You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું કેમ આપ્યું?
છેલ્લા કેટલાય સમયથી કૉંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી પક્ષ અને કાર્યકારી અધ્યક્ષપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પક્ષની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપું છું. "
"મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારો દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ."
નોંધનીય છે કે પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.
હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી કૉંગ્રેસ પક્ષથી નારાજ હોવાની વાતો થઈ રહી હતી. તાજેતરમાં જ ઉદેપુરમા મળેલી કૉંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિક ગેરહાજર રહ્યા હતા.
કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેમને કામ ના અપાતું હોવાનો આરોપો કરી ચૂક્યા હતા. ગત એપ્રિલ મહિનામાં પણ હાર્દિકે કૉંગ્રેસ પર ટિપ્પણી કરી હતી.
હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની સ્થિતિ પાર્ટીમાં 'એવા વરરાજા જેવી છે, જેમની નસબંધી કરી દેવાઈ છે.'
પક્ષ દ્વારા ઉપેક્ષા કરાઈ રહી હોવાનો આરોપ લગાવતાં હાર્દિકે કહ્યું હતું, "મને પ્રદેશ કૉંગ્રેસ કમિટીની કોઈ પણ બેઠકમાં નથી બોલાવાતો, કોઈ પણ નિર્ણય પહેલાં મારાં સલાહ-સૂચનો નથી લેવાતાં, ત્યારે આ પદનો અર્થ શો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પટેલ ઉમેર્યું હતું, "હાલમાં જ તેમણે (કૉંગ્રેસ ) રાજ્યમાં 75 નવા મહાસચિવો અને 25 નવા ઉપાધ્યક્ષોનાં નામ જાહેર કર્યાં હતાં. શું તેમણે મને એકવાર પણ પૂછ્યું કે હાર્દિકભાઈ, આપની ધ્યાને હોય એવા એક પણ મજબૂત નેતા આ યાદીમાંથી ગાયબ તો નથીને?"
હાર્દિક પટેલે રાજીનામા માટે કયું કારણ આપ્યું?
હાર્દિક પટેલે સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં જણાવ્યું હતું કે અનેક પ્રયાસો કર્યા બાદ પણ કૉંગ્રેસ પાર્ટી દ્વારા દેશહિત તેમજ સમાજહિતથી વિપરિત કાર્ય કરવાના કેટલાંક કારણો આપના ધ્યાને લાવવા જરૂરી છે.
તેમણે જણાવ્યું, "દેશના યુવા એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત થઈ ગઈ છે. લોકોને વિરોધ નહીં, વિકલ્પની જરૂર છે."
"દેશ લાંબા સમયથી રામમંદિર, સીએએ-એનઆરસી, જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમનું સમાધાન ઇચ્છતો હતો, જેમાં કૉંગ્રેસ એક અડચણ બનતી હતી."
બીજું કારણ આપતાં તેમણે લખ્યું છે કે 'કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દે ગંભીરતાનો અભાવ એક મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વને મળ્યો તો લાગ્યું કે તેમનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યાને સાંભળવા કરતાં પોતાના મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ પર વધારે હતું."
આ સિવાય તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કૉંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાને કમજોર કર્યા છે અને ખુદ મોટા આર્થિક ફાયદા ઊઠાવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો