You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ભાજપની ઑફિસમાં સિક્યૉરિટી રાખવાનો હોય તો અગ્નિવીરને પ્રાથમિકતા', કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી વિવાદ - પ્રેસ રિવ્યૂ
ભારતીય સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથ ને લઈને ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના એક નિવેદનથી વિવાદ થયો છે.
કૈલાશ વિજયવર્ગીયે ઇન્દૌરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે "મારે જો ભાજપની ઑફિસમાં સિક્યૉરિટી રાખવો હોય તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ."
વિજયવર્ગીયે અગ્નિપથ ભરતી યોજના અંગે રવિવારે પત્રકારો સાથે વાત કરતા હતા, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું, "સેનામાં ટ્રેનિંગમાં પહેલા શિસ્ત અને પછી યાજ્ઞાનું પાલન કરવાનું હોય છે. જ્યારે તેઓ (અગ્નિવીર) ટ્રેનિંગ લેશે અને ચાર વર્ષની સેવા બાદ નીકળશે. સાડા 17થી 23 વર્ષની વય. જો તે 21 વર્ષે ભરતી થાય, ચાર વર્ષ કામ કરે તો 25 વર્ષ. 25 વર્ષની વયે જ્યારે તે બહાર નીકળશે તો તેના હાથમાં 11 લાખ રૂપિયા હશે. અને તે છાતી પર અગ્નવીરનો મેડલ લઈને ફરશે. મારે જો આ ઑફિસમાં, ભાજપની ઑફિસમાં સિક્યૉરિટી રાખવો હશે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ."
તો આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ નિવેદનની નિંદા કરી છે.
તેમણે કહ્યું, "દેશના યુવાઓ અને સેનાના જવાનોનું આટલું અપમાન ન કરો. આપણા દેશના યુવા દિવસરાત મહેનત કરને ફિઝિકલ પાસ કરે છે, ટેસ્ટ પાસ કરે છે, કેમ કે તેઓ સેનામાં જઈને આખું જીવન દેશની સેવા કરવા માગે છે, એટલા માટે નહીં તો ભાજપની ઑફિસની બહાર ગાર્ડ બનવા માગે છે."
નીરજ ચોપરાએ કુઓર્તાને ગેઇમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
ટોક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ રચનારા નીરજ ચોપરાએ શનિવારે ફિનલૅન્ડમાં ચાલી રહેલ ટ્રૅક ઍન્ડ ઍથ્લીટ સ્પર્ધાના આયોજન કુઓર્તાને ગેઇમ્સમાં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
તેમણે શનિવારે 86.69 મિટર દૂર ભાલો ફેંકીને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. નીરજ ચોપરાના શ્રેષ્ઠ પ્રદર્શનની સરખામણીએ તે ખૂબ જ ઓછું અંતર હતું. તેમ છતાં ત્રિનિદાદ ઍન્ડ ટોબેગોના કેશરન વાલ્કૉટ અને ગ્રેનાડાના વર્લ્ડ ચૅમ્પિયન એન્ડરસન પીટર્સને પાછળ મૂકી તેમણે આ સન્માન મેળવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાલ્ટ નીરજ ચોપરા કરતાં બહુ પાછળ નહોતા, તેઓ 86.64 મિટરના અંતર સાથે બીજા સ્થાન પર રહ્યા. જ્યારે પીટર્સ 84.75 મિટર સાથે ત્રીજા સ્થાને હતા.
વરસાદ જેવા માહોલમાં નીરજની શરૂઆત તો સારી રહી પરંતુ બીજા થ્રો દરમિયાન તેમનાથી ફાઉલ થયું અને ત્રીજા થ્રો દરમિયાન તેઓ સ્લિપ થઈ ગયા. જેના કારણે તેમણે આગળ થ્રો ન કર્યો. બની શકે કે જો તેમણે આગળ થ્રો કર્યો હતો તો તેઓ પોતાના જ પ્રદર્શનને સુધારી શક્યા હોત.
સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ : આરોપી સંતોષે કહ્યું બનાવના દિવસે ગુજરાતમાં હતા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતના કચ્છમાંથી સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં શકમંદ સંતોષ જાધવે પોલીસને તપાસમાં જણાવ્યું છે કે તે સિદ્ધુની હત્યાના દિવસે ગુજરાતમાં હતા.
નોંધનીય છે કે પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરાઈ હતી.
આ હત્યા સબબ પુણે પોલીસ દ્વારા શકમંદ સંતોષ જાધવની કચ્છમાંથી ધરપકડ કરાઈ હતી.
પુણે ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અભિનવ દેશમુખે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે સંતોષ જાધવના દાવાની તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં GST અધિકારી દ્વારા જપ્ત કરાયેલ ટ્રકમાંથી 4 ટન તાંબું ચોરી
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે સુરત પોલીસે ગુજરાતના નાનપુરા ખાતે સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ (SGST) ઑફિસ ખાતે જમા કરાયેલ ટ્રકમાંથી ચાર ટન તાંબાની ચોરીની ફરિયાદ નોંધી છે.
પોલીસે જણાવ્યું છે કે ચોરી કરાયેલ માલની કિંમત 29.10 લાખ રૂપિયા છે.
અધિકારીઓ દ્વારા પાંચ ડિસેમ્બરના રોજ લગભગ દસ ટન તાંબું ભરેલ ટ્રક કબજે કરાઈ હતી. જે પૈકી 4,279 કિલોગ્રામ તાંબાની ચોરી થઈ ગઈ હતી.
તેમજ તેના સ્થાને 2,257 કિલોગ્રામ સ્ટીલનો ભંગાર મૂકી દેવાયો હતો.
આ બાબત સુરતના આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અગ્નિપથ મામલે રાહુલ ગાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવા જણાવ્યું
કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને રવિવારે પોતાનો જન્મદિવસ ન ઊજવવાની અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ એક સંદેશ જાહેર કરીને પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને કહ્યું છે કે દેશના યુવાનો પરેશાન છે અને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ યુવાનો સાથે ઊભા રહેવું જોઈએ.
ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવાર 52 વર્ષના થઈ જશે.
કૉંગ્રેસનેતા જયરામ રમેશે ટ્વિટર પર રાહુલ ગાંધીનો સંદેશ ટ્વીટ કર્યો. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં માહોલ અત્યંત ચિંતાજનક છે.
રાહુલ ગાંધીએ સેનામાં ભરતી માટે 'અગ્નિપથ' યોજના વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો તરફ ઇશારો કરતાં કહ્યું છે કે, "દેશના યુવાનો પરેશાન છે. આપણે હાલ તેમની અને તેમના પરિવારજનો સાથે ઊભા રહેવાનું છે."
"હું દેશના કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને પોતાના શુભચિંતકોને અપીલ કરું છું કે મારા જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરશો."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો