ગુજરાત હવામાન : ચોમાસું ગુજરાત નજીક પહોંચ્યું, હજુ પણ વધુ વરસાદની આગાહી

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

હવે ગુજરાતમાં ચોમાસું પહોંચે તેની ઘડીઓ ગણાઈ રહી છે, સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

  • ચોમાસું મજબૂત બનવાની સાથે ઝડપથી આગળ વધ્યું છે અને મુંબઈમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે.
  • હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું પહોંચવાની પણ આગાહી કરી છે અ
  • સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થશે અને ત્યારબાદ તે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધશે.
  • ગુજરાતમાં ચોમાસા પહેલાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાના વિસ્તારોમાં વરસાદ શરૂ.

ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને હવે ગુજરાતમાં જલદી જ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.

29 મેના રોજ કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ તે 11 જૂને મુંબઈમાં પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

મુંબઈ બાદ હવે ગુજરાતમાં પણ ચોમાસું શરૂ થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે એકાદ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે.

એટલે કે એકાદ-બે દિવસમાં રાજ્યમાં ચોમાસાનું આગમાન થઈ શકે છે. સૌપ્રથમ ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં થશે અને ત્યારબાદ તે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધશે.

વલસાડ અને નવસારી જિલ્લાના વિસ્તારોમાં હવામાન પલટાઈ ચૂક્યું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે અરબ સાગરનું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી?

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, હાલ રાજ્યમાં ચોમાસા પહેલાંનો વરસાદ વરસ્યો છે.

  • ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હાલ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી.
  • રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદની શક્યતા છે.
  • વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, અમદાવાદ તથા આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • કચ્છમાં કેટલીક જગ્યાએ હવામાન પલટાઈ શકે છે અને કદાચ સાવ હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદ પડશે?

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે, જોકે, ક્યાં ભારે વરસાદ પડ્યો નથી.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.

કેટલાક વિસ્તારોમાં આવનારા દિવસોમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં હજી વાવણી માટે રાહ જોવી પડે એમ છે.

હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી અને સાથે જ કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

એટલે કે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન

અગાઉ શનિવારે વલસાડ જિલ્લામાં મધ્ય રાત્રીએ વરસાદનું આગમન થયું છે. વલસાડ શહેર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેરના છીપવાડ તેમજ મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, વરસાદને કારણે સમગ્ર વલસાડ શહેરમાં વીજળી પણ ખોરવાઈ હતી. જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા નબળી પ્રિમોન્સૂન કામગીરી છતી થઈ હતી.

વરસાદને લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી.

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડ્યાના અહેવાલ છે. સાવરકુંડલાના વીજપડી અને આજુબાજુના વાડી વિસ્તારોમા વરસાદ પડ્યો છે.

અમરેલીના ગોપાલગ્રામ, બાબરા, ચલાલા, બાદ કુંકાવાવ ખાતે વરસાદનું આગમન થયું છે. મોટી કુંકાવાવ અને જાફરાબાદ શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.

જાફરાબાદના કાંઠા વિસ્તારના ગામોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બાબરા શહેરમા પણ પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે.

તો બગસરાના ખારી ગામમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ચલાલા શહેર અને આસપાસના ગરમલી, માળીલા, દેવરાજિયા, સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

ચલાલાથી માળીલા જવાના માર્ગમાં પાણી ભરાઈ ગયા છે. ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

મોરબીના વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટાં પડ્યાં છે. જૂનાગઢ અને વીસાવદરમાં પણ વરસાદનું આગમન થયું છે.

વરસાદી માહોલથી જૂનાગઢ શહેરમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશહાલ છે. મેઘરાજાએ પધરામણી કરીને અગિયારસનું મુહૂર્ત સાચવ્યું છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં ચોમાસા પહેલાં જ વરસાદ

ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને વરસાદ પપડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર તથા વડોદરામાં આગામી ત્રણ દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે.

તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના વિસ્તારોમાં પણ હવામાન પલટાઈ શકે છે અને કદાચ થોડો વરસાદ પડી શકે છે.

જોકે, આ તમામ જિલ્લાઓમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે એટલે કે હાલ ભારે કે વાવણીલાયક વરસાદની શક્યતા નથી.

ચોમાસું ગુજરાત તરફ આગળ ક્યારે વધશે?

31 મે બાદ ચોમાસાની અરબી સમુદ્રની બ્રાન્ચ કર્ણાટકથી આગળ વધી નથી, પરંતુ હવે ચોમાસું આગળ વધશે.

હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે. દક્ષિણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગોવા અને તામિલનાડુના બાકીના ભાગમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે.

10 જૂનની આસપાસ ચોમાસું સામાન્ય રીતે મુંબઈ સુધી પહોંચી જતું હોય છે પરંતુ આ વર્ષે વહેલી શરૂઆત થઈ છે અને 10 જૂને મુંબઈમાં અધિકૃત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકના દરિયાકિનારા એટલે કે અરબી સમુદ્રની પાસે આવેલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

હવામાન વિભાગે લાંબાગાળાના અનુમાનમાં કહ્યું હતું કે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. એટલે કે દેશમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે લાંબાગાળાની સરેરાશ પ્રમાણે દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા છે.

ભારતમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર એટલે કે ચાર મહિના જેટલું લાંબું ચાલતું હોય છે. દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ચોમાસું રાજસ્થાનથી પરત ફરવાની શરૂ કરે છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ તેના અનુમાનમાં જણાવ્યું હતું કે દેશમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આ વર્ષે શરૂઆતના બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે છેલ્લા બે મહિનામાં વરસાદ કદાચ થોડો ઓછો પડે તેવી સંભાવના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો