સીરિયાની રાજધાની દમાસ્કસમાં સેનાની બસ પર હુમલો, વિસ્ફોટમાં 13થી વધુનાં મૃત્યુ

પ્રકાશિત

સીરિયાની રાજધાની દમાસ્કસમાં સેનાની એક બસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. આ અંગે સીરિયાના સરકારી મીડિયાએ ખરાઈ કરી છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

સીરિયાની સરકારી સમાચાર એજન્સી 'સના'એ જણાવ્યું છે કે જિસર અલ-રઈસ પુલ પર બસને બે વિસ્ફોટક ઉપકરણોની મદદથી નિશાન બનાવાઈ છે.

સરકારી મીડિયાએ આ વિસ્ફોટને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.

સેનાની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં કથિત હુમલા બાદ સળગી ગયેલી બસ દેખાઈ રહી છે.

રશિયાની સરકારી સમાચાર એજન્સી સ્પુતનિકની વેબસાઇટે જણાવ્યું છે કે બસમાં સવાર 14 સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

20 વર્ષમાં સાડા ત્રણ લાખ લોકોનાં મૃત્યુ

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સીરિયાના ગૃહયુદ્ધમાં છેલ્લાં 20 વર્ષમાં ઓછામાં ઓછા સાડા ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

જોકે ઉલ્લેખનીય છે કે રાજધાની જવલ્લે જ વિસ્ફોટ જેવી ઘટનાઓ ઘટે છે, કેમ કે અહીં રાષ્ટ્રપતિ બશર અલ-અસદની વફાદાર સેનાનું નિયંત્રણ છે.

રશિયાની સૈન્ય ઉપસ્થિતિ અને ઈરાનની મદદવાળા શિયા મિલિશિયાના સહારે બશર અલ-અસદનું દેશના મોટા હિસ્સા પર નિયંત્રણ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો