પેગાસસ મામલે કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવાનો ઇનકાર - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કથિત પેગાસસ જાસૂસી મામલે સોમવારે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે આ મામલે તપાસ માટે દાખલ કરાયેલી અરજીઓને લઈને એફિડેવિટ દાખલ નહીં કરે.

કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમન્નાની ખંડપીઠ સામે કહ્યું કે "આતંકી સંગઠનોને એ ખબર ન પડવી જોઈએ કે આતંક સામે લડવા માટે કયા સૉફ્ટવેરનો ઉપયોગ થઈ રહ્યો છે."

કેન્દ્રના એફિડેવિટ દાખલ ન કરવાના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે આ કેસના ઑર્ડરને રિઝર્વ રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટ હવે આગામી બે દિવસમાં એક વચગાળાનો આદેશ પાસ કરશે.

કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલી વકીસ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 'કોઈ ખાસ સૉફ્ટવેર ઉપયોય થાય છે કે નહીં, આ મામલો પબ્લિક ડોમેન માટે નથી.'

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ આ કાર્યક્ષેત્રથી જોડાયેલી વિશેષજ્ઞોની એક સમિતિ કરી શકે છે, જે તેનો રિપોર્ટ ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરી શકે છે.

ભારતનાં છ રાજ્યો જ્યાં પુખ્ત વયના તમામનું કોરોના રસીકરણ થયું

ભારતમાં કોરોના વાઇરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનના ભાગરૂપે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુખ્ત વયના 100 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ છ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગોવા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, દાદરા અને નગરહવેલી તથા દીવ અને દમણ, લદ્દાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

આ અંગે રવિવારે ભારતના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી અને સાથે જ આ રાજ્યની સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઍડમિનિસ્ટ્રેટર્સ તથા આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

પુખ્ત વયના તમામ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેનારું ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ બન્યું છે.

ઉત્તર કોરિયાનો ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણનો દાવો

ઉત્તર કોરિયાએ કહ્યું છે કે લાંબું અંતર કાપતી નવા પ્રકારની ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ કહ્યું છે કે શનિવાર અને રવિવારે બે મિસાઇલ લૉન્ચ કરવામાં આવી, જે 1500 કિલોમિટર જેટલું અંતર કાપી શકે છે.

ઉત્તર કોરિયાએ આ પહેલાં જાન્યુઆરીમાં ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિપદની શપથ લીધી હતી.

ઉત્તર કોરિયા તેમની બૅલિસ્ટિક મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોના કારણે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યો છે.

નિપાહ વાઇરસથી ચિંતા, કર્ણાટક કેરળથી આવતા લોકોની તપાસ કરશે

કોરોના અને નિપાહ વાઇરસના સંક્રમણથી કેરળમાં સર્જાયેલી સ્થિતિના પગલે કર્ણાટકની સરકારે રવિવારે કહ્યું છે કે કેરળથી આવતા લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કેરળ અને કર્ણાટકની સરહદ પર વસતાં ગામોમાં સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે.

કર્ણાટકના આરોગ્ય કમિશનર કે. વી. ત્રિલોકચંદ્રાએ જણાવ્યું છે કે "નિપાહ વાઇરસ સામે તકેદારીનાં પગલાં લેવા અંગે અમે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. કેરળથી આવતા લોકોને સર્વેલન્સ હેઠળ રખાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો