You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંકટ : યુદ્ધના 11મા દિવસે શું-શું થયું?
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા દસ દિવસથી અવિરત ચાલી રહેલ યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ રહ્યું હતું.
બંને દેશો દ્વારા એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરી ગોળીબાર કર્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
તેમજ સમગ્ર વિશ્વના નેતાઓ દ્વારા આ મામલે વિવિધ નિવેદનો આવવાનો સિલસિલો પણ જળવાયો હતો.
યુક્રેનમાંથી સ્થળાંતરિત થયેલા લોકોની સંખ્યા વધુ થઈ હતી.
આ સિવાય 11મા દિવસે શું-શું થયું, જાણવા માટે વાંચો આ અહેવાલ.
ઝૅલેન્સ્કીની યુએસ સંસદ પાસે હથિયારો આપવાની માગ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુએસ સંસદના લગભગ 300 સભ્યોને ફરીથી યુક્રેનને નો-ફ્લાય ઝોન ઘોષિત કરવા વિનંતી કરી છે.
તેમણે વીડિયો લિંક દ્વારા સંસદના સભ્યોને સંબોધિત કર્યા હતા.
સાથે જ ઝૅલેન્સ્કીએ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી હતી અને રશિયાને માત આપવા રશિયાનિર્મિત ફાઇટર જેટ આપવા વિનંતી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે યુક્રેનિયન પાઇલટ જાણે છે કે આ વિમાનોને કેવી રીતે ચલાવવું. જવાબમાં સેનેટના નેતા ચક શૂમરે કહ્યું કે તેઓ પૂર્વ યુરોપમાંથી તેને મોકલવા માટે બાઇડન વહીવટીતંત્રને મદદ કરશે.
ઝૅલેન્સ્કીએ સંસદનું ધ્યાન વધારાની લશ્કરી સહાય અને માનવતાવાદી સહાયની જરૂરિયાત તરફ પણ દોર્યું. પરંતુ, યુએસ સેનેટે તેમની બે વિનંતીઓ ફગાવી દીધી હતી.
પ્રથમ નો-ફ્લાય ઝોન માટેની તેમની માગને નકારી કાઢવામાં આવી હતી, કારણ કે તે નેટોના સભ્ય દેશો માટે રશિયા સાથે સીધી લડાઈમાં સામેલ થવાની શક્યતા ઊભી કરી શકે છે.
બીજું, રશિયા પાસેથી તેલ ખરીદવા પરના પ્રતિબંધ પર વધારે કંઈ કરવામાં આવ્યું ન હતું, કારણ કે તેનાથી તેલના ભાવમાં વધારો થવાનો ખતરો હતો.
ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી - ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો
તો ગઈ કાલે ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે.
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારની સાંજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા, એ પડકારભર્યું છે, કારણ કે ત્યાં હિંસા ચાલુ છે અને પરિવહનની પણ કમી છે, સૌથી સારો વિકલ્પ સંઘર્ષવિરામ જ હોઈ શકે છે.
તેમણે જણાવ્યું કે હવે ભારત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે યુક્રેનમાં હજુ કેટલા ભારતીયો બાકી છે, દૂતાવાસ એ લોકો સાથે સંપર્ક કરશે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.
મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં 13,300 લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
પાછલા 24 કલાક દરમિયાન 15 ઉડાણ થકી 2,900 લોકો ભારત પાછા ફર્યા અને આવનારા 24 કલાકમાં 13 ઉડાણ ભરશે.
આઈએમએફની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર 'ગંભીર અસર'ની ચેતવણી
ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે શનિવારે યુક્રેનમાં યુદ્ધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર "ગંભીર અસર" પડવાની ચેતવણી આપી હતી.
આઈએમએફ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે "જ્યારે પરિસ્થિતિ નાજુક અને ભારે અનિશ્ચિતતાભરી રહે છે, ત્યારે આર્થિક પરિણામો ખૂબ ગંભીર આવે છે. જો યુદ્ધ લંબાશે તો આર્થિક નુકસાન વધુ વિનાશક હશે."
ઍનર્જી અને કૉમૉડિટીના ભાવમાં ઉછાળો આવ્યો છે જેના પગલે વર્તમાન ફુગાવામાં ઉમેરો થયો છે. રશિયા સામે હાલમાં લાદવામાં આવેલા વ્યાપક પ્રતિબંધોના પણ વ્યાપક પરિણામો આવશે.
આઈએમએફએ જણાવ્યું હતું કે શરણાર્થીઓના પ્રવાહને કારણે તણાવની ટોચ પર અછત અને પુરવઠામાં વિક્ષેપના જોખમ સાથે વિશેષ કરીને યુક્રેન અને રશિયા સાથે ગાઢ આર્થિક સંબંધો ધરાવતા દેશોને ભારે ફટકો પડશે.
આઈએમએફના એક્ઝિક્યુટિવ બોર્ડની શુક્રવારે બેઠક મળી હતી અને તેમાં યુદ્ધની આર્થિક અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુક્રેનની આપાતકાલીન ધિરાણની 1.4 અબજ ડૉલરની માગનું મૂલ્યાંકન કરવા બોર્ડ આગામી સપ્તાહે ફરી મળશે.
યુક્રેનને ફંડ આપવા રાષ્ટ્રપતિ બાઇડને કૉંગ્રેસ સમક્ષ માગ મૂકી
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે યુક્રેનને વધુ ફંડ આપવા માટે તેમનું પ્રશાસન કૉંગ્રેસ સાથે મળીને કામ કરી રહ્યું છે.
રાષ્ટ્રપતિ બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી સાથે શનિવારે ફોન પર થયેલી વાતચીતમાં આ વાત કહી હતી.
તેમણે યુક્રેનને અમેરિકાના સમર્થનની વાત ફરી વખત મૂકી અને દેશના લોકો અને સેનાની હિમ્મતનાં વખાણ કર્યાં.
વ્હાઇટ હાઉસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીની યુક્રેનને 'નો-ફ્લાય ઝોન' બનાવવાની માગનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
અમેરિકા અને અન્ય નેટો સદસ્યોએ યુક્રેનની આ માગને માનવાથી ઇનકાર કરી દીધો છે. તેમને આશંકા છે કે 'નો-ફ્લાય ઝોન' બનાવવામાં આવે તો યુદ્ધ વધી શકે છે. નેટો સદસ્યો પણ તેમાં સપડાઈ શકે છે.
આ સિવાય પશ્ચિમી દેશોએ રશિયા અને તેના કેટલાક મોટા વેપારીઓ પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. પશ્ચિમી દેશ યુક્રેનને સૈન્ય, મેડિકલ અને માનવીય મદદ પહોંચાડી રહ્યા છે.
રશિયા-યુક્રેન સંકટ: પુતિનને રોકવા માટે બ્રિટને બનાવી આ યોજના
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે યુક્રેન પર રશિયાના ભયાનક આક્રમણને રોકવા માટે દુનિયાના નેતાઓએ એક નવી રીતે પ્રયત્ન કરવો જોઈએ.
ન્યૂયૉર્ક ટાઇમ્સ માટેના એક લેખમાં વડા પ્રધાન જૉનસને લખ્યું છે કે, "ભવિષ્યના ઇતિહાસકારો નહીં પરંતુ યુક્રેનના લોકો આપણો નિર્ણય કરશે."
ડા પ્રધાન જૉનસને એક છ સૂત્રીય યોજના જણાવી છે. તેમનું કહેવું છે કે તેનાથી પુતિનને રોકી શકાશે
•વિશ્વના નેતાઓએ યુક્રેન માટે "આંતરરાષ્ટ્રીય માનવીય સંગઠન" બનાવવું જોઈએ
•દુનિયાના નેતાઓએ આત્મરક્ષા માટે યુક્રેનના પ્રયાસોમાં પણ મદદ કરવી જોઈએ
•રશિયા પર આર્થિક દબાણ વધારવામાં આવે
•આંતરરાષ્ટ્રીય સમુદાયે રશિયાને યુક્રેનમાં તેમના કૃત્યોનું "સામાન્યીકરણ" કરતા અટકાવવું જોઈએ
•યુદ્ધને રોકવા માટે કૂટનીતિનો રસ્તો અપનાવવો જોઈએ, પરંતુ ત્યારે જ જ્યારે તેમાં યુક્રેનની સરકારની સંપૂર્ણ ભાગીદારી હોય
•નેટો દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે મોટા સ્તર પર પ્રયત્ન કરવા જોઈએ
વડા પ્રધાન જૉનસન સોમવારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો અને ડચ પી એમ માર્ક રૂટ સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠક દરમિયાન પોતાનો સંદેશ પણ આપી શકે છે.
મંગળવારે વડા પ્રધાન જૉનસન મધ્ય યુરોપના દેશોના સમૂહ વી4ના નેતાઓની મેજબાની કરશે. જેમાં ચેક ગણરાજ્ય, હંગેરી, પોલૅન્ડ અને સ્લોવાકિયા શામેલ છે.
યુક્રેન સંકટ ભારત માટે રશિયા સાથે સંબંધ વધારવાની તક, રશિયન રાજદૂત
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલિપોવે કહ્યું કે યુક્રેનમાં હાલના સંકટની અસર ભારત-રશિયાના સંબંધો સહિત સમગ્ર વિશ્વ પર પડશે.
તેમણે કહ્યું કે આ પ્રભાવ કેટલો હશે, અત્યારે તેની કલ્પના કરી શકાય તેમ નથી.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, શનિવારે ડેનિસ એલિપોવે એમ પણ કહ્યું કે રશિયાના પશ્ચિમી સહયોગી દેશોએ તેમને સહયોગ કરવાની ના પાડી દીધી છે. એવામાં ભારત ઇચ્છે તો આ સ્થિતિનો ફાયદો ઊઠાવી શકે છે અને રશિયા સાથે પોતાના આર્થિક સંબંધો મજબૂત કરી શકે છે.
રશિયાના રાજદૂતે કહ્યું કે હાલની સ્થિતિએ ભારતીય કંપનીઓને રશિયામાં વિસ્તરણનો અવસર આપ્યો છે અને આ જ સમય છે જ્યારે ભારતે રશિયા સાથે પોતાના આર્થિક સહયોગ પર ગંભીર વિચારણા કરવી જોઈએ.
તેમણે કહ્યું, "ભારતીયો માટે આ સારી તક છે. પશ્ચિમી દેશોએ રસિયાને સહયોગ આપવાની ના પાડી દીધી છે. એવામાં ભારત રશિયન બજારમાં પોતાનું પ્રભુત્વ વધારી શકે છે. ભારતીય બિઝનેસ માટે આ સારી તક છે."
ભારતમાં રશિયન દૂતાવાસે પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી એક વીડિયો જારી કર્યો છે. જેમાં ડેનિસ એલિપોવનું આ નિવેદન સામેલ છે.
વીડિયોમાં ડેનિસ એલિપોવ કહી રહ્યા છે, "આ સંકટની અસર સમગ્ર વિશ્વ પર પડશે. આ અસર કેટલી ગંભીર હશે, હાલમાં તે કોઈ ન કહી શકે."
ભારત અને રશિયાના સંબંધો પર તેમણે કહ્યું કે બન્ને દેશોના સંબંધો એકબીજાના હિત સાથે જોડાયેલા છે અને તેનું રણનૈતિક મહત્ત્વ છે.
પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ અંગે તેમણે કહ્યું કે આર્થિક લેવડદેવડ પર તેની થોડીક અસર પડી શકે છે.
તેમણે કહ્યું, "પૈસાની લેવડદેવડની સુવિધા માટે બન્ને વચ્ચે રાષ્ટ્રીય મુદ્રામાં લેવડદેવડનું દ્વિપક્ષીય મૅકેનિઝમ છે, જેનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રશ્ન માત્ર એ છે કે તેનો મોટા પાયે ઉપયોગ કઈ રીતે કરી શકાય."
તેમણે એમ પણ કહ્યું કે તેના ઉપયોગથી રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી ચોક્કસ રાહત મળશે.
મારિયુપોલમાં નવા સંઘર્ષવિરામની જાહેરાત
દક્ષિણ યુક્રેનમાં આવેલા બંદર શહેર મારિયુપોલમાં અસ્થાયી સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી છે.
સિટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે, યુક્રેનના સ્થાનિક સમય અનુસાર સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી આ સંઘર્ષવિરામ ચાલુ રહેશે.
આ સમય દરમિયાન નાગરિકોને સલામત રીતે શહેર બહાર સ્થળાંતરિત કરવામાં આવશે. આ કામગીરી યુક્રેનના સ્થાનિક સમયાનુસાર બપોરે 12 વાગ્યે શરૂ કરાશે.
સામાન્ય નાગરિકોને નિયત કરેલા રસ્તા પરથી શહેર છોડવાની અનુમતિ રહેશે.
લોકો ખાનગી વાહનો દ્વારા પણ શહેર છોડીને જઈ શકશે પરંતુ તેમને બસોની પાછળ રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે કારની તમામ સીટો ભરાયેલી હોવી જોઈએ.
શનિવારે પણ આ જ રીતે અસ્થાયી સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેની જાહેરાતની ગણતરીની મીનિટોમાં જ તેનું ઉલ્લંઘન કરાયા હોવાના આરોપો સાથે તેને રદ કરવામાં આવ્યો હતો.
ઝૅલેન્સ્કીની અપીલ બાદ ઇઝરાયલના વડા પ્રધાને કરી પુતિન સાથે મુલાકાત
યુક્રેન-રશિયા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના વડા પ્રધાન નફતાલી બેનેટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. તેઓ શનિવારે રશિયાની રાજધાનીમાં પહોંચ્યા હતા.
આ બેઠકનું મહત્ત્વ એ વાતથી આંકી શકાય છે કે ઇઝરાયલી વડા પ્રધાને આ મુલાકાત માટે શબાતને (યહૂદીઓ અનુસાર આરામનો દિવસ) તોડ્યો હતો. યહૂદી કાયદા અંતર્ગત માત્ર જીવને જોખમ હોય ત્યારે જ તેને તોડી શકાય છે.
બેનેટની આ બેઠક અંગે વધારે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે બન્ને નેતાઓ વચ્ચે લગભગ સાડા ત્રણ કલાક વાત ચાલી હતી.
બેનેટ અને પુતિન આ પહેલાં પણ અનેક વખત મુલાકાત કરી ચૂક્યા છે અને બન્ને દેશો વચ્ચે સારા સંબંધો જણાય છે. ઇઝરાયલ ભલે અમેરિકાનું મહત્ત્વપૂર્ણ સહયોગી હોય, પરંતુ વડા પ્રધાન બેનેટના રશિયા સાથે પણ સારા સંબંધ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી જે ખુદ યહૂદી છે, તેમણે ઇઝરાયલના વડા પ્રધાનને આ મામલે મધ્યસ્થતા કરવા અપીલ કરી હતી.
આ મુલાકાતમાં વડા પ્રધાન બેનેટ સાથે હાઉસિંગ મંત્રી ઝીવ એલકિન પણ હતા. જેઓ લાંબા સમયથી ઇઝરાયલી નેતાઓ સાથે રશિયન ભાષાના અનુવાદકનું કામ પણ કરી ચૂક્યા છે. તેઓ યુક્રેનના શહેર ખારકિએવમાં જન્મ્યા હતા અને હાલમાં પણ યુક્રેનમાં તેમના સંબંધીઓ રહે છે.
આ બેઠક બાદ નફતાલી બેનેટ જર્મનીની યાત્રા પર ગયા હતા. જ્યાં તેઓ ઓલાફ સ્કોલ્ઝને મળવાના હતા.
યુક્રેન છોડીને જનારા લોકોનો આંકડો 15 લાખને પાર
યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યાર બાદથી અત્યાર સુધી દેશ છોડીને ચાલ્યા જનારા લોકોનો આંકડો 15 લાખને પાર પહોંચ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીના ઉચ્ચાયુક્ત ફિલિપો ગ્રાંડી અનુસાર, છેલ્લા 10 દિવસમાં 15 લાખથી વધારે લોકો સીમા પાર કરીને પાડોશી રાષ્ટ્રોમાં પહોંચ્યા છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ અત્યારે યુરોપમાં શરણાર્થીઓનો આંકડો ઝડપથી વધ્યો છે.
અમે રશિયા સાથે જંગ ટાળવા માગીએ છીએ : બ્રિટિશ સૈન્ય પ્રમુખ
બ્રિટનના ચીફ ઑફ ડિફૅન્સ સ્ટાફ ઍડમિરલ સર ટોની રૅડેકિને કહ્યું કે, રશિયાની ધમકીઓને લઈને બ્રિટન અને તેમના સહયોગીઓ ઘણા સતર્ક છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અમારે શાંતિ જાળવી રાખવી છે. જેથી અમે રાષ્ટ્રપતિ પુતિનની વિચિત્ર અને હાસ્યાસ્પદ ટિપ્પણીઓ પર ઉતાવળે પ્રતિક્રિયા આપતા નથી.
તેમણે કહ્યું, "અમે તૈયાર છીએ. રાષ્ટ્રપતિ પુતિનનો સામનો કરવાની અમારી ક્ષમતા ચોક્કસ છે."
બીબીસી સાથેની વાતચીતમાં ઍડમિરલ સર ટોની રૅડેકિને કહ્યું કે યુક્રેનના લોકો જે રીતે ભયાવહ હાલતનો સામનો કરી રહ્યા છે, એવામાં નેટો અને રશિયા વચ્ચે યુદ્ધ એ છેલ્લી વસ્તુ હશે, જે અમે ઇચ્છીએ છીએ.
તેમણે કહ્યું કે રશિયાના સેનાપ્રમુખ સાથે વાતચીત માટે તેમનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
યુક્રેનમાં ભારતે એ કરીને બતાવ્યું, જે મોટા-મોટા દેશો ન કરી શક્યા - નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુક્રેન સંકટના સમયે ભારતે હાથ ધરેલું ઑપરેશન ગંગા ભારતના વધી રહેલા પ્રભાવનો પુરાવો છે, ભારત પોતાના નાગરિકોને યુદ્ધક્ષેત્રમાંથી બહાર કાઢી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત સિમ્બૉયસિસ યુનિવર્સિટીની સુવર્ણજયંતીના સમારોહમાં પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં મિશન ગંગાનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "દુનિયાના મોટા-મોટા દેશોને આ કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો