You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : એટીએમમાંથી લાખોની ચોરીની પૂછપરછ પછી યુવકે આપઘાત કર્યો, શું છે સમગ્ર મામલો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- રાજકોટમાં બૅંક ઑફ બરોડાના એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરીનો મામલો સામે આવ્યો હતો
- એટીએમમાંથી પૈસા કાઢતી વ્યક્તિનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે.
- પોલીસે કર્મચારીઓની પૂછપરછ કરી હતી જ્યાર બાદ એક કર્મચારીએ આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું.
- પરિવારે પોલીસનો માર અને કંપનીના ત્રાસને કારણે યુવાને આત્મહત્યાનો આરોપ મૂક્યો હતો અને મતૃદેહ લેવાનો ઇન્કાર કર્યો હતો.
- પરિવારે દિવસો બાદ પોતાના પુત્રનો મૃતદેહ સ્વીકાર્યો છે. વાંચો સમગ્ર ઘટના વિશે.
15 સપ્ટેમ્બર 2022ના રોજ રાજકોટના જસદણ-ખાનપર રોડ પર આવેલ ગીતાનગરના બૅંક ઑફ બરોડાના એટીએમમાંથી 17 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.
રાજકોટ પોલીસ અનુસાર આ ચોરી કોઈ સામાન્ય ચોરી ન હતી કારણ કે તે માત્ર અઢી મિનિટમાં થઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે એટીએમના સીસીટીવી કૅમેરા તપાસ્યા હતા.
બૅંક અધિકારીઓ મુજબ સીસીટીવી ફૂટેજમાં ચોરી કરનાર વ્યક્તિ એકદમ સરળતાથી પાસકોડ નાંખીને એટીએમમાંથી પૈસા કાઢીને જતી નજરે પડે છે. આ પાસકોડ એટીએમમાં પૈસા ભરવા આવતા કર્મચારીઓ પાસે જ હોવાથી પોલીસે તેમને તપાસ માટે બોલાવ્યા હતા.
બૅંક ઑફ બરોડાના ચીફ મૅનેજર પિન્ટુકુમાર મિશ્રાએ જણાવ્યું કે આ પૈકી એક કર્મચારીએ પોલીસને નિવેદન આપ્યાના 48 કલાક બાદ આત્મહત્યા કરી લીધી છે.
પરિવારે પોસ્ટમૉર્ટમ બાદ તેનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે પોલીસના મારથી અને તેની કંપનીના લોકો દ્વારા અપાઈ રહેલા માનસિક ત્રાસના કારણે તેણે આત્મહત્યા કરી છે. જ્યારે પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી છે.
જસદણ એટીએમમાં પૈસા ભારનાર યુવકની આત્મહત્યા મામલે સરકારે યોગ્ય તપાસ કરવાની ખાત્રી આપતાં જય ગોસ્વામી ના પરીવારે યુવકના મૃતદેહને સ્વીકાર કરી લીધો છે.
જાણકાર વ્યક્તિની સંડોવણી હોવાથી તપાસ માટે બોલાવ્યા
રાજકોટમાં બૅંક ઑફ બરોડાના ચીફ મેનેજર પિન્ટુકુમાર મિશ્રાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે આસપાસના તમામ એટીએમમાં પૈસા ભરવા માટે સિક્યૉર વેલ્યુ એજન્સીને કૉન્ટ્રેક્ટ આપ્યો છે. 15 સપ્ટેમ્બરના રોજ આ એજન્સીના રવિન્દ્ર અને જય ગોસ્વામીએ આવીને કહ્યું કે એટીએમમાં પૈસા નથી એટલે સીસીટીવી ચૅક કરવા છે."
તેમણે આગળ કહ્યું, "ગીતાનગરના એટીએમમાં 5 સપ્ટેમ્બરના દિવસે 25 લાખ રૂપિયા ભરાયા હતા. 10 દિવસમાં ગ્રાહકોએ 7.94 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. બાકીના રૂપિયાનો કોઈ હિસાબ ન હતો. જેથી અમે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સીસીટીવીમાં ટોપી પહેરેલી એક વ્યક્તિ એટીએમ ખોલીને તેમાં પાસકોડ નાંખીને એકદમ સરળતાથી અંદર રહેલા 17.33 લાખ રૂપિયા કાઢીને જતી નજરે પડી હતી. તે માણસ જે સરળતાથી પૈસા કાઢી રહ્યો હતો તેનાં પરથી લાગતું હતું કે તે કોઈ જાણકાર છે અને તેની પાસે એટીએમ ખોલવા માટેનો પાસકોડ પણ હતો. જેથી આ અંગે મેં પોલીસફરિયાદ નોંધાવી હતી."
"એટીએમ ખોલવાનો પાસકોડ બૅંકના ગણતરીના કર્મચારીઓ અને સિક્યૉર વેલ્યુ એજન્સીમાંથી એટીએમમાં પૈસા ભરવા જતા લોકો પાસે જ હોવાથી પોલીસે આ તમામ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા."
"જે પૈકી જય ગોસ્વામીએ પૂછપરછના 48 કલાક બાદ આત્મહત્યા કરી લીધી હતી."
પરિવાર અને પોલીસનું શું કહેવું છે?
જય ગોસ્વામીનાં માતા રીના ગોસ્વામીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મારા દીકરાને એક જ કિડની હોવાથી તેને જીવની જેમ સાચવતા હતા. તેણે 15મીએ એટીએમમાં ચોરી થયાની જાણ કરી હતી. બીજા દિવસે ઑફિસમાંથી રવિન્દ્ર ગોસ્વામીનો ફોન આવ્યો કે જસદણ પોલીસસ્ટેશનમાં નિવેદન આપવા જવાનું છે. જય એકલો જવા તૈયાર થયો, પણ મેં આગ્રહ રાખ્યો કે હું અથવા મારા પતિ તેની સાથે પોલીસસ્ટેશન જાય."
જયના પિતા અતુલભાઈ તેની સાથે પોલીસસ્ટેશન ગયા હતા. તેમણે બીબીસીને જણાવ્યું, "જયને એક જ કિડની હોવાથી મેં પોલીસને વિનંતી કરી કે તેને માર ન મારો પણ પોલીસે અમને બહાર કાઢ્યા અને તેને ખૂબ માર માર્યો."
"અમે છેવટે વકીલની મદદ લઈને તેને છોડાવ્યો હતો. બહાર આવ્યા બાદ પણ તે ચાલી શકતો ન હતો. પોલીસ બાદ તેની કંપનીના લોકોએ પણ તેને હેરાન કર્યો હતો."
જયનાં માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે પોલીસસ્ટેશનમાં માર અને કંપનીના લોકો દ્વારા અપાઈ રહેલા ત્રાસથી કંટાળીને જયે જન્મદિનના એક દિવસ પહેલાં ઘરના સ્ટોર રૂમમાં આત્મહત્યા કરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડ જણાવે છે કે આ ચોરી એટલી કાળજીપૂર્વક અને સરળતાથી પાર પાડવામાં આવી હતી કે પહેલી શંકા એ જ હતી કે આ કોઈ જાણકાર હશે અથવા તો જાણકાર વ્યક્તિએ ચોરની મદદ કરી હશે. તેમણે કહ્યું, "ચોરે સૌથી પહેલાં ચાવી વડે એટીએમ ખોલ્યું અને 12 આંકડાનો પાસકોડ નાંખીને પૈસા કાઢી લીધા હતા. આ પાસકોડ કોઈ જાણકાર વ્યક્તિએ જ ચોરને આપ્યો હોવાથી અમે જય અને તેની કંપનીના લોકોને તપાસ માટે બોલાવ્યા હતા."
પોલીસના માર અને આત્મહત્યા વિશે તેમણે કહ્યું કે જયે પોલીસની પૂછપરછના 48 કલાક બાદ આત્મહત્યા કરી છે. જેથી પોલીસની તેમાં કોઈ ભૂમિકા ન હોઈ શકે. હાલ ચોરીની તપાસ ચાલુ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો