You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનનું અનિયંત્રિત રૉકેટ અટકળો અને ચિંતા વચ્ચે આખરે ધરતી પર પડ્યું - TOP NEWS
ચીનના મીડિયા અનુસાર ચીનનું સૌથી વિશાળ રૉકેટ માલદીવ પાસે હિંદ મહાસાગરમાં પડ્યું છે. અહેવાલ અનુસાર મોટા ભાગનો કાટમાળ વાયુમંડળમાં બળી ગયો છે.
અહેવાલમાં ચાઇનિઝ સ્પેસ એંજિનયરિંગને ટાંકવામાં આવી છે.
અવકાશ પર નજર રાખનારા લોકો ચીનના 'લૉન્ગ માર્ચ 5 બી રૉકેટ'ને લઈને અટકળો લગાવી રહ્યા હતા.
સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર ચીની રૉકેટ સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.12 વાગ્યે પડવા લાગ્યું હતું.
29 એપ્રિલના રોજ ચીની રૉકેટ લૉન્ગ માર્ચ 5 બીને ચીનના હાઈનાન ટાપુથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ રૉકેટ ચીનના ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનના મુખ્ય મૉડ્યૂલને પૃથ્વીની નીચલી કક્ષા તરફ લઈ જઈ રહ્યું હતું.
અમેરિકાના યુએસ સ્પેસ કમાન્ડે પણ રૉકેટનું વાયુમંડળમાં પ્રવેશ કરવાની પુષ્ટિ કરી છે. જોકે કાટમાળ કયા પડ્યો છે તેની ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.
યુએસ સ્પેસ કમાન્ડે ટ્વિટર પર લખ્યું, "એ ખબર નથી કે કાટમાળ જમીન પર પડ્યો છે અથવા દરિયામાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉકેટનો કાટમાળ પૃથ્વી પર પડવા બાબતે ચિંતાઓ હતી. રૉકેટનું વજન આશરે 18 ટન છે અને દાયકાઓ બાદ પૃથ્વીના વાયુમંડળમાં અનિયંત્રિત થઈને પડનારી સૌથી મોટી વસ્તુ છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અંતરિક્ષના મામલામાં જવાબદાર વલણ રાખવું પડશે.
સોમવારે ચીની વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે 30 મીટર લાંબા રૉકેટનો કાટમાળ નીચે આવતી વખતે બળી જશે અને ભાગ્યે જ કોઈને તેનાથી નુકસાન થશે.
દરેક સરકારી હૉસ્પિટલમાં મ્યુકરમાઇકૉસિસ વૉર્ડ શરૂ કરાશે : વિજય રૂપાણી
ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર મ્યુકરમાઇકૉસિસના કેસમાં વધારો થતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે રાજ્યની દરેક સરકારી હૉસ્પિટલમાં મ્યુકરમાઇકૉસિસનો અલાયદો વૉર્ડ શરૂ કરવામાં આવશે.
શનિવારે કોર કમિટીની બેઠક બાદ રૂપાણીએ આ જાહેરાત કરી હતી. મ્યુકરમાઇકૉસિસના વહેલા નિદાન અને સારવાર માટે જિલ્લા કક્ષાએ આકરું સ્ક્રિનિંગ કરવા માટે મુખ્ય મંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીને ટાંકતાં અહેવાલ જણાવે છે કે મ્યુકરમાઇકૉસિસની સારવાર માટે રાજ્ય સરકાર 3.12 કરોડ રૂપિયાના ખર્ચે 5000 ઍમફોટેરેસીન બી ઇન્જેક્શનની ખરીદી કરશે.
ભારતીય સેનામાં મહિલા સૈનિકો સામેલ
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભારતીય સેનામાં પ્રથમ વખત મહિલા સૈનિકોની ભરતી કરવામાં આવી છે.
શનિવારે 83 મહિલા જવાનો વિધિવત રીતે કૉર્પસ્ ઑફ મિલિટરી પોલીસ (સીએમપી)માં સામેલ કરવામાં આવ્યાં હતાં
શનિવારે બેંગલુરુસ્થિત સીએમપી સેન્ટર ઍન્ડ સ્કૂલ ખાતે 83 મહિલા સૈનિકોની સર્ટિફિકેશન પરેડ યોજાઈ હતી.
આ મહિલા સૈનિકોને 61 અઠવાડિયાંની સઘન મૂળભૂત સૈન્ય અને પ્રોવોસ્ટ તાલીમ આપવામાં આવી છે, જેમાં તમામ પ્રકારના પોલિસ ફરજો, યુદ્ધ કેદીઓની સંભાળ, સ્કીલ ડેવલપમૅન્ટ અને સિગ્નલ કૉમ્યુનિકેશન સામેલ છે.
દિલ્હીની હૉસ્પિટલથી કોરોનાના 23 દરદીઓ ગાયબ
હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર દિલ્હીની હિંદુ રાવ હૉસ્પિટલમાં 19 એપ્રિલથી 6 મે વચ્ચે કોરોના વાઇરસની સારવાર લઈ રહેલા 23 દરદીઓ ગાયબ થઈ ગયા છે.
હૉસ્પિટલના અધિકારીઓ અને ઉત્તર દિલ્હી મ્યુનિશિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
અહેવાલ અનુસાર 23 દરદીઓ અધિકારીઓને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર હૉસ્પિટલથી ચાલ્યા ગયા છે.
આ દરદીઓએ અન્ય હૉસ્પિટલમાં દાખલ થયા કે ઘરે ચાલ્યા ગયા, તે વિશે હૉસ્પિટલને કોઈ માહિતી નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો