You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય', વિરોધના સવાલો પર સૈન્યે શું કહ્યું?
ભારતીય સેનામાં ભરતી માટેની નવી અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા આંદોલનને શાંત કરવા માટે સેનાએ રવિવારે દિલ્હીમાં આ યોજના સાથે જોડાયેલી વાતોને સ્પષ્ટ કરવાની કોશિશ કરી હતી.
આ અગાઉ અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ત્રણેય સેનાના પ્રમુખોની સતત બીજા દિવસે બેઠક થઈ હતી.
રક્ષામંત્રી રાજનાથસિંહે મંગળવારે સૈન્યમાં ભરતી માટેની 'અગ્નિપથ' યોજનાને ખુલ્લી મૂકી હતી ત્યાર પછીથી આ યોજના સામે દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.
રક્ષામંત્રીની જાહેરાત સાથે જ બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક સહિત દેશના અનેક રાજ્યોમાં સેનાની આ ભરતી યોજનાના વિરોધમાં આંદોલનો થયાં હતાં.
આંદોલનો હિંસક બનતા પ્રદર્શનકારીઓએ અનેક ટ્રેનના ડબ્બા સળગાવ્યા હતા, સેંકડો ટ્રેન રદ્દ કરવી પડી હતી.
શનિવારે સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથના વિરોધમાં દેશમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને કારણે રેલવેએ 369 ટ્રેન રદ કરવી પડી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ટ્રેનમાં 210 મેલ-એક્સપ્રેસ રેલગાડી અને 159 સ્થાનિક ગાડી સામેલ છે. અગાઉ શુક્રવારે પણ 200 ટ્રેન રદ કરવી પડી હતી. હજુ પણ વિરોધ ચાલી રહ્યો છે.
સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ શું કહ્યું?
અગ્નિપથ યોજના અંગે સ્પષ્ટતા માટે રવિવારે બપોરે સેનાની ત્રણેય પાંખના અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કૉન્ફરન્સ અધિક સચિવ (ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સ)ની આગેવાનીમાં થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રક્ષા મંત્રાલયમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું કે, "આજે પણ પ્રતિવર્ષ ઇન્ડિયન આર્મીમાં અંદાજે 14,000, નૅવીમાં 3000 અને ઍરફોર્સમાં 500-600 જેટલા જવાનો રિટાયર્ડ થાય છે. તેમની ઉંમર 35થી 38 વર્ષ છે. આજ સુધી એવો સવાલ નથી ઊભો થયો કે તેઓ બહાર જઈને શું કામ કરે છે?"
તેમણે કહ્યું, "દેશની સેવામાં બલિદાન આપનારા અગ્નિવીરને એક કરોડ રૂપિયાનું વળતર મળશે. 'અગ્નિવીર'ને સિયાચીન અને અન્ય વિસ્તારોમાં તે જ ભથ્થું અને સુવિધાઓ મળશે જે હાલમાં કાયમી સૈનિકોને લાગુ પડે છે. તેની સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે."
તેમણે કહ્યું, "જે પણ અમારી સાથે અગ્નિવીર સાથે જોડાવા માગે છે તેમણે પ્રતિજ્ઞા લેવી પડશે કે તેણે કોઈ પણ પ્રદર્શન અથવા તોડફોડમાં ભાગ લીધો નથી. પોલીસ વેરિફિકેશન વિના કોઈ પણ સેનામાં પ્રવેશ કરી શકશે નહીં. તેથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનો સમય બગાડે નહીં."
આ પ્રેસ કૉન્ફરન્સમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ સ્પષ્ટ કર્યું હતું કે સેનામાં જવાનોની ભરતીની નવી અગ્નિપથ યોજના પાછી નહીં લેવાય. તેમના અનુસાર આ એક પ્રગતિશીલ પગલું છે અને દેશની સેવા માટે આવું કરવું ખાસ જરૂરી છે.
લેફ્ટનન્ટ જનરલની રજૂઆતના મહત્ત્વના મુદ્દાઓ
- આર્મીને યુવાન બનાવવાની ક્વાયત 1989થી થઈ રહી હતી.
- કારગિલ રિવ્યુ કમિટીમાં અરુણસિંહ કમિશન, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ રિપોર્ટ્સ સહિતના તમામની ભલામણો હતી કે કમાન્ડિંગ ઑફિસરની ઉંમર ઘટાડવી.
- આજે નહીં 30 વર્ષથી આની જરૂર હતી. 1989માં તે ઉંમર 30 વર્ષ હતી જે આજે 32 વર્ષ છે. તેને ગમે તેમ ઘટાડીને 26 વર્ષ કરવાની યોજના છે, કારણ કે 2030માં દેશમાં 50 ટકા વસ્તી 25 વર્ષથી નાની વયની હશે. એવામાં એ યોગ્ય નથી કે દેશની રક્ષા કરતા જવાનોની ઉંમર 32 વર્ષ હોય.
- 2 વર્ષ ગંભીર અભ્યાસ કરવામાં આવ્યો. સૈન્યની ત્રણેય પાંખના વડાઓએ મળીને આ મુદ્દે ચર્ચા કરી.
- બહારના દેશોનો અભ્યાસ કર્યો. મોટાભાગના દેશોમાં કમાન્ડિંગ ઑફિસરની નિયુક્તિની ઉંમર 26,27 કે 28 વર્ષ છે. કારણ કે જોશ અને હોશ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
- આગામી લડાઈ ટેકનોસેવી લડાઈ હશે તેમાં આજના મોબાઇલ, કમ્પ્યુટર સેવી યુવાઓ મદદરૂપ થશે.
- આર્મીમાં 70 ટકા ગામમાંથી આવે છે. ગામડાંમાં મુખ્ય વ્યવસાય ખેતી છે અને તેમાં 10 ધોરણ ભણેલા એટલા માટે રાખ્યા કે આ જવાનોએ મોરચે લડવાનું છે. એટલે અમે તેમની ઓછામાં ઓછી સાડા 17 વર્ષ અને વધુમાં વધુ 21 વર્ષ વયમર્યાદા રાખી. આ વયમર્યાદા પહેલાં પણ આટલી જ હતી.
- અત્યારે વર્ષે 40,000ની ભરતી આગામી 4-5 વર્ષોમાં 90,000 પર પહોંચશે. અમે થોડાથી શરૂઆત એટલા માટે કરી છે, કેમકે તેને ચલાવતા અમને પણ શીખવા મળે કે ક્યાં કેવી તકલીફો આવી રહી છે.
નૌકાદળના વાઇસ એડમિરલ ડીકે ત્રિપાઠીએ કહ્યું, "અમે અમારી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 25 જૂન સુધીમાં અમારી જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સુધી પહોંચી જશે. એક મહિનામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે. 21 નવેમ્બરે અમારા પ્રથમ અગ્નિવીર સંસ્થાનમાં તાલીમની શરૂઆત કરશે."
તેમણે કહ્યું, "અમે નૌકાદળમાં મહિલા અગ્નિવીરને પણ લઈ રહ્યા છીએ. તે માટે અમારી તાલીમમાં સુધારા માટેનું કામ શરૂ થઈ ગયું છે. અમે 21 નવેમ્બરની રાહ જોઈ રહ્યા છીએ, મને આશા છે કે મહિલા અને પુરુષ અગ્નિવીર આઈએનએસ ચિલ્કા પર તહેનાત થશે."
એર ચીફ માર્શલ એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે, "ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની પ્રથમ બેચ લેવાની પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે. તેના માટે એક ઑનલાઈન સિસ્ટમ છે. તેના હેઠળ રજિસ્ટ્રેશન શરૂ થશે. એક મહિના પછી, 24 જુલાઈથી ફેઝ -1 ઑનલાઇન પરીક્ષાઓ શરૂ થશે. ડિસેમ્બરના અંત સુધીમાં અગ્નિવીરની પ્રથમ બેચને ઍરફોર્સમાં સામેલ કરવામાં આવશે. બેચની તાલીમ 30 ડિસેમ્બર પહેલા શરૂ થઈ જશે."
અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટૂર ઑફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે.
સિંગાપોરમાં ઍસ રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનીત મુખરજીએ બીબીસીને કહ્યું, "જો પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે."
સૅન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફૅલો સુશાંતસિંહ આ પ્રસ્તાવથી અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.
સુશાંત કહે છે, "શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો?"
"આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફૌજ ન તૈયાર થઈ જાય."
અગ્નિપથ યોજના પર ઊઠી રહેલા પ્રશ્નો
- ચાર વર્ષ બાદ તાલીમબદ્ધ યુવાનો શું કરશે? તેનાથી સમાજનું 'સૈન્યીકરણ' થવાનો ખતરો છે.
- આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જશે.
- આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે છે.
- પાઇલટ પ્રોજેક્ટ વગર જ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે
- તેનાથી દર વર્ષે અંદાજે 40 હજાર યુવાનો બેરોજગાર થશે.
અગ્નિપથ યોજના શું છે?
ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી.
એ વખતે સંરક્ષણમંત્રીએ કહ્યું હતું, "આજે અમે 'અગ્નિપથ' નામની એક પરિવર્તનકારી યોજના લાવી રહ્યા છીએ, જે આપણાં સશસ્ત્ર દળોમાં બદલાવ લાવીને તેમને વધુ આધુનિક બનાવશે."
'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 ટકા લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
રાજનાથ સિંહે એવું પણ કહ્યું હતું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.
નૅવી ચીફ ઍડમિરલ આર. હરિકુમારે કહ્યું હતું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45000 યુવાનોની ભરતી કરવામાં આવશે. અગ્નિવીરોમાં મહિલાઓના સમાવવાની પણ તેમણે વાત કરી હતી.
અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ નોકરીમાં ચાલું રહેવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.
તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે.
આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.
અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો