે શુક્રવારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નીકળી જનારા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

તેમણે કહ્યું, "આમ છતાં 7,144 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા." ઝૅલેન્સ્કીએ ફરી એક વાર યુક્રેનના લોકોને રશિયા સામે મક્કમ રહેવાની અપીલ કરી.

તેમણે રશિયાની માતાઓને પણ અપીલ કરી. તેમણે કહ્યું, "તમારાં બાળકોને બીજા દેશમાં યુદ્ધમાં ન મોકલો. જુઓ કે તમારો દીકરો ક્યાં છે. જો તમને સહેજ પણ એવું લાગે કે તમારા પુત્રને યુક્રેન યુદ્ધમાં મોકલી શકાય એમ છે તો તરત જ કાર્યવાહી કરો."

તેમના સંબોધનના અંતે, તેમણે નરમ પડતા ચીનમાં પેરાલિમ્પિક વિન્ટર ગેમ્સમાં મેડલ જીતવામાં બીજા સ્થાને રહેવા બદલ યુક્રેનને અભિનંદન આપ્યાં.

દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આગ ફાટી નીકળી, સાતનાં મોત

દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે.

આ આગમાં સાત લોકોના મોત થયા છે.

ઉત્તર પૂર્વ દિલ્હીના ઍડિશનલ ડીસીપીએ જણાવ્યું હતું કે, "ગોકુલપુરી પીએસ વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો, જેમણે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. અમે સવારના ચાર વાગ્યે આગને કાબૂમાં લઈ લીધી હતી."

તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 30 ઝૂંપડપટ્ટીઓ બળી ગઈ હતી અને સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ પીડિતોને મળવા માટે ગોકુલપુરી જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં જો અમેરિકા ઝંપલાવશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થશે- બાઇડન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે કહ્યું કે અમેરિકા રશિયા સામે લડવા માટે યુક્રેનમાં તેના સૈનિકો નહીં મોકલે.

તેમણે ટ્વીટ કર્યું, "અમે એક સંયુક્ત અને મજબૂત નેટોની તાકાત સાથે સમગ્ર નેટો પ્રદેશની રક્ષા કરીશું. અમે યુક્રેનમાં રશિયા સામે લડીશું નહીં. નેટો અને રશિયા વચ્ચેની સીધી લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધ જેવી હશે."

બાઇડન વારંવાર કહે છે કે અમેરિકા સીધી લડાઈ માટે તેના સૈનિકો નહીં મોકલે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ વારંવાર નેટો પાસેથી સૈન્ય મદદ માગી છે.

ઝૅલેન્સ્કીએ યુક્રેનને નો-ફ્લાય ઝોન જાહેર કરવાની પણ માગ કરી હતી, પરંતુ નેટોના સભ્ય ન હોવાને નાતે પશ્ચિમી દેશોએ યુક્રેનમાં નેટોના હસ્તક્ષેપનો ઇનકાર કર્યો હતો. તેના બદલે અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધોની પદ્ધતિ અપનાવી છે.

યુક્રેન પર રશિયાના હુમલા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.

અમેરિકાએ રશિયા પાસેથી તેલની આયાત પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

શુક્રવારે બાઇડને રશિયન વાઇન, સીફૂડ અને હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ રશિયાના મોટા ઉદ્યોગપતિઓ પર પણ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો