You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ આફ્રિકા : જૅકબ ઝુમાની ધરપકડ બાદ હિંસા અને લૂંટફાટ
પૂર્વ રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાને જેલમાં બંધ કર્યા બાદ દક્ષિણ આફ્રિકામાં થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 72 થઈ ગઈ છે.
મંગળવારે ઘણાં શહેરોમાં ટોળાંએ લૂંટફાટ કરી, શૉપિંગ સેન્ટરોમાં આગ ચાંપી અને ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ થયું.
બીબીસીએ ડરબનમાં એક ઇમારતના ઉપરના માળેથી ફેંકાઈ રહેલા એક બાળકનો વીડિયો કૅમેરામાં કેદ કર્યો હતો, આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનોમાં લૂંટ બાદ આગ ચાંપી દીધી હતી.
એક દિવસ પહેલાં સોવેટોના એક શૉપિંગ સેન્ટરમાં લૂંટફાટ દરમિયાન થયેલી ભાગદોડમાં 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ગત સપ્તાહથી શરૂ થયેલી હિંસા બાદ પોલીસની મદદ માટે સેનાને તહેનાત કરાઈ છે.
દક્ષિણ આફ્રિકાની પોલીસે એક નિવેદનમાં કહ્યું કે તેમણે તોફાન ભડકાવનારા 12 સંદિગ્ધ લોકોની ઓળખ કરી છે અને કુલ 1,234 લોકોની ધરપકડ કરી છે.
રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ આ હિંસાને દક્ષિણ આફ્રિકામાં નેવુંના દાયકા દરમિયાન રંગભેદ ખતમ થયાના પહેલાંના સમય બાદની સૌથી ભયંકર હિંસા ગણાવી છે.
ક્વાઝુલુ-નટાલ અને ગૌતેંગ પ્રાંતોમાં મુખ્ય અને નાનાં શહેરોમાં આગચંપી, રાજમાર્ગો પર અડચણ, દુકાનો અને ગોડાઉનોમાં લૂંટ થયાના સમાચાર આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંત્રીઓએ ચેતવણી આપી છે કે જો લૂંટફાટ ચાલુ રહેશે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાનપાનનો જથ્થો ખતમ થઈ જશે. જોકે તેમણે કટોકટીની ઘોષણાનો ઇનકાર કર્યો છે.
બાળકનું શું થયું?
મંગળવારે બપોરે ક્વાઝુલુ-નટાલના તટીય શહેર ડરબનના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં એક એપાર્ટમેન્ટમાં ફસાયેલા લોકોની મદદ માટે ઘણા લોકો આવ્યા હતા, તેમણે જ બાળકને બચાવી લીધું.
ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનોમાં લૂંટ કરનારા લોકોએ તેને આગ ચાંપી દીધી, આથી લોકો ઉપરના માળે ફસાઈ ગયા હતા.
ડરબનમાં બીબીસી સંવાદદાતા નોમ્સા મસેકોનું કહેવું છે કે બાળકને બચાવ્યા બાદ અડોશપડોશના લોકોએ સીડી મૂકીને લોકોને કાઢવામાં મદદ કરી હતી.
બાળકને મળ્યા બાદ તેમની માતા એટલી ભાવુક થઈ ગઈ કે કંઈ વાત ન કરી શકી. અંદાજે 20 મિનિટ બાદ બચાવદળ આગ ઓલવવા માટે પહોંચ્યું હતું.
કેટલું નુકસાન થયું છે?
બ્લુમબર્ગ સમાચાર એજન્સીએ બિઝનેસ લીડરશિપ સાઉથ આફ્રિકાના મુખ્ય કાર્યકારી અધિકારી બુસિસિવે માવુસોના હવાલાથી કહ્યું કે સોમવારે બપોર સુધીમાં 200થી વધુ શૉપિંગ મૉલને લૂંટી લીધા હતા.
સોવેટો, જે દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા ટાઉનશિપ છે અને ત્યાં હજુ પણ નેલ્સન મંડેલાનું ઘર હતું, ત્યાં 200થી વધુ મૉલમાં લૂંટફાટ કરાઈ છે. ઘણાં શૉપિંગ સેન્ટર સંપૂર્ણ તોડી નાખવામાં આવ્યાં છે, સાથે જ એટીએમ, રેસ્ટોરાં, દારૂ અને કપડાંની દુકાનોમાં પણ તોડફોડ કરાઈ છે.
દક્ષિણ આફ્રિકાની ટાઇમ્સ લાઇવ સમાચાર વેબસાઇટ અનુસાર, ક્વાઝુલુ-નટાલમાં પશુઓની ચોરી થઈ છે, હિંસા ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં તોફાનીઓ એમ્બ્યુલન્સ પર પણ હુમલો કરી રહ્યા છે.
વીડિયો ફૂટેજથી ખબર પડે છે કે ડરબનમાં સોમવારે રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન એક બ્લડબૅન્ક લૂંટી લીધી હતી.
પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસમાં સામેલ નહીં થવાને કારણે પૂર્વ રાષ્ટ્રપતિ જૅકબ ઝુમાને ગત મહિને કોર્ટની અવમાનના બદલ દોષી ઠેરવ્યા હતા.
જોકે ઝુમા ભ્રષ્ટાચારના આરોપનો ઇનકાર કરતા આવ્યા છે.
79 વર્ષીય ઝુમાને પંદર મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ગત બુધવારે તેમણે પોતાને પોલીસને હવાલે કરી દીધા હતા.
ઝુમાના સમર્થકોએ તેમને છોડી દેવાની માગ કરીને રસ્તાઓ જામ કરવાનું શરૂ કર્યું. ધીમેધીમે ટોળું હિંસક થયું અને ઘણા વિસ્તારોમાં લૂંટફાટ અને આગચંપી શરૂ કરી દીધી, જે હજુ પણ ચાલુ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો