You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદી માહોલ, આ વર્ષે માવઠાં કેમ વધારે થયાં?
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જોકે, હજી પણ રાજ્યના ઘણા વિસ્તારો પર માવઠાનો ખતરો ટળ્યો નથી.
કમોસમી વરસાદને કારણે લાખો ખેડૂતો ચિંતામાં છે અને ખેતરમાં ઊભેલા શિયાળુ પાકમાં ભારે નુકસાન જવાની સંભવાના છે.
ખેડૂતોને ચિંતા છે કે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે? કયાકયા વિસ્તારો પર હજી કમોસમી વરસાદનો ખતરો છે?
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી કમોસમી વરસાદ?
ગુજરાતમાં સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં વરસાદ પડતો નથી પરંતુ આ વર્ષે રાજ્યમાં ચોમાસું પૂર્ણ થઈ ગયા બાદ પણ માવઠાં થયાં છે.
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ રાજ્યના ઘણા વિસ્તારો પર હજી પણ કમોસમી વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.
7 જાન્યુઆરીના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ધીમી પડવાની સંભાવના છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હજી પણ વરસાદ પડવાની સંભાવના છે.
જોકે, 8 જાન્યુઆરીથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઘટી જવાની શક્યતા છે. અને માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડો કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવાર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી સ્વચ્છ આકાશ જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે.
ક્યાં વરસાદની આગાહી કરાઈ?
રાજ્યમાં વરસાદનું જોર હવે ઘટવા લાગશે પરંતુ હજી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ચાલુ રહેશે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અરવલ્લી, સુરત, ભરૂચ, નર્મદા, દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 7 જાન્યુઆરીના રોજ વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હજી વરસાદ પડી શકે છે.
8 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ બંધ થવાની સંભાવના છે, જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભવાના છે.
ઘણા વિસ્તારોમાં હાલ ચણા, રાયડો, જીરું, વરિયાળી, ઘઉં, સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના છે. જે જોતાં ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે નુકસાનીનો સરવે કરવાનો આદેશ આપી દીધો છે.
ગુજરાતમાં આ વર્ષે કેમ માવઠાં વધારે થયાં?
ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થયા બાદ બંગાળની ખાડી અને અરબી સમૃદ્રમાં બનેલી વરસાદી સિસ્ટમોને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો.
આ વર્ષે બંગાળની ખાડીમાં સતત બનેલી વરસાદી સિસ્ટમોને કારણે રાજ્યમાં ચોમાસું પણ મોડું પૂર્ણ થયું હતું.
જે બાદ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ પરંતુ તેમાં પણ કમોસમી વરસાદ પડવાનું શરૂ રહ્યું. હાલ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમ તરફથી આવતી વરસાદી સિસ્ટમો. આ સિસ્ટમ ભૂમધ્ય સાગરમાં પેદા થાય છે અને પછી ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ભારત પહોંચે છે.
જેના કારણે ગુજરાતમાં ભર શિયાળે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ રાજ્યમાં લેવાતા પાક માટે નુકસાનકારક હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો