કોરોનાની દવા : કોવિડ-19ની સારવારની શોધ કેટલે સુધી પહોંચી છે?

    • લેેખક, જૅમ્સ ગૅલેઘર
    • પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

કોવિડ-19થી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી એક લાખ 70 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે, પરંતુ હજી સુધી દર્દીઓની સારવાર માટે માન્યતા પ્રાપ્ત કોઈ એક ચોકક્સ દવા નથી.

આ જીવલેણ રોગમાંથી બચવા માટેની સચોટ દવાથી આપણે કેટલા દૂર છીએ?

કોવિડ-19ની સારવાર માટેની શોધ કેટલે સુધી પહોંચી છે?

સમગ્ર વિશ્વમાં 150 અલગ-અલગ પ્રકારની દવા પર કામ ચાલી રહ્યું છે. આમાંથી મોટાભાગની દવાઓ પહેલેથી હાજર છે અને ટ્રાયલ એના પર જ ચાલે છે.

કોરોના વાઇરસ સંક્રમણની સારવારનું અમેરિકામાં ટ્રાયલ ચાલી રહ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સૉલિડૅરિટી ટ્રાયલ શરૂ કર્યું છે જેનું લક્ષ્ય કોવિડ-19 સંક્રમણની સૌથી સચોટ સારવાર શોધવાનું છે.

બ્રિટનનું કહેવું છે કે દુનિયામાં સૌથી મોટું ટ્રાયલ તેનું રિકવરી ટ્રાયલ છે, અત્યાર સુધી પાંચ હજારથી વધારે દર્દી આનો ભાગ બની ચૂક્યા છે.

અને આ સિવાય કોરોના સંક્રમણમાંથી સાજા થયેલા લોકોનાં લોહી મારફતે સારવાર કરવાની પ્રક્રિયા એટલે પ્લાઝમા ટ્રીટમૅન્ટનો પ્રયોગ પણ ચાલી રહ્યો છે.

કઈ દવા કામ કરશે?

ત્રણ પ્રકારની સારવાર પર શોધ ચાલી રહી છે:

  • ઍન્ટિવાઇરલ ડ્રગ્સ પર શોધ ચાલી રહી છે જે શરીરમાં કોરોના વાઇરસની વધવાની ક્ષમતા પર સીધો પ્રહાર કરે.
  • એવી દવા જે રોગપ્રતિકારક શક્તિને શાંત પાડે છે. જ્યારે રોગ પ્રતિકારક તંત્ર વધારે પડતું સક્રિય બને છે ત્યારે દર્દીની પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે અને તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે.
  • સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીનાં લોહીમાંથી અથવા લૅબમાં તૈયાર કરવામાં આવેલા ઍન્ટિબૉડીઝ વાઇરસ પર સીધી અસર કરી શકે છે.

કોરોના વાઇરસની સૌથી અસરકારક દવા કઈ છે?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડૉ બ્રૂસ ઍઇલવૉર્ડે ચીનની મુલાકાત લીધા પછી કહ્યું હતું કે રેમડિસિવિર નામનું એકમાત્ર ડ્રગ કોરોના વાઇરસના સંક્રમણ સામે થોડી અસરકારકતા બતાવે છે.

આ ઍન્ટિ વાઇરલ ડ્રગ ઇબોલાની સારવાર માટે બનાવવામાં આવ્યું હતું. જોકે, ઇબોલાની સારવારમાં તે સિવાયની અન્ય દવાઓ વધારે અસરકારક સાબિત થઈ હતી.

જોકે પશુઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં આ દવા અન્ય જીવલેણ કોરોના વાઇરસનાં સંક્રમણની સારવારમાં અરસકારક સાબિત થઈ છે જેમકે મિડલ ઈસ્ટ રૅસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે મર્સ અને સિવિયર ઍક્યુટ રૅસ્પિરેટરી સિન્ડ્રોમ-સાર્સ. આને કારણે તે કોવિડ-19 કોરોના વાઇરસ વિરુદ્ધ પણ અસરકારક સાબિત થઈ શકે તેવી આશા સેવાઈ રહી છે.

અમેરિકામાં આવેલી યુનિવર્સિટી ઑફ શિકાગોના એક ટ્રાયલનું પરિણામ લીક થયું હતું અને તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ દવા હાલના સંક્રમણમાં અરસકારક છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સૉલિડૅરિટી ટ્રાયલમાં ચાર દવાઓ પર સ્ટડી ચાલી રહી છે અને તેમાં એક દવા આ પણ છે. આ દવા બનાવનારી કમ્પની ગિલિયડ પણ આ ટ્રાયલ કરી રહી છે.

એચઆઈવી ડ્રગ્સથી સારવાર થઈ શકે છે?

કોરોના સંક્રમણની સારવારમાં એચઆઈવી ડ્રગ્સના વપરાશ વિશે ઘણી ચર્ચા છે. જોકે, લોપિનાવિર અને રિટોનાવિર જેવા એચઆઈવી ડ્રગ્સ કોરોના સંક્રમણની સારવારમાં અસરકારક એવા પુરાવા ઓછા છે.

લૅબોરેટરીમાં આ દવાની અસરકારતાનો પુરાવો તો મળ્યો છે દર્દીઓ પર તેની અસરકારકતાનું પરિણામ હતાશાજનક છે.

એચઆઈવી ઍન્ટિ ડ્રગ લોપિનાવિર (LOPINAVIR) અને રિટોનાવિર (RITONAVIR)ને રેટ્રોવાઇરલ ડ્રગ પણ કહેવાય છે.

કોવિડ-19 સંક્રમણના દર્દીઓ જેમની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ હતી તેમની આ દવાના કૉમ્બિનેશનથી ઝડપી રિકવરી થઈ હોય કે મૃત્યુનો ખતરો ઓછો થયો હોય એવું નથી જોવા મળ્યું.

આ દવાઓથી કોવિડ-19ના દર્દીઓની પરિસ્થિતિને ગંભીર થતી અટકાવી શકાઈ હોય એવું પણ જોવા નથી મળ્યું.

જોકે, આ ટ્રાયલ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયેલા દર્દીઓ પર કરવામાં આવ્યું હતું અને જેમનાં પર દવા અજમાવવામાં આવી તેમાંથી 25 ટકા લોકોનું મૃત્યુ થયું હતું.

અલબત્ત, સંક્રમણના અંતિમ તબક્કામાં આ દવા આપવામાં આવી જેથી દવાની અસર દેખાવાનો સમય ન રહ્યો હોય એવું પણ બની શકે છે.

મલેરિયાની દવા અસરકારક?

મલેરિયાની દવાનો સમાવેશ સૉલિડૅરિટી ટ્રાયલ અને બ્રિટનની રિકવરી ટ્રાયલમાં થયો છે.

ક્લોરોક્વિન અને તેનાથી સંબંધિત હાઇડ્રૉક્સીક્લોરોક્વિન ઍન્ટિવાઇરલ છે અને ઇમ્યુન સિસ્ટમને ઠંડુ પાડવાના ગુણધર્મ હોઈ શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી આ દવા વિશે નિવેદન આપ્યું ત્યારથી આ દવાની ચર્ચા આખા વિશ્વમાં છે. લોકો આશા ભરેલી દૃષ્ટિએ જોઈ રહ્યા છે.

હાઇડ્રૉક્સીક્લોરોક્વિન આર્થરાઇટિસની સારવારમાં વપરાય છે કારણકે તે રોગપ્રતિકારક તંત્રને સંચાલિત કરવામાં મદદ કરે છે.

લૅબ ટેસ્ટના પરિણામ પ્રમાણે આ દવા કોરોના વાઇરસને અટકાવી શકે છે અને અમુક ડૉક્ટરો કહે છે કે દવા દર્દીઓ માટે મદદરૂપ બની રહી છે.

જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ આ દવાની અસરકારકતાનું કોઈ પ્રમાણ નથી.

રોગપ્રતિકારક તંત્ર લક્ષી દવાની અસર

જો વાઇરસ સામે આપણું રોગ પ્રતિકારક તંત્ર વધારે પડતું સક્રિય થઈ જાય તો તેનાથી આખા શરીરમાં સોજો આવી શકે છે.

સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિને સક્રિય રાખવી એ સારી વાત છે પરંતુ જો આ તંત્ર બહુ વધારે સક્રિય થાય તો શરીરને મોટાપાયે નુકસાન પહોંચાડી શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે.

સૉલિડૅરિટી ટ્રાયલમાં ઇન્ટરફેરૉન બીટા નામની દવાને પણ સામેલ કરવામાં આવી છે.

આ દવા મલ્ટિપલ સ્ક્લેરૉસિસની સારવારમાં કામ આવે છે અને તેનાથી શરીરમાં આવેલ સોજો ઉતરે છે.

જ્યારે શરીર પર વાઇરસનો હુમલો થાય છે ત્યારે શરીરમાંથી ઇન્ટરફૅરૉન્સ નામના રસાયણ રિલીઝ થાય છે.

ત્યારે બ્રિટનના રિકવરી ટ્રાયલમાં ડેક્સામૅથાસોન નામના સ્ટૅરૉઇડ પર રિસર્ચ ચાલુ છે, આ દવા પણ સોજો ઉતારવામાં મદદરૂપ હોય છે.

શું સંક્રમણમાંથી સાજા થયેલા લોકોનાં લોહીથી સારવાર શક્ય છે?

સંક્રમણથી સાજા થયેલા લોકોનાં લોહીમાં વાઇરસ પર હુમલો કરી શકે તેવા ઍન્ટિ બૉડીઝ ઉત્પન્ન થાય છે.

પ્લાઝ્મા પદ્ધતિ નામથી જણાતી આ પ્રક્રિયામાં ઍન્ટિ બૉડી ધરાવતું બ્લડ પ્લાઝ્મા લઈને કોરોના સંક્રમિત વ્યક્તિનાં શરીરમાં ચઢાવવામાં આવે છે.

ભારતમાં કોવિડ-19 સંક્રમણની સારવારમાં આ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આ પદ્ધતિથી અમેરિકામાં 500 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

કન્વલસન્ટ પ્લાઝ્મા નામની આ પદ્ધતિથી સારવાર પર અન્ય કેટલાક દેશો વિચારી રહ્યા છે.

તો કોરોના સંક્રમણની સારવારની કેટલી રાહ જોવી પડશે?

કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માટે સચોટ દવા શોધવામાં હજી કેટલો સમય લાગશે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે.

જોકે, આવનારા મહિનાઓમાં આપણને આ ટ્રાયલના પરિણામ મળવાના શરૂ થઈ જશે.

જોકે કોવિડ-19ના સંક્રમણથી બચાવતી અસરકારક વૅક્સિન આપણને મળે એ પહેલાં આ રોગની દવા આપણને મળી શકે છે.

કારણકે ડૉક્ટરો એ જ દવાઓનું પરીક્ષણ કરી રહ્યા છે જે પહેલેથી શોધાયેલી છે અને વપરાશ માટે સુરક્ષિત છે, જ્યારે વૅક્સિન પરની શોધ શૂન્યથી શરૂ કરવામાં આવી છે.

વૅકસિન અને દવા વચ્ચે તફાવત એ છે કે વૅકસિન એટલે કે રસી રોગના બચાવ સામે આગોતરી વ્યવસ્થા બને છે અને દવા એ રોગ થાય ત્યારે સારવાર માટે વપરાય છે.

કોરોના વાઇરસ સામે લડવા માટે તદ્દન નવી દવાઓ પર પણ લૅબ પરીક્ષણ ચાલી રહ્યું છે પરંતુ માનવો પર તેમનું ટેસ્ટિંગ હજી બાકી છે.

સારવારની જરૂર કેમ?

જે વાઇરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોને પોતાના ભરડામાં લીધા છે ત્યારે સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે સારવારની સખત જરૂરિયાત છે પરંતુ દુનિયાના કેટલાય દેશો લૉકડાઉનનો માર પણ સહી રહ્યા છે, ત્યારે આ રોગની સચોટ સારવારની કાગડોળે રાહ જોવાઈ રહી છે.

જો મોટા પ્રમાણમાં અરસકારક એવી સારવારની ખબર પડી જાય તો પછી કોરોનાનું સંક્રમણ એક સામાન્ય રોગ જેવું બનશે.

જો સારવારથી દર્દીઓને વૅન્ટિલેટર પર મૂકવાથી બચાવી શકાતાં હોય તો હૉસ્પિટલોમાં આઈસીયુની જરૂર ધરાવતા દર્દીઓની સંખ્યા ઘટશે અને પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે. આને કડક લૉકડાઉન પણ ઓછું કરી શકાશે.

અત્યારે સારવાર કેવી રીતે થઈ રહી છે?

હાલના તબક્કે કોરોના વાઇરસના સંક્રમિતોમાં મોટાભાગના લોકોમાં હળવા લક્ષણ હોય છે એટલે ઘરમાં બેડરેસ્ટ, પૅરાસિટામોલ અને વધારે પ્રમાણમાં પ્રવાહી લઈને લોકો સાજા થઈ શકે છે.

પરંતુ કેટલાક લોકોને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં ઓક્સિજન, વૅન્ટિલેટર સાથે આઈસીયુ સારવારની જરૂર પડી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો