આસારામના પુત્ર નારાયણ સાંઈની પેરોલ સુપ્રીમ કોર્ટે રદ કરી, શું છે કેસ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુ આસારામના પુત્ર નારાયણ સાંઈને બે અઠવાડિયાની પેરોલનો ગુજરાત હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે અને સમય પહેલાં પેરોલ આપવાનો ઇનકાર કર્યો છે.

નારાયણ સાંઈ 2013ના બળાત્કારના કેસમાં જેલમાં છે. 2019માં સુરતની અદાલતે એમને જનમટીપની સજા કરી હતી.

બુધવારે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વાય વી ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે બે અઠવાડિયા માટે જેલમાં સજા ભોગવવામાંથી રજા યાને કે પેરોલ આપવાનો ગુજરાત હાઈકોર્ટનો હુકમ રદ કરી દીધો.

સુપ્રીમ કોર્ટે આ આદેશ ગુજરાત સરકારની સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી પર કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જેલમાંથી રજા વિનાકારણે એક ચોક્કસ સમય પછી જ આપી શકાય છે. જોકે, અદાલતે કહ્યું કે કેદી કારણ રજૂ કર્યાં વિના રજા યાને કે પેરોલ માગી તો શકે પણ એ તેનો પૂર્ણ અધિકાર નથી.

ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ આસારામના પુત્ર છે અને આસારામ પણ હાલ જેલમાં છે. નારાયણ સાંઈને 2019માં બળાત્કારના કેસમાં સજા કરવામાં આવી હતી. એ જ કેસમાં એમના નજીકના સહયોગી ગંગા, જમના અને રસોઈયા હનુમાનને પણ દસ-દસ વર્ષની સજા કરવામાં આવી હતી. નારાયણ સાંઈના ડ્રાઇવર રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા કરવામાં આવી હતી.

શું છે મામલો?

વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી.

આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા.

તેમના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા.

બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી.

જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા.

તપાસ અધિકારી રિયાઝ મુનશીએ એ વખતે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું, "નારાયણ સાંઈ વિરુદ્ધ 2003માં કેસ નોંધાયો હતો. અમે અઠવાડિયાની અંદર પુરવા એકઠાં કર્યા અને તેની ધરપકડ કરી હતી."

ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.

જ્યારે નારાયણ સાંઈ ફરાર થઈ ગયા

નારાયણ સાંઈ સામે ફરિયાદ થયા બાદ નારાયણ સાંઈ ફરાર થઈ ગયા હતા.

જે બાદ પોલીસે નારાયણ સાંઈને શોધવા માટે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.

સાંઈને શોધવા માટે સુરત પોલીસે સુરતમાં આવેલા તેના આશ્રમમાં રેડ પાડી હતી.

ઉપરાંત આસારામના અમદાવાદ આશ્રમમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને બિહારના દરભંગા જિલ્લાના અરિયારી ગામમાં આવેલા આસારામના આશ્રમમાં પણ નારાયણ સાંઈને શોધવા માટે ગુજરાત પોલીસે રેડ પાડી હતી.

બળાત્કારની ફરિયાદ બાદ આશરે નારાયણ સાંઈ બે મહિના સુધી ભાગતા ફર્યા હતા. આખરે 4 ડિસેમ્બર, 2013ના રોજ સાંઈને પંજાબ-દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યા હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો