You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોદી અટક' કેસ : રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા યથાવત્, સુરત કોર્ટે અરજી ફગાવી
રાહુલ ગાંધી સામે મોદી સરનેમ માનહાની મામલે સુરતની સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે.
હવે રાહુલ ગાંધીના વકીલો સજા સામે સ્ટે મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરશે. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાની મામલે ફટકારેલી બે વર્ષની સજા યથાવત રાખી છે.
વર્ષ 2019માં મોદી અટકને લઈને આપેલા નિવેદન બદલ સુરતની સેશન કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી, જેની સામે તેમણે અપીલ દાખલ કરી છે.
રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ બીબીસીને અગાઉ જણાવ્યું હતું કે, "કૉંગ્રેસ નેતાની અપીલના કેસમાં આજે સુરતની કોર્ટમાં એડિશનલ સેશન જજ રૉબિન મોગરા તેમનો નિર્ણય સંભળાવશે. મને આશા અને વિશ્વાસ છે કે નિર્ણય રાહુલ ગાંધીના પક્ષમાં હશે."
સેશન કોર્ટના નિર્ણય બાદ ગયા મહિને રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી.
23 માર્ચે સુરતની સેશન કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી અને આ સાથે જ ચુકાદાને પડકારવા માટે તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે રાહુલ ગાંધીને ગત 23 માર્ચના રોજ 2019માં તેમની સામે નોંધાયેલા માનહાનિના કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 499 અને 500 અંતર્ગત સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન બહાર પાડી તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.
રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે આપેલા નિવેદનનો શું છે વિવાદ?
વાયનાડથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ કથિતપણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં નિવેદન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કથિતપણે કહ્યું હતું કે, "આ તમામ ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?" ત્યાર બાદ સુરતમાં ભાજપના પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી.
રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત મામલો દાખલ કરાયો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 499માં ગુનાહિત બદનક્ષી મામલે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે.
રાહુલ ગાંધીની વકીલોની ટીમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ પણ સમુદાયને પોતાના નિવેદનથી નારાજ કરવા માગતા નહોતા.
રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદી કોણ છે?
પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. બી.કૉમ અને એલએલબીની ડિગ્રી ધરાવતા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ પણ છે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયા હતા.
જોકે, ઑગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ 02 સરકારમાં તેમને કોઈ મંત્રીપદું આપવામાં નહોતું આવ્યું.
રાહુલ ગાંધીના મોદી સરનેમ બદનક્ષી કેસની સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીની અટક વિશે પણ પ્રશ્ન ઊઠ્યો હતો.
રાહુલ ગાંધીના તરફથી બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદીની અટક મોદી નહીં પરંતુ ભૂતવાલા છે, આથી જે પ્રકારે તેઓ કહે છે કે રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે તે દલીલ ખોટી છે.
પૂર્ણેશ મોદીના મિત્ર અને રાજકીય ટેકેદાર અશોક ગોહિલ કહે છે, "તેમના વડવાઓ સુરતની ભૂત શેરીમાં રહેતા હતા એટલે તેમના વડવાની અટક ભૂતવાલા હતી. તેમના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમની અટક ભૂતવાલા જ હતી, પરંતુ તેમણે ત્યારબાદ અટક બદલાવીને મોદી કરી."
તેઓ જ્યારે મંત્રી હતા ત્યારે ચોમાસા દરમિયાન રોડ-રસ્તા તૂટી ગયા ત્યારે તેમણે વિવાદિત નિવેદન કર્યાં હતાં કે ચોમાસામાં રસ્તાઓ તૂટી જવા એ સામાન્ય બાબત છે.
તેમણે કહ્યું કે "ડામર અને પાણી વચ્ચે બનતું નથી તેથી રસ્તાઓ તૂટી જાય છે અને મીડિયાએ તેને વધારે પડતું ન ચગાવવું જોઈએ." આ નિવેદન બાદ વિવાદ થયો હતો.
ઉપરાંત વ્યક્તિગત ઍપ બનાવીને પોતાની લોકપ્રિયતા વધારવાની કોશિશ કરતા હોવાના આરોપો પણ લાગ્યા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો