You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ : એ પાંચ કારણો જેના લીધે હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
કૉંગ્રેસથી નારાજ એવા હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી આ અંગે જાહેરાત કરી હતી.
તેમણે ટ્વિટર પર લખ્યું, "આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પક્ષની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપું છું. "
"મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારો દરેક સાથી અને ગુજરાતની જનતા કરે. હું માનું છું કે મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ."
જોકે, આ રીતે તાત્કાલિક રાજીનામું આપવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.
હાર્દિક પટેલની પક્ષ સામેની નારાજગી અને રાજીનામાને વિગતવાર સમજવા માટે બીબીસીએ ગુજરાતના રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ, કૌશિક મહેતા અને જગદીશ આચાર્ય અને સાથે વાત કરી હતી.
1. પેટાચૂંટણીમાં જીત ન અપાવી શક્યા
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ કહે છે કે કૉંગ્રેસ હાર્દિક પટેલ થકી માત્ર 'પટેલ કાર્ડ' રમવા માગતી હતી. જોકે હાર્દિક તેમની અપેક્ષાએ ખરા ઊતર્યા નહોતા.
તેઓ કહે છે, "તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આઠ પૈકી ત્રણ બેઠકો પાટીદારોની બહુમતી ધરાવતી બેઠકો હતી. જોકે, કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ એક પણ બેઠક જીતાવી શક્યા ન હતા."
2. પ્રભાવમાં ઘટાડો
તજજ્ઞો પ્રમાણે, હાર્દિકનો ઉદય પાટીદાર અનામત આંદોલન સમયે થયો. હરિ દેસાઈ કહે છે, "તે સમયે સમાજના લોકો હાર્દિકની સાથે હતા. તે સમયે હાર્દિક વડા પ્રધાનને હિટલર અને કેન્દ્રીય ગૃહમંત્રીને જનરલ ડાયર સાથે સરખાવતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જોકે, સમય જતાં આંદોલન પૂરું થયું. તેમના પર કેસ થયા અને કેસના કારણે ચૂંટણી ન લડવાની વાત આવી. ત્યારે યેનકેન પ્રકારેણ કેસ પાછા ખેંચવા અને ચૂંટણી લડવા મળે તે માટે સત્તાપક્ષ સામે થવું પડ્યું. જોકે, તે સમયે હાર્દિક પટેલનો જે પ્રભાવ જોવા મળતો હતો, તે હાલમાં નથી."
પાટીદારો પર તેમનો પ્રભાવ મર્યાદિત રહ્યો એ ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ પ્રદર્શનથી સ્પષ્ટ જોવા મળ્યું હતું
3. કૉંગ્રેસ પક્ષમાં થઈ રહેલી અવગણના
વિશ્લેષકોના પ્રમાણે હાર્દિકને કાર્યકારી પ્રમુખનો હોદ્દો તો આપી દીધો પણ પદ પ્રમાણે ન તો તેની પાસે કોઈ સત્તા છે અને ન તો તેને તે પ્રમાણેનું માન અપાય છે.
આનું એક કારણ કૉંગ્રેસનું વર્ષોથી ચાલતું આવેલું કલ્ચર પણ છે, જે કોઈ પણ નવા નેતાને પક્ષમાં ઊભો નથી થવા દેતું. કૉંગ્રેસમાં હાલ હાર્દિક એકલા પડી ગયા છે
હાર્દિક પટેલ પોતે પણ કહી ચૂક્યા છે કે તેમની હાલ પાર્ટીમાં નસબંધી કરાવેલા વર જેવી છે.
વિશ્લેષકો માને છે કે અવગણનાનું અન્ય એક કારણ એ પણ છે કે કાર્યકારી અધ્યક્ષનું પદ એ ઘણું સીનિયર પદ છે. 'પાટીદાર કાર્ડ' રમવાના ઇરાદાથી જો તેઓ 27 વર્ષના યુવકને આ પદ સોંપતા હોય તો સીનિયર નેતાઓમાં નારાજગી તો રહેવાની જ ને!
4. પાટીદાર અગ્રણી નરેશ પટેલ
આ એક મહત્ત્વનું અને થોડા સમય પહેલાં જ નવું જોડાયેલું કારણ છે.
પાછલા ઘણા સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે તેવી વાત ચાલી રહી છે.
ખોડલધામના ચૅરમૅન નરેશ પટેલે બેઠકોનો ક્રમ શરૂ કર્યો, દિલ્હીમાં કૉંગ્રેસના મોવડીમંડળ સાથે પણ બેઠકો કરી. વિશ્લેષકો માને છે કે આ નવા ઘટનાક્રમને કારણે હાર્દિક પટેલને તેનું કદ પક્ષમાં હજુ ઘટવાની ચિંતા સતાવતી હોઈ શકે છે.
જોકે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે પણ બેઠકો થઈ હોવાના અહેવાલ આવ્યા હતા. નરેશ પટેલે રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી ત્યાર બાદ તેઓ કયા પક્ષમાં જોડાશે એને લઈને કુતૂહલ રાજકીય વર્તુળમાં જોવા મળે છે.
નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે એવી અટકળો કેટલાક સમય સુધી ગુજરાતમાં ચાલી. આ દરમિયાન તેઓ રાજકારણમાં જોડાશે તો ખરાં પણ કયા પક્ષમાં એ વિશે હજી રહસ્ય યથાવત્.
નરેશ પટેલ કૉંગ્રેસમાં કે અન્ય કોઈ પક્ષમાં જોડાવાની જાહેરાત કરે તે પહેલાં હાર્દિક પટેલે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે.
5. સમુદાયના સથવારાનો અભાવ
વિશ્લેષકોના મતે એમ છે કે કૉંગ્રેસનું મોવડીમંડળ હજુ પણ પક્ષમાં હાર્દિક પટેલની ભૂમિકા વિશે નિશ્ચિત ન હતું.
હાર્દિક કૉંગ્રેસથી દૂર થઈ ભાજપ તરફ ખેંચાઈ આવે તેવા પ્રયત્નો ભાજપ દબાણપૂર્વક કરતો હોય તેવા પણ સંકેતો છે અને એ પરિપ્રેક્ષ્યમાં હાર્દિક પટેલની નારાજગીનો અલગ જ અર્થ બને છે પણ એ કારણ તરીકે ગણી શકાય તેમ છે.
આ સિવાય હાર્દિક ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં સુરત, સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના પટેલ સમુદાયનો હાર્દિક પટેલને જોઈએ તેવો સાથ નથી મળી રહ્યો અને આ બાબત પણ હાર્દિકને પક્ષ પરત્વે નારાજ રાખતી હોય તેવી એક શક્યતા વિશ્લેષકો ગણાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો