You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ આફ્રિકાએ કૅપ ટાઉન ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવ્યું, સિરીઝ પર કબજો - BBC TOP NEWS
દક્ષિણ આફ્રિકાએ કૅપ ટાઉનમાં રમાઈ રહેલી ટેસ્ટમેચ જીતી લીધી છે.
આફ્રિકન ટીમે ભારતને સાત વિકેટથી હરાવ્યું છે. આ સાથે જ યજમાન ટીમે ભારત વિરુદ્ધની ત્રણ મૅચોની સિરીઝ 2-1થી જીતી લીધી છે.
ભારતે પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો અને એ બાદ દક્ષિણ આફ્રિકાએ સતત બે ટેસ્ટમેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી.
કૅપ ટાઉનમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેને આફ્રિકન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
બીજી ઇનિંગ્ઝમાં કિગન પીટરસને દક્ષિણ આફ્રિકા માટે 82 રન બનાવ્યા. ભારતે પ્રથમ ઇનિંગ્ઝમાં 223 અને બીજી ઇનિંગ્ઝમાં 198 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકન ટીમે પ્રથમ ઇનિંગ્ઝમાં 210 રન જ બનાવ્યા હતા. જોકે, બૉલરોની મદદથી યજમાન ટીમે ભારતને સસ્તામાં આઉટ કરીને મૅચમાં વાપસી કરી હતી.
બાદમાં બૅટ્સમૅનોએ સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
જાણીતા પત્રકાર કમાલ ખાનનું હૃદયરોગના હુમલાથી નિધન
રામનાથ ગોએન્કાથી લઈને ગણેશ શંકર વિદ્યાર્થી સન્માન મેળવનારા વરિષ્ઠ પત્રકાર કમાલ ખાનનું લખનૌમાં શુક્રવારે સવારે હાર્ટઍટેકથી નિધન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીવી ન્યૂઝની દુનિયામાં લાંબા સમયથી કામ કરતા કમાલ ખાન પોતાની ધારદાર રિપોર્ટિંગ અને ઉત્તમ ટીવી રિપોર્ટ્સ માટે જાણીતા હતા.
લગભગ 30 વર્ષના અનુભવી કમાલ ખાન છેલ્લા ઘણા સમયથી લખનૌમાં રહીને એનડીટીવી માટે રિપોર્ટિંગ કરતા હતા.
કમાલ ખાનના નિધન પર અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
એનડીટીવીના વરિષ્ઠ પત્રકાર રવીશકુમારે કહ્યું કે તેઓ કમાલ ખાનના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં છે.
તેમણે કહ્યું, "ન માત્ર તેમના સહયોગીઓ, બલકે ટીવી ન્યૂઝના કરોડો દર્શકો માટે આ બહુ દુખદ અને અફસોસજનક સમાચાર છે. માન્યામાં નથી આવતું કે કમાલ ખાન હવે અમારી વચ્ચે રહ્યા નથી. તેમના અંગે ઘણી વાતો કહી શકાય, પણ આ સમયે એવો આઘાત લાગ્યો છે કે ન કંઈ યાદ આવે છે, ન તો કંઈ સમજમાં આવે છે કે તેમના અંગે શું કહેવું."
"દરેક પાસે એક અલગઅલગ કમાલ ખાન છે."
યુકેની સંસદમાં 'ચીની એજન્ટની હાજરી', સુરક્ષા એજન્સીની ચેતવણી
બ્રિટિશ સુરક્ષા એજન્સી MI5એ ચેતવણી જારી કરી છે કે એક કથિત ચીની એજન્ટે બ્રિટિશ રાજકારણમાં હસ્તક્ષેપ કરવા સંસદમાં ઘૂસણખોરી કરી છે.
MI5ની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ક્રિસ્ટિન ચિંગ કુઇ લીએ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (સીસીપી) માટે વર્તમાન અને ભાવિ ધારાસભ્યો સાથે "સંપર્કો" સ્થાપિત કર્યા હતા.
ત્યારબાદ તેમણે રાજનેતાઓને અનુદાન આપ્યું, જે રકમ ચીન અને હૉંગકૉંગથી આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર MI5ની લાંબી અને મહત્ત્વપૂર્ણ તપાસ બાદ આ વાત સામે આવી છે.
ક્રિસ્ટિન ચિંગ કુઇ લીએ લેબર પાર્ટીના બેરી ગાર્ડનરને ફંડ આપ્યું હતું. બેરી ગાર્ડનરને પાંચ વર્ષમાં 4,20,000 પાઉન્ડ (લગભગ 4.25 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા હતા.
જોકે તેમનું કહેવું છે કે તેમણે હંમેશાં સુરક્ષા એજન્સીને આ અનુદાનો વિશે જાણ કરી હતી.
તો ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, બેરી ગાર્ડનરને ભારત દ્વારા 2020માં પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
આ ઉપરાંત લિબરલ ડેમૉક્રેટ નેતા સર એડ ડેવીને પાંચ હજાર પાઉન્ડનું દાન આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે કહ્યું કે પૈસા તેમની સ્થાનિક સંસ્થાએ સ્વીકાર્યા હતા અને તે પણ તેના વિશે ચિંતિત હતા.
તો ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે "કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના" દ્વારા આ પ્રકારના "રાજકીય હસ્તક્ષેપ અને સાંસદોને નિશાન બનાવવા અત્યંત ચિંતાજનક" છે.
ગુવાહાટી-બીકાનેર ટ્રેન પાટા પરથી ખડી, 9નાં મોત
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં નવ લોકોનાં મોત થયાં છે.
રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે સાંજે 5 વાગ્યે થયો હતો. ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.
કેન્દ્રીયમંત્રી જોન બાલરાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં નવ લોકોનાં મોત થયા છે. જ્યારે 36 લોકો ઘાયલ થયા છે જેમને અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોન બાલરાએ જણાવ્યું કે બચાવકાર્ય પૂરું થઈ ગયું છે. મુસાફરોને વિશેષ ટ્રેન દ્વારા ગુવાહાટી મોકલવામાં આવ્યા છે.
એક પ્રવાસીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે આંચકા સાથે અનેક બોગી પાટા પરથી ઊતરી ગઈ અને લોકો ઘાયલ થયા.
રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રેલવેએ હૅલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. હૅલ્પલાઇન નંબર 03612731622 અને 03612731623 છે.
સાબરમતી પ્રદૂષણ- હાઈકોર્ટે આગામી સુનાવણી પહેલાં પ્લાન્ટની સ્થિતિનો અહેવાલ માગ્યો
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાત હાઈકોર્ટે 21 જાન્યુઆરીની આગામી સુનાવણી પહેલા ઇટીએફ (એફ્લૂઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ) અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી)ની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટના 7મી જાન્યુઆરીના આદેશ જાહેર થતા તેમાં કોર્ટે ચાર મુખ્ય નિર્દેશો જારી કર્યા છે.
કોર્ટની કાર્યવાહીમાં પ્રદૂષણનાં ધોરણોનું પાલન ન કરવાને કારણે બંધ કરવામાં આવેલા એકમોએ રાહત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેના અનુસંધાને કોર્ટે આદેશ આપ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોર્ટના નિર્દેશથી બનાવવામાં આવેલા સંયુક્ત ટાસ્ક ફોર્સ સાથે મળીને ટેક્સટાઇલ ઉદ્યોગોના તમામ ઈટીએફની તપાસ હાથ ધરે.
કોર્ટે આગામી સુનાવણીની તારીખ પહેલા ઈટીએફની સ્થિતિ અંગેનો અહેવાલ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે એએમસીને ગટરમાં ગેરકાયદેસર ઔદ્યોગિક જોડાણો શોધવાની તેની ઝુંબેશ ચાલુ રાખવા અને તેમનો વીજપુરવઠો કાપવાનો નિર્દેશ આપ્યો હતો.
વધુમાં, કોર્ટે એએમસીને નિર્દેશ આપ્યા છે કે આઈઆઈટી ગાંધીનગર પાસે તમામ 14 એસટીપીની તપાસ વહેલામાં વહેલી તકે કરાવવી.
યુએસની સુપ્રીમ કોર્ટે સરકારના મોટી કંપનીઓમાં ફરજિયાત રસીકરણના આદેશને ફગાવ્યો
યુએસના જો બાઇડન પ્રશાસને મોટી કંપનીઓના કર્મચારીઓને ફરજિયાત રસી, માસ્ક અને અઠવાડિયે એક વાર ટેસ્ટિંગનો આદેશ કર્યો હતો, જેને દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો એમ કહીને ફગાવી દીધો છે કે આ આદેશ બાઇડન સરકારની અધિકારક્ષેત્ર બહારનો છે.
એક અલગ ચુકાદામાં એમ કહેવાયુ છે કે સરકાર સંચાલિત હેલ્થકૅર સુવિધાઓના સ્ટાફ માટે ફરજિયાત રસીકરણનો આદેશ આપી શકાય છે.
વહીવટીતંત્રે કહ્યું કે આદેશો રોગચાળા સામે લડવામાં મદદ કરશે.
રાષ્ટ્રપતિ બાઇડનનું અપ્રૂવલ રેટિંગ ઘટી રહ્યું છે અને તેમણે કોર્ટના "કર્મચારીઓ માટે જીવનરક્ષક આવશ્યકતાઓને અવરોધિત કરવાના" નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું કે રસીકરણના આદેશથી "અર્થતંત્રનો વધુ સત્યાનાશ થશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો