લૉકડાઉન 2.0 : અમેરિકા ઉપર કોરોના વાઇરસને કારણે ઐતિહાસિક બેકારીનો ઓછાયો

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

કોરોના વાઇરસને કારણે અમેરિકામાં લૉકડાઉન અમલી બનતાં તેના માનવજીવન પર વિપરીત અસર પડી છે ઉપરાંત અમેરિકન અર્થતંત્રનો વિકાસદર સતત ઘટી રહ્યો છે, તેને કારણે છેલ્લાં ચારેક અઠવાડિયાંમાં 170 લાખથી વધુ નાગિરકોએ બેકારીના લાભ માટે અરજી કરી છે.

ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ એચ. પોવેલે જણાવ્યું હતું કે યુ.એસ.ની અર્થવ્યવસ્થા અત્યારે કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે આ કટોકટીનો સામનો કરવા સેન્ટ્રલ બૅન્કે અર્થતંત્રને ધબકતું કરવા માટે બે ટ્રિલિયન ડૉલરની લૉનસહાય મંજૂર કરશે.

નિષ્ણાતો કહે છે કે આ મહામંદીના સમય જેવો અમેરિકાએ કર્મચારીઓની છટણી અને નબળી આર્થિક સ્થિતિનો ક્યારેય અનુભવ કર્યો નથી. અર્થતંત્રમાં કોઈ ઝડપથી સુધારો આવશે તેની સંભાવના નથી તેવું અત્યારે લાગી રહ્યું છે.

બેકારીની બબાલ

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને કૉંગ્રેસ રાહત માટે વધુ રકમ મેળવવા કોશિશ કરી રહ્યાં છે, પરંતુ સફળ થયાં નથી. દરમિયાન, કોંગ્રેસે ગયા મહિને મંજૂર કરેલા બે ટ્રિલિયન ડૉલરનું પૅકેજમાંથી સંઘર્ષ કરી રહેલા નાના ઉદ્યોગો અને નવા બેરોજગાર એવા લાખો લોકોની સહાય માટે કરેલી અરજીઓનું નિરાકારણ આવશે એવું કહી શકાય.

એ પહેલાં, 66 લાખ અમેરિકનોએ બેકારીના લાભ માટે અરજી કરી હતી, તેમ લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું, જ્યારે 28 માર્ચે 69 લાખ દાવા દાખલ કરવામાં આવ્યા હતા. 21મી માર્ચે 33 લાખ લોકોએ અરજી કરી હતી.

પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી એલન બ્લાઇન્ડેરે કહ્યું, "અમે આના જેવું કશું ક્યારેય જોયું નથી." જેપી મોર્ગન ચેસની આગાહી છે કે બેરોજગારીનો દર 20 ટકા સુધી પહોંચશે અને બીજા ક્વાર્ટરમાં અર્થતંત્ર 40 ટકા ઘટશે, જે એપ્રિલથી જૂન સુધી ચાલે તેમ છે.

આશાનું કિરણ

બ્લાઇન્ડરે જણાવ્યું હતું કે એવી આશા છે કે રસી અથવા અન્ય રક્ષાણાત્મક ઉકેલ ટૂંકસમયમાં મળી જશે, જેથી અગાઉ આવેલા ગ્રેટ ડિપ્રેશનના એક દશક જેટલા લાંબા કાળખંડમાં પ્રવેશીશું નહીં.

આ સંકટ માત્ર થોડા મહિનાઓ પૂરતું છે અને જો આ વાઇરસ સામે રસી શોધાઈ જાય તો તેનો તાત્કાલિક ઉકેલ આવી જાય તેમ છે.

બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનમાં એક ભાષણમાં પોવેલે જણાવ્યું હતું કે, "અત્યારે બેરોજગારીમાં આપણે 50 વર્ષના તળિયાથી ભયજનક ગતિ સાથે આગળ વધી રહ્યા છીએ, જે હંગામી ધોરણે હોવા છતાં, જો વાઇરસની અસર નાબૂદ થાય તો કામ પર પાછા જવા માટે અને વ્યવસાયો શરૂ કરવા માટેનું સલામત વાતાવરણ ઊભું થશે અને તેથી બેરોજગારીમાં ઘટાડો થશે."

ટ્રેઝરી સેક્રેટરી સ્ટુવન મુનુચિને કહ્યું છે કે સંભવતઃ વ્યવસાયો મે મહિનામાં ફરીથી ખોલવામાં સક્ષમ થઈ શકાશે. જ્યારે પોવેલે કહ્યું હતું કે મોટાભાગના નિષ્ણાતો વિચારે છે કે આ વરસના ઉત્તરાર્ધમાં અમરિકામાં વેપારધંધા રાબેતા મુજબ શરૂ થઈ જશે.

ફેડરલ બૅન્કના વડાએ અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા અંગે રાષ્ટ્રીય ચર્ચા કરવાની હાકલ કરી હતી. ત્યારે કેટલાકે સૂચવ્યું છે કે માસ્ક અને છ ફૂટ સોશિયલ ડિસ્ટન્સિંગ જ્યાં સુધી વ્યાપક પરીક્ષણ અથવા કોઈ રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જ રહે.

જો કે પોવલે વેપારધંધા ફરીથી ખોલવા માટે ખૂબ ઝડપથી આગળ વધવા સામે સાવચેતી વ્યક્ત કરી હતી.

એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવેલ સ્મિથ ટ્રાવેલ દ્વારા ટ્રૅક કરાયેલા ડેટા મુજબ. અમેરિકામાં ઉપલબ્ધ રૂમદીઠ હોટલની આવક માં 80 ટકા ઘટાડો થયો છે અને સરેરાશ ઑકયૂપન્સી દરોમાં 40 ટકા જેટલો ઘટાડો હતો.

જેપી મોર્ગને ગ્રાહકોને લખ્યું હતું કે આ તમામ રીડિંગ ગત અઠવાડિયા જેવું જ હતું, જેપી મોર્ગન સૂચવે છે કે માર્કેટ તળિયે પહોંચી ગયું છે.

મફત ભોજન માટે લાઇનો

ફેડરલ બૅન્ક દ્વારા મંજૂર કરેલ બે ટ્રિલિયન ડૉલર ની લૉન નાના, મધ્યમ અને મોટી કંપનીઓ તેમજ અન્ય નાણાં અછતનો સામનો કરી રહેલા રાજ્યો અને શહેરોનો સમાવેશ થાય છે.

ફેડરલ બૅન્ક દ્વારા માર્ચ મહિનામાં વ્યાજ દર શૂન્ય કરવા ઉપરાંત સરકારી બૉન્ડ ખરીદવા અને અમેરિકન પરિવારો અને વ્યવસાયો માટે શક્ય તેટલું સસ્તી લૉન આપવાના પ્રયાસ મુખ્ય છે.

તેમ છતાં, 10 અમેરિકનોમાંથી એક અમેરિકન કોરોનાને લીધે આર્થિકતંગી નો સામનો કરી રહ્યો છે. અમેરિકામાં લોકો ફૂડ-બૅન્કો અને રેસ્ટોરામાંથી મફત ભોજન લેવા માટે રાહ જોતા એક માઇલ સુધી કારની લાઇનો લગાવે છે.

બેરોજગારોને સરકારની રાહત પહોંચાડવાની પ્રક્રિયા ધીમી હોવાથી નોકરી ગુમાવતા લોકોને હજુ સરકાર તરફથી પૈસા મળ્યા નથી આને પરિણામે તેમની બચત ધીમે-ધીમે ઘટી રહી છે. કેટલાકે તો મદદ માટે ઑનલાઇન માગણી કરી છે અને ફૂડ-બૅન્કો આગળ કલાકો સુધી લાઇનોમાં રાહ જોતા જોવા મળે છે.

ઉપભોક્તા ખર્ચએ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, ત્યારે બીજીબાજુ સંકેતો મળે છે કે હજુ પણ ઘણા અમેરિકન તેમની નોકરી ગુમાવશે અથવા તેમના પગારમાં ઘટાડો થશે.

યુનિવર્સિટી ઑફ મિશિગનના કન્ઝ્યુમર સૅન્ટિમૅન્ટ ઇન્ડેક્સમાં ગત સપ્તાહે અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો, લોકોએ તેમની નોકરી ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

સર્વે ડિરેક્ટર રિચાર્ડ કર્ટિને જણાવ્યું હતું કે, ગ્રાહકોએ લાંબી અને ભયંકર મંદી માટે તૈયાર રહેવાની જરૂર છે.

'રુખસદ નહીં, રજા આપો'

અર્થશાસ્ત્રીઓ કહે છે કે એપ્રિલમાં બેરોજગારી માટે અરજી ફાઇલ કરવા માટે અપેક્ષિત લાખો કામદારો યુ.એસ. સેફ્ટી-નેટ કાર્યક્રમો પર વધારાનું દબાણ ઊભું કરશે કે જે ગરીબોને મદદ કરશે. તેઓના મત મુજબ કંપનીઓ સંપૂર્ણ છટણી કરવાને બદલે કામદારોને રજા આપવાનો આગ્રહ રાખે.

નોકરીમાંથી કામચલાઉ રજા આપવાથી કામદારોને પોતાનો અને ફૅમિલીનો આરોગ્યવીમા માટે અધિકાર મળી રહે છે અને જ્યારે વ્યવસાય ફરીથી શરૂ થાય છે, ત્યારે ઝડપથી પાછા જોડાઈ શકે છે.

હેલ્થ મૅનેજમૅન્ટ ઍસોસિયેટ્સ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી છે કે 120 લાખથી વધુ અમેરિકનો પોતાના અને પરિવારના સભ્યો માટે ઍમ્પ્લોયર આધારિત આરોગ્ય વીમો ગુમાવી શકે છે.

સેન.જોશ હlવલે એ દરખાસ્ત કરી હતી કે યુ.એસ. સરકારે યુનાઇટેડ કિંગડમ(યુકે)ને અનુસરવું જોઈએ અને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકોના પગાર ચૂકવવા જોઈએ.

અત્યારે સંઘીય સરકારે જ્યાં સુધી આ કટોકટી પૂર્ણ ન થાય, ત્યાં સુધી અમેરિકાના કોઈપણ વ્યવસાયમાં કામ કરતા કામદારોને રાષ્ટ્રીય મધ્યમ વેતન લાગુ કરી તેને 80 ટકા વેતન ચૂકવવું જોઈએ, જેથી બેરોજગારી ઘટાડી શકાય.

મહામંદી દરમિયાન ભૂતપૂર્વ ફેડ અધ્યક્ષ અને 1930ના ડિપ્રેશન યુગના અગ્રણી વિદ્વાનોમાંના એક, બેન એસ. બર્નાન્કેએ કહ્યું હતું કે, "હવે જે થઈ રહ્યું છે તે એકસાથે આખા ગ્રહને ઝંઝેડતા વાવાઝોડાં જેવું છે. તે ઘણું દુ:ખદાયક છે, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ અને વિશ્વની સરકારો ઝડપથી કાર્યવાહી કરે તો વર્ષોના દુ:ખોને ટાળી શકે છે."

બેરોજગારી દર ઊંચે જઈ રહ્યો છે, બર્નાન્કેએ જણાવ્યું હતું, કે આ મંદીનો સમયગાળો 12 વર્ષના મહાન મંદીના સમયગાળા કરતાં ટૂંકો હશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો