You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી-20 વર્લ્ડ કપ: ભારત સેમી-ફાઈનલમાં, આયર્લૅન્ડ સામે 5 રને જીત
આઈસીસી મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે ગ્રૂપ-બીમાં ભારત અને આયર્લૅન્ડ વચ્ચે મૅચ રમાઈ જેમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતની 5 રને જીત જાહેર કરાઈ હતી.
દક્ષિણ આફ્રિકાના કેબેરાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં ભારત અને આયર્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
ભારતની ઇનિંગનાં અંતે આયર્લૅન્ડ સામે 6 વિકેટે 155 રન નોંધાવ્યા હતા.
156 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી આયર્લૅન્ડની ઈનિંગ વરસાદના વિઘ્ન વચ્ચે મૅચ અટકાવવી પડી હતી.
વરસાદ પડ્યો ત્યારે 8.2 ઓવરના અંતે આયર્લૅન્ડના 2 વિકેટે 54 રન નોંધાયા હતા.
ભારે વરસાદને કારણે મૅચ ફરી ચાલું ન થઈ શકી અને ડીએલએસ પદ્ધતિ અનુસાર ભારતની 5 રને જીત જાહેર કરવામાં આવી.
આ સાથે ભારત સેમી ફાઈનલમાં પ્રવેશી ગયું છે. ભારત સેમી-ફાઈનલમાં ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે.
આયર્લૅન્ડની શરૂઆત એકદમ નબળી રહી હતી અને માત્ર એક રનના સ્કોર પર આયર્લૅન્ડે બે વિકેટ ગુમાવી દીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑપનર એમી હંટર રન આઉટ થયા હતા. જ્યારે ઓર્લાને રેણુકાસિંહે બૉલ્ડ કર્યા હતા.
જોકે ત્યારે બાદ ગેબી લેવિસ અને કપ્તાન લૌરા ડૅલૅનીએ બાજી સંભાળી લીધી હતી.
બંનેએ વિકેટ બચાવવાની સાથે આક્રમક રમત બતાવી હતી અને અણનમ 53 રનની ભાગીદારી નોંધાવી હતી.
જોકે વરસાદે આયર્લૅન્ડનો ખેલ બગાડ્યો હતો.
સ્મૃતિની શાનદાર ઈનિંગ
ભારતનાં ઑપનર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ મજબૂત શરૂઆત કરી હતી.
બંને વચ્ચે 9.3 ઓવરમાં 62 રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી અને શફાલી 29 બૉલમાં 24 રન ફટકારીને આઉટ થયા હતા.
સ્મૃતિ મંધાનાએ માત્ર 56 બૉલમાં 87 રન નોંધાવ્યાં હતાં, જે સ્મૃતિનો ટી-20 કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર છે. આ ઈનિંગમાં તેમણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાં હતાં. સ્મૃતિની સ્ફોટક ઈનિંગને કારણે ભારત 155 રનનો સન્માનજનક સ્કૉર કરી શક્યું હતું.
જોકે ભારતના સન્માનજનક સ્કોરમાં આયર્લૅન્ડની નબળી ફિલ્ડીંગનું પણ યોગદાન રહ્યું હતું.
આયર્લૅન્ડે ફિલ્ડીંગમાં ત્રણ કૅચ છોડ્યા હતા.
સ્મૃતિ મંધાનાને પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરાયાં હતાં.
કપ્તાન હરમનપ્રીત 20 બૉલમાં 13 રન બનાવીને આઉટ થયાં હતાં.
જેમિમાં ઈનિંગના આખરી બૉલમાં આઉટ થયાં હતાં. તેમણે 12 બૉલમાં 19 રન નોંધાવ્યાં હતાં.
આયર્લૅન્ડ તરફથી બૉલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કપ્તાન લૌરા ડૅલૅનીએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ઑર્લાએ સસ્તી બૉલિંગ ફેંકીને 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ગ્રૂપ-એમાં ઑસ્ટ્રેલિયા ટોચ પર છે. ઑસ્ટ્રેલિયાની ટીમે 4 મૅચમાંથી તમામમાં જીત મેળવી છે અને 8 પૉઈન્ટ અંકે કર્યા છે.
જ્યારે ગ્રૂપ-બીમાં ઈંગ્લૅન્ડની ટીમ 6 પૉઈન્ટ સાથે ટોચ પર છે. બીજા ક્રમ ભારતે ચારમાંથી ત્રણ મૅચમાં જીતીને 6 પૉઈન્ટ સાથે જાળવી રાખ્યો છે.
ભારતનું કટ્ટર હરીફ મનાતી પાકિસ્તાનની ટીમ 3 મૅચમાંથી એકમાં જ જીત મેળવી શકી છે. આમ તે ચોથા ક્રમે છે.
સેમી ફાઈનલમાં ભારત, ઑસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ અને ન્યૂઝિલૅન્ડની ટીમ ટકરાશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો