અગ્નિપથ વિરોધી આંદોલન વચ્ચે કેન્દ્રીય રક્ષામંત્રીની સેનાના ત્રણેય પાંખોના પ્રમુખો સાથે બેઠક

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

સેનામાં ભરતીની નવી અગ્નિપથ યોજના પર વિરોધ પ્રદર્શનો વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવાર સવારે ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે બેઠક કરી હતી.

આ અઠવાડિયે ત્રણેય સેનાના પ્રમુખોની સાથે રક્ષા મંત્રીએ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી.

આજ બપોરે બે વાગ્યે સેનાની ત્રણેય પાંખોના પ્રમુખ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરશે. આ પ્રેસ વાર્તા અતિરિક્ત સચિવ (ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેયર્સ)ની આગેવાનીમાં થઈ.

જોકે, આ યોજનાનો દેશના અલગઅલગ ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ ટ્રેનોમાં આગ ચાંપવામાં આવી છે.

નવી યોજના હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે સેવાનો અવસર મળ્યો છે.

અગ્નિપથ સામે વિરોધ

અગાઉ શનિવારે સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથના વિરોધમાં દેશમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનને કારણે રેલવેએ 369 ટ્રેન રદ કરવી પડી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ટ્રેનમાં 210 મેલ-એક્સપ્રેસ રેલગાડી અને 159 સ્થાનિક ગાડી સામેલ છે. અગાઉ શુક્રવારે પણ 200 ટ્રેન રદ કરવી પડી હતી.

ભારતીય સેનાના ત્રણેય પાંખના વડાએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી અને ત્યાર પછી દેશમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે અને હજુ પણ વિરોધ ચાલુ છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે અગ્નિવીરો માટે અનામત યોજનાની જાહેરાત કરી

રક્ષામંત્રી રાજનાથસિંહે રક્ષા મંત્રાલયની નોકરીઓમાં 'અગ્નિવીરો' માટે 10% અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અનામત માત્ર લાયકાતની શરતો પૂરી કરતા અગ્નિવીરોને જ લાગુ પડશે.

રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, રક્ષા વિભાગના નાગરિક પદો અને રક્ષા મંત્રાલય હેઠળના તમામ 16 જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 10% અનામતની સિસ્ટમ લાગુ પડશે.

ભૂતપૂર્વ સૈનિકો માટે રક્ષા મંત્રાલય સાથે સંબંધિત નોકરીઓમાં આરક્ષણની વ્યવસ્થા પહેલેથી જ છે.

રક્ષામંત્રીના કાર્યાલયે કહ્યું છે કે અગ્નિવીરો માટે અનામતની સિસ્ટમ ભૂતપૂર્વ સૈનિકો માટે કરવામાં આવેલી જોગવાઈથી અલગ હશે.

આ માટે ભરતીના નિયમોમાં જરૂરી ફેરફાર કરવા સૂચના આપવામાં આવી છે.

આ માટે રક્ષા મંત્રાલય હેઠળની સરકારી કંપનીઓને પણ ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે રક્ષામંત્રીના કાર્યાલય તરફથી વયમર્યાદામાં છૂટછાટની વાત પણ કહેવામાં આવી છે.

દાનાપુર રેલવે ડિવિઝનને 200 કરોડનું નુકસાન

બિહારમાં સેનામાં ભરતીની યોજનાના વિરોધમાં શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે નારાજ પ્રદર્શનકારીઓએ શનિવારે બિહારના તારેગના રેલવે સ્ટેશનને આગને હવાલે કરી દીધું હતું.

તેઓ સરકાર તેનો નિર્ણય પાછો લે તેવી માગ કરી રહ્યા હતા.

બિહાર પોલીસના એક વરિષ્ઠ અધિકારી સંજયસિંહે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે હજારોની સંખ્યામાં નવજવાનોએ ટ્રેનની બોગીઓ પર હુમલો કર્યો, ટાયર સળગાવ્યાં અને અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થયું.

તેમણે માહિતી આપી કે કમસે કમ 12 પ્રદર્શનકારીની ધરપકડ કરાઈ છે. તારેગના રેલવે સ્ટેશન પર થયેલી હિંસામાં ચાર પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

દાનાપુર રેલવે ડિવિઝનના પ્રમુખ પ્રભાતકુમારે કહ્યું કે "રેલવે પરિસરમાં હિંસક ઘટનાઓને કારણે રેલવેની 200 કરોડથી વધુ સંપત્તિનું નુકસાન થયું છે. 50 રેલકોચ અને પાંચ એન્જિન સંપૂર્ણ સળગાવી દીધાં છે. રેલવે પ્લેટફોર્મ, કમ્પ્યુટર અને ઘણાં તકનીકી ઉપકરણોને નુકસાન થયું છે."

સોનિયા ગાંધીની પ્રતિક્રિયા

દેશભરમાં સેનામાં ભરતીની યોજનાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ સેના ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.

સોનિયા ગાંધીએ કહ્યું, "મને દુઃખ છે કે સરકારે તમારા અવાજને અવગણીને નવી સૈન્ય ભરતીની જાહેરાત કરી છે, જે સંપૂર્ણપણે દિશાહીન છે. તમારી સાથે ઘણા ભૂતપૂર્વ સૈનિકો અને રક્ષા નિષ્ણાતોએ પણ આ યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા છે."

તેમણે કહ્યું કે કૉંગ્રેસ આ યોજનાનો વિરોધ કરી રહેલા લોકોની સાથે મક્કમતાથી ઊભી છે અને આ યોજના પાછી ખેંચવા માટે લડવા અને તમારા હિતોનું રક્ષણ કરવાનું વચન આપે છે.

'નિર્ણય પાછો ન લેવાય ત્યાં સુધી વિરોધ'

તો કેરળના તિરુઅનંતપુરમના થંપાનૂર વિસ્તારમાં યુવાનો એકઠા થયા હતા અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના સત્તાવાર નિવાસસ્થાન રાજભવન તરફ માર્ચ કરી હતી.

તેઓ ભારત સરકારની નવી યોજના વિરુદ્ધ સૂત્રો પોકારતા હતા, તેમના હાથમાં પ્લેકાર્ડ અને બૅનર જોવા મળતાં હતાં, જેમાં સરકારને પોતાનો નિર્ણય પાછો લેવાની માગ કરાઈ હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ યુવાનો કેરળનાં અલગઅલગ શહેરમાંથી આવ્યા હતા. પ્રદર્શનકારીઓમાંથી એક નવયુવાને કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ ભરતી યોજનાને પાછી નહીં લે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.

તેમણે કહ્યું કે "અમારામાંથી ઘણાએ સેનામાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ વચ્ચે છોડીને પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. જો કેન્દ્ર સરકાર આ યોજનાને લાગુ કરવાની દિશામાં આગળ વધશે તો અમે શું કરીશું. અમારું ભાવિ અંધકારમય થઈ જશે. આથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખીશું."

અગ્નિપથના વિરોધની આગ કર્ણાટક સુધી ફેલાઈ

અગ્નિપથ વિરોધી આંદોલન દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક સુધી વિસ્તરી ગયું છે. બેલગવી જિલ્લાના ખાનપુર અને ધારવાડમાંથી વિરોધ દર્શાવવામાં આવ્યો છે, જે બંને મુખ્ય સૈન્ય ભરતી જિલ્લાઓ છે.

બીબીસીના પત્રકાર ઈમરાન કુરેશીના જણાવ્યા પ્રમાણે, ખાનપુરમાં વિરોધપ્રદર્શન કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. અંજલિ નિમ્બાલકરની આગેવાની હેઠળ યોજાયું હતું. તેમાં શારીરિક અને તબીબી પરીક્ષાઓ આપી ચૂકેલા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રદર્શન મોટે ભાગે શાંતિપૂર્ણ યોજાયું હતું.

ડૉ. નિમ્બલકરે બીબીસી હિન્દીને જણાવ્યું હતું, "આ યુવાનો તેમની લેખિત પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. તેઓ નવી અગ્નિપથ યોજનાથી ખૂબ જ હતાશ છે, કારણ કે તેઓએ છેલ્લાં કેટલાંક વર્ષોથી તાલીમ લીધી છે અને તેના માટે ઘણા પૈસા પણ ખર્ચ્યા છે."

તેમણે કહ્યું, "બંને ટેસ્ટ 2020માં લેવામાં આવી હતી અને ત્યારથી તેઓ લેખિત પરીક્ષા લખવા માટે રાહ જોઈ રહ્યા હતા. 2021માં પણ ભરતી થઈ ન હતી.''

જ્યારે ધારવાડમાં અધિક નાયબ કમિશનરને આવેદનપત્ર આપ્યા પછી પણ પ્રદર્શન ન વિખેરાતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

હુબલ્લી-ધારવાડના પોલીસ કમિશનર લાભુ રામે બીબીસી હિન્દીને જણાવ્યું હતું, "અધિક નાયબ કમિશનરે આવેદનપત્ર સ્વીકાર્યા પછી પણ પ્રદર્શનકારીઓ વિખેરાયા ન હતા, ત્યારે અમે તેમને વચન મુજબ જવાનું કહ્યું હતું. તેમાંથી કેટલાકે બસો પર પથ્થરમારો કર્યો હતો જેમાં એક બસને નુકસાન થયું હતું. તેથી અમે તેમનો પીછો કર્યો હતો. તે લાઠીચાર્જ નહોતો."

તેલંગણા પછી કર્ણાટક એ બીજું દક્ષિણનું રાજ્ય છે, જ્યાં ભારતીય સેનામાં ભરતી માટે પરીક્ષાઓ આપનાર અથવા તાલીમ લઈ રહેલા યુવાનો દ્વારા વિરોધ જોવા મળ્યો હતો.

અગ્નિપથ યોજના શું છે?

ભારતીય સેનાના ત્રણેય વડાઓએ સૈન્યમાં ટૂંકા ગાળાની નિમણૂકોને લઈને 'અગ્નિપથ' નીતિની જાહેરાત કરી હતી.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે અગ્નિપથ યોજનાને ખુલ્લી મૂકી હતી.

એ વખતે સંરક્ષણમંત્રીએ કહ્યું હતું, "આજે અમે 'અગ્નિપથ' નામની એક પરિવર્તનકારી યોજના લાવી રહ્યા છીએ, જે આપણાં સશસ્ત્ર દળોમાં બદલાવ લાવીને તેમને વધુ આધુનિક બનાવશે."

"અગ્નિપથ' યોજના હેઠળ, ભારતીય યુવાનોને 'અગ્નવીર' તરીકે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક પૂરી પાડવામાં આવશે."

'અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 ટકા લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.

રાજનાથ સિંહે એવું પણ કહ્યું હતું કે આ યોજના રોજગારની તકો વધારશે અને દેશની સુરક્ષાને મજબૂત કરશે.

અગ્નિપથ યોજના પર ઊઠી રહેલા પ્રશ્નો

  • ચાર વર્ષ બાદ તાલીમબદ્ધ યુવાનો શું કરશે? તેનાથી સમાજનું 'સૈન્યીકરણ' થવાનો ખતરો છે.
  • આ યોજનાથી ભારતીય સેનામાં 'શિખાઉ' જવાનોની સંખ્યા વધી જશે.
  • આ યોજનાના કારણે સશસ્ત્ર બળોની સદીઓ પુરાણી રૅજિમેન્ટલ સંરચનાને ખલેલ પહોંચી શકે છે.
  • પાઇલટ પ્રોજેક્ટ વગર જ આ યોજના શરૂ કરી દેવામાં આવી છે
  • તેનાથી દર વર્ષે અંદાજે 40 હજાર યુવાનો બેરોજગાર થશે.

નૅવી ચીફ ઍડમિરલ આર. હરિકુમારે કહ્યું હતું કે આ યોજના હેઠળ ચાર વર્ષ માટે લગભગ 45000 યુવાનોની ભરતી કરવામાં આવશે. અગ્નિવીરોમાં મહિલાઓના સમાવવાની પણ તેમણે વાત કરી હતી.

અગ્નિપથ હેઠળ ભરતી કરાયેલા યુવાનોને આગળ નોકરીમાં ચાલું રહેવા માટે છ મહિનાની તાલીમમાંથી પસાર થવું પડશે.

તેમનો પગાર લગભગ 40 હજાર રૂપિયા જેટલો હશે.

આ યોજનાની જાહેરાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે આ યોજના તમામ સંબંધિત પક્ષો સાથે વિગતવાર ચર્ચા અને પરામર્શ કર્યા પછી લાવવામાં આવી છે.

અગ્નિપથ યોજના હેઠળ આગામી 90 દિવસમાં એટલે કે ત્રણ મહિનામાં ભરતી શરૂ થશે.

અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

અગ્નિપથ યોજનામાં ભરતીની પદ્ધતિને 'ટૂર ઑફ ડ્યૂટી' કહેવામાં આવી રહી છે.

સિંગાપોરમાં ઍસ રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના અનીત મુખરજીએ બીબીસીને કહ્યું, "જો પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ ટૂંકા ગાળાના સૈનિકોની નિમણૂક કરવામાં આવે તો તેની અસર ક્ષમતા પર પડશે."

સૅન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફૅલો સુશાંતસિંહ આ પ્રસ્તાવથી અસ્વસ્થ છે. તેમનું કહેવું છે કે જો યુવાનોને ટૂંકા ગાળા માટે સૈનિકોમાં ભરતી કરવામાં આવે તો તેઓ 24 વર્ષ સુધીમાં સેનામાંથી બહાર થઈ જશે. તેનાથી દેશમાં બેરોજગારીમાં વધારો જ થશે.

સુશાંત કહે છે, "શું તમે મોટી સંખ્યામાં સૈન્ય તાલીમ લીધી છે એવા યુવાનોને બહાર કાઢવા માગો છો?"

"આ યુવાનો ફરી એ જ સમાજમાં આવશે જ્યાં પહેલેથી હિંસાનું પ્રમાણ વધારે છે. શું તમે એવું ઇચ્છો છો કે આ ભૂતપૂર્વ સૈનિકો પોલીસ અને સિક્યૉરિટી ગાર્ડ બને? મને ડર એ છે કે હથિયાર ચલાવવાની તાલીમ મેળવી લીધેલા બેરોજગાર યુવાનોની ફૌજ ન તૈયાર થઈ જાય."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો