You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'તારક મહેતા' સિરિયલના 'નટુકાકા' ફેમ ઘનશ્યામ નાયકનું બીમારી બાદ નિધન - BBC TOP NEWS
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનું રવિવારે નિધન થયું છે. ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.
નટુકાકાના નામે જાણીતા અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના ક્રીએટર અશિતકુમાર મોદીએ ટ્વિટ કર્યું હતું.
તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમારા પ્રેમાળ નટુકાકા હવે આપણી સાથે રહ્યા નથી. નટુકાકા અમે તમને નહીં ભૂલી શકીએ.
તો ઘનશ્યામ નાયકનું નિધન થતા ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લખ્યું કે, "ગુજરાતી રંગમંચથી શરૂ કરી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' ધારાવાહિકના 'નટુકાકા'ના હુલામણા નામથી વિખ્યાત ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે."
ગળામાં ગાંઠ માટે સર્જરી કરાવ્યાના મહિનાઓ પછી ઘનશ્યામ નાયક કીમોથેરપી કરાવતા હતા.
અફઘાનિસ્તાનના કાબુલમાં મસ્જિદ બહાર વિસ્ફોટ, 'અનેક લોકોનાં મોત'
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મસ્જિદની બહાર વિસ્ફોટના અહેવાલ મળી રહ્યા છે.
સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ પ્રમાણે, વિસ્ફોટમાં 'અનેક લોકોનાં મોતના' સમાચાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે ટ્વિટર પર જણાવ્યું કે કાબુલની ઈદગાહ મસ્જિદના પ્રવેશદ્વાર પર આ વિસ્ફોટ થયો છે.
અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદમાં ઝબિહુલ્લાહ મુજાહિદના માતાની ફાતિહા પઢવામાં આવી રહી હતી.
મમતા બેનરજી ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જીત્યાં
પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં મમતા બનેરજી 58 હજારથી વધારે મતોથી જીતી ગયાં છે.
તેમણે કહ્યું કે હું ભવાનીપુર વિધાનસભ્ય પેટાચૂંટણીમાં 58,832 મતોથી જીતી ગઈ છું અને મેં વિધાનસભા બેઠકના દરેક વૉર્ડમાં વિજય મેળવ્યો છે.
મમતા બેનરજીના પ્રતિસ્પર્ધી ભાજપનાં ઉમેદવાર પ્રિયંકા ટીબરીવાલે કહ્યું કે "હું આ રમતની 'મૅન ઑફ ધ મૅચ' છું કારણ કે હું મમતા બેનરજીના ગઢમાં ચૂંટણી લડી અને 25 હજારથી વધારે મત હાંસલ કર્યા. હું આગળ પણ મહેનત કરતી રહીશ."
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ મમતા બેનરજીએ કોલકાતામાં કહ્યું કે "ભવાનીપુરમાં 46 ટકા લોકો બિનબંગાળી છે. એ બધાએ મને મત આપ્યા છે. પશ્ચિમ બંગાળના લોકો ભવાનીપુરની ચૂંટણી પર નજર રાખીને બેઠા હતા, તેનાથી મને પ્રેરણા મળી હતી."
રાજ્યમાં ગુલાબ વાવાઝોડાને કારણે મતદાનનો દર પ્રભાવિત થયો હતો, જેને લઈને તૃણમૂલ કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેની ચિંતા વધી ગઈ હતી.
ભવાનીપુરમાં 30 સપ્ટેમ્બરના થયેલા મતદાનમાં માત્ર 57.09 ટકા મતદાન થયું હતું પરંતુ માર્ચ- એપ્રિલમાં વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી 61.79 ટકા મતદાન થયું હતું. સોભનદેબ ચટ્ટોપાધ્યાયે 28,219 મતોથી ચૂંટણી જીતી હતી.
વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસે 294માંથી 213 બેઠકો મેળવી હતી પરંતુ મમતા બેનરજી નંદીગ્રામથી વિધાનસભા બેઠક પરથી હારી ગયાં હતાં.
પરંતુ મુખ્ય મંત્રીપદ પર રહેવા માટે મમતા બેનરજીએ આ પેટાચૂંટણી જીતવી જરૂરી હતી. સોભનદેબ ચટ્ટોપાધ્યાયે ભવાનીપુર બેઠક ખાલી કરી હતી, જેના પરથી મમતા બેનરજી ચૂંટણી લડી હતી.
ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પ્રિયંકા ટીબરીવાલ મમતા બેનરજીની સામે પેટાચૂંટણી લડી રહ્યાં હતાં.
મમતા બેનરજી 2016 વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક પરથી ઉમેદવાર અને કૉંગ્રેસ-ડાબેરી પક્ષના ગઠબંધનનાં ઉમેદવાર દીપા દાસમુંશીને લગભગ 25 હજાર મતોના અંતરથી હરાવ્યાં હતાં. અહીં મમતા બેનરજીનું ઘર પણ છે.
આ પેટાચૂંટણીમાં આ બેઠક પરથી 12 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં પાંચ મહિલાઓ હતી. કૉંગ્રેસે પોતાના ઉમેદવાર નહોતા ઉતાર્યા.
અમેરિકામાં ગર્ભપાતના અધિકારના સમર્થનમાં 50 રાજ્યોમાં પ્રદર્શન
અમેરિકાનાં 50 રાજ્યોમાં ગર્ભપાતના અધિકારના પક્ષમાં હજારો લોકો રેલી કરી રહ્યા છે.
ટેક્સાસમાં ગર્ભપાત કાયદાના વિરોધમાં અમેરિકાનાં બધાં રાજ્યોમાં વિરોધપ્રદર્શન યોજવામાં આવી રહ્યાં છે.
આ કાયદામાં ગર્ભપાતના અધિકારને સીમિત કર્યા હોવાના કારણે એવો ભય સેવાઈ રહ્યો છે કે આનાથી બંધારણીય અધિકારો પર અસર પડશે.
આવનારા મહિનાઓમાં સુપ્રીમ કોર્ટમાં ગર્ભપાતસંબંધી એક કેસની સુનાવણી થશે, જેમાં આવનાર ચુકાદો સંભવિત છે કે 1973ના એ ચુકાદાને પલટાવી શકે છે, જેના પગલે દેશભરમાં ગર્ભપાતને કાયદેસર મંજૂરી મળી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો