You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચંડીગઢ યુનિવર્સિટી : વિવાદાસ્પદ વીડિયો મામલે અત્યાર સુધી શું જાણવા મળ્યું?
ચંડીગઢમાં એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો સામે આવતાં આઠ વિદ્યાર્થિનીઓએ કથિતપણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત જાણવા મળી હતી. પરંતુ પોલીસ અને યુનિવર્સિટીના તંત્ર દ્વારા આ વાતને અફવા ગણાવવામાં આવી છે.
બીબીસી સંવાદદાતા ગુરમિંદરસિંહ ગ્રેવાલના જણાવ્યા અનુસાર ચંડીગઢ નજીક એક ખાનગી વિશ્વવિદ્યાલયમાં શનિવારે રાતે ઓછામાં ઓછી આઠ કથિતપણે યુવતીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો, જે બાદ કૅમ્પસમાં ભારે હોબાળો થઈ ગયો.
આ ખાનગી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં એક યુવતી એવું સ્વીકારતાં જોઈ શકાય છે કે એણે નહાતી વખતે સાથી યુવતીઓના વીડિયો બનાવ્યા હતા.
એવો આરોપ છે કે આ યુવતીએ અન્ય છોકરીઓના વાંધાજનક વીડિયો બનાવીને શિમલામાં રહેતા એક યુવકને મોકલી દીધા અને એ યુવકે આ વીડિયો વાઇરલ કરી દીધા.
જોકે, જે યુનિવર્સિટીમાં આ ઘટના ઘટી છે, તેણે આ મામલે કોઈ આધિકારિક પ્રતિક્રિયા આપી નથી.
આ ઘટના રવિવાર સવારે લગભગ ત્રણ વાગ્યે પોલીસની જાણમાં આવી હતી અને હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે હજુ સુધી આ ઘટના અંગે કોઈ આધિકારિક જાણકારી આપી નથી.
શું છે સમગ્ર મામલો?
યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા મીડિયાને મોકલવામાં આવેલા ઑડિયોમાં એમને એવું કહેતાં સાંભળી શકાય છે કે હૉસ્ટેલની એક વિદ્યાર્થિનીએ અન્ય વિદ્યાર્થિનીઓના નહાતી વખતે ઉતારેલા વીડિયો વાઇરલ કરી દીધા છે.
પહેલાં આ વીડિયો ચાર યુવતીઓના હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જોકે, વાઇરલ ઑડિયોમાં એક વિદ્યાર્થિનીને એવું કહેતાં સાંભળી શકાય છે કે આમાં યુવતીઓના કેટલાય વીડિયો છે અને વિશ્વવિદ્યાલયના તંત્ર દ્વારા કોઈ આકરી કાર્યવાહી કરાઈ રહી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાઇરલ થઈ રહેલા કેટલાક વીડિયો અને તસવીરોમાં પોલીસ હોબાળો કરી રહેલી વિદ્યાર્થિનીઓ સાથે વાત કરવાનો અને એમને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
કૅમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહેલી વિદ્યાર્થિનીઓના વીડિયો પણ સામે આવી રહ્યા છે.
ઘટનાનું સંક્ષિપ્ત વિવરણ
- ચંડીગઢ પાસેની એક ખાનગી યુનિવર્સિટીમાં આઠ છોકરીઓએ કથિતપણે કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ
- યુનિવર્સિટીની એક અન્ય છોકરીએ તેમના વીડિયો બનાવીને વાઇરલ કરી દીધા હતા
- પ્રાથમિક જાણકારી અનુસર લગભ 60 છોકરીઓના વીડિયો બનાવવામાં આવ્યા હતા
- આત્મહત્યાના પ્રયાસ કરનાર છોકરીઓની સ્થિતિ ગંભીર
- શનિવારની રાત્રે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રવિવાર સવાર સુધી હંગામો ચાલતો રહ્યો
- પોલીસે વિદ્યાર્થિનીને કસ્ટડીમાં લીધી અને હાલ તેમની પૂછપરછ કરાઈ રહી છે
- પોલીસ વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયાસ કરી રહી છે
પહેલાં વિશ્વવિદ્યાલય પ્રબંધને આ મામલાનો જાતે જ નિવેડો લાવવાનો પ્રયાસ કર્યો પણ સ્થિતિ કાબૂની બહાર જતાં જોઈ પોલીસને બોલવવાનો નિર્ણય લેવાયો.
પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે આરોપી યુવતી વિરુદ્ધ ખરડ પોલીસસ્ટેશનમાં એમએમએસ બનાવીને એને વાઇરલ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીની અટકાયત કરીને એની પૂછપરછ કરાઈ રહી છે અને ટૂંક સમયમાં ધરપકડની વાતો પણ કરવામાં આવી રહી છે.
આ મામલે એફઆઈઆર નોંધાયા બાદ વિદ્યાર્થિનીઓ શાંત થઈ. યુનિવર્સિટીએ કૅમ્પસના દરવાજા બંધ કરી દીધા છે અને મીડિયાને અંદર પ્રવેશવાની પરવાનગી નથી.
પંજાબના શિક્ષણમંત્રી હરજોતસિંહે બૈંસે ટ્વીટ કરીને વિદ્યાર્થિનીઓને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે કોઈ પણ દોષિતને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું છે કે આ ભારે સંવેદનશીલ કેસ છે અને માતાબહેનોના સન્માન સાથે જોડાયેલો છે. મીડિયા સહિત સૌએ સચેત રહેવાની જરૂર છે.
વિશ્વવિદ્યાલયના જ અન્ય એક વીડિયોમાં કેટલીક વિદ્યાર્થિનીઓને બેહોશીની હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવતી જોઈ શકાય છે.
બીબીસી સંવાદદાતા ગુરમિંદરસિંહ ગ્રેવાલેના જણાવ્યા અનુસાર કેટલીક વિદ્યાર્થિનીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે.
જોકે, મીડિયામાં ચાલી રહેલી ખબરો અનુસાર એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે પણ પોલીસે આને માત્ર અફવા ગણાવી છે.
બીબીસી આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.
એક અન્ય વીડિયોમાં હૉસ્ટેલ વૉર્ડન આરોપી છોકરીની પૂછપરછ કરી રહ્યાં છે. જેમાં છોકરીને એવું કહેતાં સાંભળી શકાય છે કે તેણે અમુક વીડિયો બનાવીને શિમલામાં રહેતા છોકરાને મોકલી દીધા હતા.
વૉર્ડને પૂછે છે કે તેમણે આવું કેમ કર્યું, પરંતુ આ પ્રશ્નનો છોકરી પાસે કોઈ જવાબ નહોતો.
પોલીસનાં સૂત્રો પ્રમાણે, જે છોકરાને વીડિયો મોકલાવાયા હતા, તેને શિમલામાં કસ્ટડીમાં લઈ લેવાશે.
મહત્ત્વપૂર્ણ જાણકારી -
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 થકી મદદ મેળવી શકો છો.
તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ. યોગ્ય સમયે સલાહ અને પરામર્શથી આત્મહત્યાના બનાવને ઘણી હદે રોકી શકાય છે.
માનસિક સમસ્યાઓનો ઇલાજ દવા અને થેરેપીથી સંભવ છે. તેના માટે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ, તમે આ હેલ્પલાઇન થકી પણ સંપર્ક કરી શકો છો -
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની હેલ્પલાઇન - 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)
ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સિઝ - 9868396824, 9868396841, 011-22574820
હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ - 022-24131212
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સિઝ - 080-26995000
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો