You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વર્લ્ડકપ : ભારત-બાંગ્લાદેશ વચ્ચેની એ છેલ્લી ઓવર, જેણે કરોડો લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા
ઍડિલેડમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની મૅચમાં ભારતે બાંગ્લાદેશને પાંચ રને હરાવી દીધું છે. સુપર 12 રાઉન્ડ માટેના મહત્ત્વના આ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જોકે, વરસાદને લીધે ડકવર્થ લુઈસનો નિયમ લાગુ પડ્યો અને બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો નવો ટાર્ગેટ મળ્યો. એ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 145 રન જ કરી શકી અને પાંચ રને હારી ગઈ.
મૅચમાં વરસાદે ખલેલ નાખી અને વરસાદ બાદ બાંગ્લાદેશે એક બાદ એક વિકેટો ગુમાવી દીધી અને મૅચ હારી ગયું. જોકે, અંતિમ ઓવરે કરોડો ક્રિકેટપ્રેમીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
વરસાદ બાદ બાંગ્લાદેશના બેટર નિષ્ફળ
વરસાદ પહેલાં બાંગ્લાદેશના લિટન દાસે અર્ધસદી ફટાકરી અને ટીમે 7 ઓવરમાં 66 રન બનાવ્યા હતા. જોકે, વરસાદ બાદની પ્રથમ જ ઓવરમાં લિટન દાસ રનઆઉટ થઈ ગયા.
લિટને રનઆઉટ થતાં પહેલાં 27 બૉલમાં 60 રન કર્યા. બાંગ્લાદેશની પ્રથમ વિકેટ 68 રન પર પડી હતી અને એ બાદ 16 રન જ હજુ ઉમેરાયા હતા કે નઝમુલ હુસૈનને મોહમ્મદ શમીએ સૂર્યકુમાર યાદવના હાથે આઉટ કરાવી દીધા. બીજી વિકેટ 84 રને પડી હતી.
12 ઓવરના પ્રથમ બૉલે અર્શદીપે અફીફ હુસૈનને આઉટ કર્યા અને એ સાથે જ બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પણ પડી. આ જ ઓવરના પાંચમા બૉલે અર્શદીપે કૅપ્ટન શાકિબ ઉલ હસનને પણ આઉટ કરી દીધા.
13મી ઓવરના બીજા બૉલે હાર્દિક પંડ્યાએ યાસીર અલીને અર્શદીપને હાથે કૅચઆઉટ કરાવ્યા. આ સાથે જ બાંગ્લાદેશની અડધી ટીમ 102 રન બનાવીને આઉટ થઈ ગઈ.
આ જ ઓવરમાં હાર્દિકે મુસદીક હુસૈનને બૉલ્ડ કર્યા અને બાંગ્લાદેશનો સ્કોર થયો 108 રન પર 6 વિકેટ. 99 રન પર બે બાદથી ચાર વિકેટમાં બંગ્લાદેશ માત્ર 9 રન જ જોડ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર ઓવરમાં બે વિકેટ લીધી જ્યારે હાર્દિક પંડ્યાએ પણ ત્રણ વિકેટ મેળવી. જ્યારે શામીને એક વિકેટ મળી.
આ વિજય સાથે જ ભારત 6 અંકો સાથે ટુર્નામેન્ટમાં ટોપ પર છે. વિરાટ કોહલીને 64 રનના યોગદાન બદલ 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરાયા.
વરસાદને લીધે મૅચ રોકાયો એ પહેલાં બાંગ્લાદેશે ઑપનર લિટન દાસ અને નજમુલ હુસૈન શાંતોએ ભારતીય બૉલરોને ચોતરફ ફટકાર્યા હતા. ખાસ કરીને લિટન દાસ ભારે આક્રમક જણાઈ રહ્યા હતા.
પણ વરસાદ બાદ મૅચ શરૂ થઈ અને મુકાબલો બદલાઈ ગયો. બાંગ્લાદેશનને પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતનો હવે આગામી મુકાબલો ઝિમ્બાબ્વે સાથે થશે.
ભારતની બેટિંગ
ભારત તરફથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીની અર્ધસદીને લીધે બાંગ્લાદેશ સામે જીતવા માટે 185 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ભારતીય ઇનિંગમાં રાહુલ અને કોહલીના અર્ધશતક ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 30 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ટૉસ જીતીને બાંગ્લાદેશે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતા.
તો પાકિસ્તાન સાથેની મૅચથી ફૉર્મ પાછું મેળવનારા વિરાટ કોહલીએ નોટઆઉટ 64 રન કર્યા. આ ઉપરાંત તેમણે એક વિશ્વવિક્રમ પણ પોતાના નામે કર્યો.
સાતમી ઓવરમાં કોહલીએ જેવો જ 16મો રન લીધો કે એ સાથે જ તેઓ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બેટર બની ગયા છે.
રોમાંચક અંતિમ ઓવર
15 ઓવર બાદ બાંગ્લાદેશને જીતવા માટે 20 રનની જરૂર હતી અને તેની પાસે માત્ર છ બૉલ જ બચ્યા હતા. ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ એ વખતે અર્શદીપ સિંહને ઓવર આપી હતી.
16મી ઓવરના પ્રથમ બૉલ પર તકસીમ અહમદ એક રન લીધો હતો અને એ બાદ સ્ટ્રાઇક પર આવેલા નુરુલ હસને છગ્ગો ફટકારીને બાંગ્લાદેશની વિજયના આશ જીવંત રાખી હતી. જ્યારે ભારતીય ટીમના ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
આ છગ્ગા સાથે જ ચાર બૉલમાં બાંગ્લાદેશને જીતવા માટે 13 બનાવવાના હતા. જોકે, ત્રીજા બૉલે કોઈ રન ન મળતાં બાંગ્લાદેશી બેટરો પર દબાણ વધી ગયું હતું અને ભારતીય ચાહકોમાં રોમાંચ વ્યાપી ગયો હતો.
ઓવરના ચોથો બૉલ અર્શદીપે યૉર્કર કર્યો અને નુરુલને માત્ર બે રનથી જ સંતોષ માનવો પડ્યો. એ બાદ બે બૉલમાં બાંગ્લાદેશને જીતવા માટે 11 રનની જરૂર હતી. અર્શદીપે ફરીથી યૉર્કર ફેંકવાનો પ્રયાસ કર્યો પણ એમાં નિષ્ફળતા સાંપડી અને નુરુલે ચોગ્ગો ફટકાર્યો.
જોકે, આ ચોગ્ગા સાથે જ કરોડો ભારતીય ચાહકો ખુશીથી ઝૂમી ઊઠ્યા. એ બાદ અંતિમ બૉલમાં બાંગ્લાદેશને જીતવા માટે સાત રનની જરૂર હતી અને જો એમાં છગ્ગો લાગે તો મૅચમાં ટાઈ થાય એમ હતી.
અત્યંત રોમાંચક રહેલી આ ઓવરના અંતિમ બૉલે બાંગ્લાદેશ માત્ર એક રન જ કરી શક્યું અને એ સાથે જ ભારતે બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવી દીધુ.
અર્શદીપને છેલ્લી ઓવર આપવા અંગે વાત કરતાં રોહિતે શર્માએ કહ્યું, "જ્યારે અર્શદીપ ટીમમાં આવ્યો ત્યારે અમે તેને ડૅથ ઓવરોમાં બૉલિંગ કરવાનું કહ્યું હતું. બુમરાહની ગેરહાજરીમાં આ કામ કોઈ પણ બૉલર માટે મુશ્કેલ છે. યુવા ખેલાડી માટે આ કામ સરળ નથી, પરંતુ અમે તેને તેના માટે તૈયાર કર્યો છે. તે છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યો છે."
રોહિતે કહ્યું, "મારે નિયમિત રીતે આ કામ કરી રહેલા ખેલાડીને સપોર્ટ કરવાનો હતો અને એમાં પસંદગી મોહમ્મદ શામી અને અર્શદીપ વચ્ચે કરવાની હતી."
જોકે, કૅપ્ટને અર્શદીપ પર પસંદગી ઉતારી હતી અને એમની આ પસંદગી એકદમ સફળ રહી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો