US ચૂંટણી પરિણામ : જ્યોર્જિયામાં મિલિટરીના મત પલટી શકે છે બાજી

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

જ્યૉર્જિયાના સેક્રેટરી ઑફ સ્ટેટ્સ બ્રૅડ રેફેનબર્ગરે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતોની ફરીથી ગણતરી કરવામાં આવશે.

તેમના મતે 4169 મત ગણવાના હજુ બાકી છે. આ ઉપરાંત લગભગ 8000 મિલિટરી વોટ પોસ્ટ થકી આવ્યા છે અને એ જ મતોને ગણવામાં આવે તો દિવસ રહેતા ગણી લેવાશે.

તેમણે કહ્યું, "જ્યૉર્જિયામાં બહુ નજીકની લડાઈ છે. આટલા ઓછા માર્જિનને લીધે જ્યૉર્જિયામાં ફરીથી ગણતરી કરાશે."

જ્યોર્જિયામાં પોસ્ટથી આવનારા મિલિટરી એબસન્ટી મતનો સમય અમેરિકાના સમય અનુસાર શુક્રવાર સાંજ સુધીનો હોય છે. જાણકારોનું માનવું છે કે અમેરિકન સૈનિકો અને સેલર્સના આ મત અહીંની બાજી પલટી શકે છે.

અહીથી મળી રહેલાં તાજા સમાચાર અનુસાર બાઇડન 4200થી વધારે મતથી આગળ ચાલી રહ્યા છે. આ જાણકારી એટલાન્ટાના નજીકના ગ્વિનેટ કાઉન્ટીના 7000 મતની ગણતરી પરથી આવી છે.

જ્યોર્જિયામાં અધિકારીઓનું કહેવું છે કે હાલ 8,890 મિલિટરી પોસ્ટલ મત છે. જેમની ગણતરી કરવાની બાકી છે. ત્રણ નવેમ્બરની તારીખ વાળા આ પોસ્ટલ મતને સમય રહેતાં જ્યોર્જિયા નક્કી સમયમાં પહોંચાડવામાં ન આવ્યા તો તેમની ગણતરી નહીં કરવામાં આવે.

જાણકારોનું કહેવું છે કે અમેરિકાની ચૂંટણીમાં સૈનિકો વધારે રિપબ્લિકન પાર્ટી માટે વોટ કરે છે, પરંતુ ટ્રમ્પ અનેક વખત સૈન્ય અધિકારીઓ સાથે વિવાદમાં રહ્યા છે. બની શકે કે આ કારણે અનેક સૈનિક તેમનાથી નારાજ પણ હોય.

પોતાના જુના સહયોગી અને જનરલ જિમ મેટિસ, જૉન કેલી અને સૅનેટર જ્હોન મૅક્કેન પર તેમના નિવેદનોને લઈને કેટલાંક લોકો તેમનાથી નારાજ થઈ શકે છે.

હાલના સમયમાં સૈન્યમાં મહિલાઓ અને અલ્પસંખ્યક સમુદાયના લોકોની ભરતી વધી છે અને માનવામાં આવી રહ્યું છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારનું સમર્થન ન કરે.

ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે તે 16 ઇલેક્ટોરલ કૉલેજ વાળા જ્યોર્જિયામાં મતની ફરીથી ગણતરી કરાવશે. પરંતુ આ સ્ટેજ પર તે વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં જ્યોર્જિયા મહત્ત્વનું સાબિત થશે.

બાઇડન પેન્સિલ્વેનિયામાં પણ ટ્રમ્પથી આગળ

પેન્સિલ્વેનિયામાં બાઇડનને હવે ટ્રમ્પ પર 5587 મતોની લીડ મળી ગઈ છે. રાજ્યમાં 95 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે.

જાણકારોનું માનવું છે કે વધેલા પોસ્ટલ મત બાઇડનના પક્ષમાં જઈ શકે છે. જો બાઇડન આ રાજ્ય જીતી લે તો વિજય માટે જરૂરી 270 મત હાંસલ કરી લેશે. આ પહેલાં બાઇડને જ્યૉર્જિયામાં લીડ મેળવી લીધી હતી. અહીં 99 ટકા મતોની ગણતરી કરી લેવાઈ છે. લગભગ 8197 મતપત્ર બાકી છે. સાથે જ સૈન્ય અને વિદેશ મતપત્રો પણ ગણી લેવાયા છે.

આ ઉપરાંત બાઇડન નૅવાડામાં કે જ્યાં 89 ટકા મતોની ગણતરી કરી લેવાઈ છે, ત્યાં આગળ ચાલી રહ્યા હતા. ચૂંટણીઅધિકારીઓનું કહેવું છે કે ગુરુવાર સાંજ સુધી તેમની પાસે લગભગ 190,000 મતપત્રો ગણવા માટે બાકી હતા. ઍરિઝોનામાં બાઇડન 1.6 ટકા મતોથી આગળ ચાલે છે. નોર્થ કૅરોલાઇના અને અલાસ્કામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે.

ગ્રેટા થનબર્ગે કહ્યું - 'ચિલ ડોનાલ્ડ ચિલ'

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ હશે? આ સવાલનો જવાબ જાણવા ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને દુનિયાના કરોડો લોકો બેચેન છે.

આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું, 'સ્ટોપ ધ કાઉન્ટ' એટલે કે મતગણતરી રોકી દો.

આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં પર્યાવરણવિદ ગ્રેટા થનબર્ગે લખ્યું, 'શું બકવાસ છે. ડોનાલ્ડે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખવું જોઈએ અને પછી કોઈ મિત્ર સાથે જૂના જમાનાની ફિલ્મ જોવા જવું જોઈએ. ચિલ ડોનાલ્ડ ચિલ!'

ચેનલોએ ટ્રમ્પની પત્રકારપરિષદનું પ્રસારણ અટકાવી કહ્યું 'જૂઠાં નિવેદનો'

અમેરિકાની ઘણી મોટી ટીવી ચેનલોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણનું પ્રસારણ અધવચે અટકાવી દીધું.

ત્યાંની ટીવી ચેનલો પૈકી એબીસી, સીબીએસ અને એનબીસીએ ટ્રમ્પની પત્રકારપરિષદનું પ્રસારણ વચ્ચે જ રોકી દીધું હતું અને દર્શકોને કહ્યું કે રાષ્ટ્રપતિએ અનેક જૂઠાં નિવેદનો આપ્યાં છે.

સંવાદદાતાઓનું કહેવું છે કે ટ્રમ્પની વાતો પર એવું લાગતું હતું કે તેઓ 'પોસ્ટલ મતો'ને 'દગાબાજી' ઠેરવી રહ્યા છે.

ફરી 'દગાબાજી'નો આરોપ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કોઈ આધાર કે પુરાવા વગર દગાબાજીનો આરોપ મૂક્યો છે.

ટ્રમ્પનું કહેવું છે કે 'વૈધ મતો'ની ગણતરી પ્રમાણે તેઓ જ વિજેતા નીકળશે.

બે દિવસના મૌન બાદ ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પે આ ફરિયાદ એવા વખતે કરી છે, જ્યારે બે મહત્ત્વપૂર્ણ રાજ્ય જ્યૉર્જિયા અને પેન્સિલ્વેનિયામાં પોસ્ટલ મતોની ગણતરી સાથે તેમની લીડ ઘટતી જઈ રહી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાઇટ હાઉસની પત્રકારપરિષદમાં ફરીથી જીતનો દાવો કરતાં ફરિયાદ કરી કે તેમની તરફેણમાં આવેલા પરિણામને 'અવૈધ મતોથી છીનવાનો પ્રયાસ' થઈ રહ્યો છે.

જોકે વિશ્લેષકો પ્રમાણે ટ્રમ્પનો આ દાવો આધારભૂત નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો