You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ગુજરાત સહિતના કિસાનોએ કૃષિકાયદાની નકલોની હોળી કરી નોંધાવ્યો વિરોધ - BBC Top News
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સિંઘુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ખેડૂતોએ કૃષિ કાયદાની નકલોની હોળી કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાને પરત નહીં લઈ લે ત્યાં સુધી તેઓ વિરોધ કરવાનું ચાલુ રાખશે.
અહેવાલ અનુસાર સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું છે કે 5 એપ્રિલે એફસીઆઈ (ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા) બચાવો દિવસ મનાવવામાં આવશે. આ દિવસે ભારતમાં આવેલ એફસીઆઈની તમામ ઑફિસોનો સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ઘેરાવ કરવામાં આવશે.
વળી ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ મુલાકાત લેવાનું આયોજન ધરાવે છે.
દરમિયાન ગુજરાતમાં પણ ખેડૂતોએ કૃષિ કાયદાની નકલો બાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના સૅટેલાઇટ અને દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોએ હોળીકા દહનમાં કૃષિ કાયદાઓની હોળી કરી હતી. ઉત્તર ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ પણ આ રીતે પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 62 હજાર કેસ નોંધાયા, જાણો ગુજરાતમાં કેવી છે સ્થિતિ?
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 2270 નવા કેસ સામે આવ્યાં છે અને કોવિડ-19ના કારણે આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અનુસાર કોરોના વાઇરસના કારણે સુરતમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. અમદાવાદ અને રાજકોટમાં બે-બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે જ્યારે વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રવિવારે 1,36,737 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. વિભાગ અનુસાર ગુજરાતમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 11528 છે, જેમાંથી 152 દરદીઓ વૅન્ટિલેટર પર છે. રવિવારે 1605 કોરોના દરદીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 62,714 નવા કેસ નોંધાયા છે અને 312 લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોના વાઇરસના કારણે ભારતમાં અત્યાર સુધી 1,61,552 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
શું મહારાષ્ટ્ર મામલે અમિત શાહ અને એનસીપી લીડર શરદ પવાર વચ્ચે બેઠક થઈ હતી?
મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના અને કૉંગ્રેસ યુતિની સરકાર છે. આ વચ્ચે મુકેશ અંબાણીની નિવાસસ્થાન ઍન્ટિલિયા બહાર વિસ્ફોટકોવાળી કાર સંબંધિત કેસથી રાજકારણ ગરમાયું છે. એવા માહોલમાં અમિત શાહ અને એનસીપી નેતા શરદ પવાર વચ્ચે એક બેઠક થઈ હોવાનું સ્થાનિક મીડિયામાં કહેવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બીબીસી સ્વતંત્ર રીતે આ બેઠકની પુષ્ટિ નથી કરી શક્યું.
વળી સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર જ્યારે પત્રકાર પરિષદમાં અમિત શાહને આ વિશે પૂછાયું તો તેમણે જવાબ આપ્યો કે બધી બાબતો જાહેર કરવામાં આવે એ જરૂરી નથી હોતું.
હાલ મહારાષ્ટ્રમાં ઍન્ટિલિયા કેસ મામલે મુંબઈ પોલિસ ઑફિસર સચિન વાઝેનું પ્રકરણ અને પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘે ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર લગાવેલા આરોપોનું પ્રકરણ ઘણું ચર્ચામાં છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો પણ ઘણા વધ્યા છે. આ સમગ્ર સ્થિતિને પગલે રાજ્યમાં રાજનીતિ ઘણી તીવ્ર બની છે.
આથી આવા સમયે સરકારમાં ગઠબંધનમાં રહેલી પાર્ટીના વડાનું ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળવું ઘણા સવાલ સર્જે છે એવું અહેવાલોમાં કહેવાયું છે.
ગુજરાતમાં સ્થાનિક મીડિયાએ અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં લખ્યું છે કે અમિત શાહ, એનસીપી નેતા પ્રફુલ પટેલ અને શરદ પવાર ત્રણેય વચ્ચે અમદાવાદમાં કોઈ બેઠક થઈ હતી.
જોકે આ બેઠક મામલે તેમની પાર્ટીઓએ કોઈ જાહેરાત કે પુષ્ટિ નથી આપી. ના કોઈ સત્તાવાર પત્રકાર પરિષ યોજવામાં આવી હતી.
અહેવાલમાં કહેવાયું છે કે ત્રણેય નેતાઓ શુક્રવારે અમદાવાદમાં એક સ્થળે મળ્યા હતા અને બેઠક થઈ હતી.
જોકે મહારાષ્ટ્રના મિનિસ્ટર અને એનસીપી લીડર નવાબ મલિકે આ મામલે ખંડન કરતા કહ્યું કે આ બધી અફવાઓ છે. આવી કોઈ બેઠક થઈ જ નથી.
ભારતનું એ શહેર જ્યાં છેલ્લા 25 દિવસમાં 472 બાળકોને કોરોના થયો
સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે ત્યારે બેંગ્લૂરુમાં એક નવી હકીકત બહાર આવી છે. અહીં 10 વર્ષથી ઓછી ઉંમના બાળકોમાં કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળ્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 1 માર્ચથી 28 માર્ચ દરમિયાન 10 વર્ષથી ઓછી ઉંમરના 472 બાળકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રવિવાર બાદ આ આંકડો 500થી ઉપર જઈ શકે છે. જે 472 બાળકો કોરોના પૉઝિટીવ મળી આવ્યાં છે તેમાં 244 છોકરા છે અને 228 છોકરીઓ છે.
નિષ્ણાતોને ટાંકતાં અહેવાલ લખે છે કે કોરોના વાઇરસની બીજી લેહર ચાલી રહી છે ત્યારે બાળકો પર તેની સૌથી વધુ અસર થઈ છે. ગયા વર્ષે બાળકો મોટાભાગનો સમય ઘરની અંદર જ હતા પરતું હાલમાં તેઓ પરિવાર સાથે બહાર જઈ રહ્યાં હોવાથી તેમને ચેપ લાગવાનું જોખમ વધી ગયું છે.
કર્નાટક ટેકનિકલ ઍડવાઇઝરી કમિટીના સભ્ય અનુસાર લૉકડાઉન વખતે બાળકો ઘરની અંદર હતા. હવે તેઓ બગીચામાં જઈ રહ્યાં છે અથવા પોતાના ઍપાર્ટમેન્ટના કૉમન એરિયામાં રમી રહ્યાં છે. આથી બાળકો કોરોનાના 'કૅરિયર' બની શકે છે.
નિષ્ણાતો અનુસાર બાળકોને માસ્ક પહેરાવવું અને તેમની પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું એ સૌથી અગત્યની વાત છે.
ઇન્ડોનેશિયામાં ચર્ચ પર આત્મઘાતી હુમલો, મોટી જાનહાનિ ટળી
ઇન્ડોનેશિયાના મકસ્સરમાં એક ચર્ચના ગેટ આગળ આત્મઘાતી હુમલો થયો છે.
સમાચાર એજન્સી રૉયટર્સ લખે છે કે કૅથલિક ચર્ચ બહાર શંકાસ્પદ આત્મઘાતી બૉમ્બરે હુમલો કર્યો હતો.
ઇન્ડોનેશિયાના મકસ્સરમાં એક ચર્ચના ગેટ આગળ આત્મઘાતી હુમલો થયો છે.
ઇસ્ટર સપ્તાહના પ્રથમ દિવસે થયેલા આ હુમલામાં નવ લોકોને ઈજા થઈ છે.
ચર્ચના પાદરીએ ઇન્ડોનેશિયાના મીડિયાના જણાવ્યું કે શંકાસ્પદ હુમલાખોરે બાઇક પર ચર્ચમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સિક્યૉરિટી જવાનોએ તેને અટકાવી દીધો હતો.
સિક્યૉરિટી કૅમેરામાં આ ઘટનાનાં દૃશ્યો કેદ થયાં હતાં.
મકસ્સરના મેયર ડેની પોમાન્ટો કહે છે કે જો ચર્ચના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બ્લાસ્ટ થયો હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોત, પણ બ્લાસ્ટ બાજુના પ્રવેશદ્વાર પર થયો એટલે મોટી ઘાત ટળી.
પંજાબમાં ખેડૂતો ગુસ્સે, ભાજપના ધારાસભ્યને નિર્વસ્ત્ર કરી માર માર્યો
પંજાબના અબોહરમાં ભાજપના ધારાસભ્ય અરુણ નારંગ ખેડૂતોના ગુસ્સાનો ભોગ બન્યા છે.
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓથી નારાજ ખેડૂતોએ મલોટ વિસ્તારમાં ધારાસભ્ય નારંગ પર હુમલો કર્યો. આ હુમલામાં ધારાસભ્યના કપડાં પૂરી રીતે ફાટી ગયાં અને પોલીસે માંડ એમનો બચાવ કર્યો.
રાજ્યમાં કૉંગ્રેસની સરકારનાં ચાર વર્ષ પૂરાં થવાને લઈને ભાજપે કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અબોહરના ધારાસભ્ય સહિત અનેક નેતાઓ મલોટ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા.
તેઓ પોતાની ગાડીમાંથી ઊતર્યા કે ખેડૂતોએ એમને ઘેરી લીધા અને હુમલો કર્યો. ખેડૂતોનો ગુસ્સો જોઈને ભાજપે પત્રકારપરિષદ પણ રદ કરી દીધી.
સંયુક્ત કિસાન મોરચાએ આ ઘટના પર ખેદ પ્રગટ કર્યો છે.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદનમાં કહ્યું, "ખેડૂતોનું આંદોલન હિંસક થયું અને ધારાસભ્યને શારીરિક ઈજા પહોંચાડવામાં આવી તે અફસોસની વાત છે. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે આવી હરકતોને અમે પ્રોત્સાહન નથી આપતા. અમે આની નિંદા કરીએ છીએ."
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ હિંસા માટે ભાજપ અને એમના સમર્થક દળ જવાબદાર છે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જો ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ યુદ્ધવીર સિંહને મુક્ત નહીં કરવામાં આવે તો ખેડૂતો દરેક નેતાઓને નજરબંધ કરશે.
યુદ્ધવીર સિંહને શુક્રવારે અમદાવાદમાં એક પત્રકારપરિષદ દરમિયાન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.
ટિકૈતે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે આ જ અસલી 'ગુજરાત મોડલ' છે, જે અમે લોકોને દેખાડવા માગીએ છીએ. ગુજરાતમાં લોકો પૂરી રીતે બંધક છે.
આંદોલનકારી ખેડૂતોએ હોળી નિમિત્તે કૃષિકાયદાઓ બાળવાનો અને માટીના તિલકથી હોળી મનાવવાનો નિર્ણય કર્યો છે.
1 એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત, રૂપાણી સરકારનો નિર્ણય
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવાસ કરતી વખતે 1 એપ્રિલથી ફરજિયાત કોવિડ-19નો RT-PCR કઢાવવાનો રહેશે, આ અંગે રાજ્ય સરકારે શનિવારે જાહેરાત કરી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજ્યમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસોને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારે જ્યારે આ જાહેરાત કરાઈ ત્યારે રાજ્યમાં કોરોનાના નવા 2,276 કેસ નોંધાયા છે.
પહેલી એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશતી વખતે 72 કલાકની અંદર કઢાવેલો કોવિડ-19નો નૅગેટિવ RT-PCR રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશથી મત માટે માર્કેટિંગ કર્યું : મમતા બેનરજી
તૃણમૂલ કૉંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે તેમનો આક્ષેપ છે કે આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશમાં લોકોને સંબોધીને આચારસંહિતાનો ભંગ કરતા હતા.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું, "ચૂંટણી ચાલી રહી છે અને તેઓ (નરેન્દ્ર મોદી) બાંગ્લાદેશ જઈને બંગાળ પર ભાષણ આપે છે."
BJP અને TMCનું ફોન રેકર્ડિંગનું રાજકારણ
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચેના સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે, હવે બંને તરફથી ફોન રેકર્ડિંગ લિક કરાઈ રહ્યાં છે.
ધ એનડીટીવી ઇંડિયાના અહેવાલ પ્રમાણે પહેલાં ભાજપે એક રેકર્ડિંગ જાહેર કર્યું, જેમાં મમતા બેનરજી કથિત રીતે પાર્ટીના પૂર્વ નેતા પ્રલૉય પાલને તૃણમૂલમાં પરત આવવા વાત કરી રહ્યાં છે.
પ્રલૉય શુભેન્દુ અધિકારીના નજીકના હોવાનું મનાય છે.
જવાબમાં ટીએમસીએ બે ભાજપના નેતાઓ વચ્ચેની વાતચીત જાહેર કરી છે, જેનાથી બંગાળના વિરોધી પક્ષોને નુકસાન થઈ શકે છે અને આ રેકર્ડિંગ ચૂંટણીપંચની નિષ્પક્ષતાની ભૂમિકા પર પણ પ્રહાર કરનારું છે.
ટીએમસી પ્રમાણે ભાજપ નેતા શિશિર બાજોરિયા મુકુલ રૉય સાથે ચૂંટણીપંચ સામે ઉઠાવવાના મુદ્દાઓ અંગે વાત કરી રહ્યા છે.
આ બંને રેકર્ડિંગની પ્રામાણિકતા અંગે ખરાઈ થઈ નથી, જોકે રેકર્ડિંગને પગલે બંગાળનું રાજકારણ ગરમાયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો