વડોદરામાં પુત્રીની છેડતીનો વિરોધ કરનારા પિતાની હત્યાનો મામલો શું છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

"મને ખબર નહોતી કે મારા ઘર-પરિવાર પર આટલી મોટી આફત આવી પડશે. મારા પિતાજી થકી અમારું ઘર ચાલતું હતું. તેઓ ભંગારવાળાને ત્યાં બસો રૂપિયા રોજ લેખે કામ કરતા હતા. તેમની અણધારી વિદાયથી અમારું ઘર હવે કેવી રીતે ચાલશે એ મોટો સવાલ છે."

વડોદરામાં રહેતા દેવજીભાઈ ભલાભાઈ સોલંકીનાં ત્રેવીસ વર્ષીય દીકરી અંજલિએ જ્યારે બીબીસીને આ વાત કહી ત્યારે તેમના અવાજમાં ડૂસકાં સંભળાતાં હતાં.

ઘટના એવી છે કે વડોદરામાં કારેલીબાગ ખાતે રામદેવપીરની ચાલીમાં રહેતા દેવજીભાઈ સોલંકી પર તેમના જ મહોલ્લામાં રહેતા વરુણ ઉર્ફે અરુણ પટેલે ચાકુના ઘા ઝીકી દીધા હતા.

સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસ ફરિયાદમાં દેવજીભાઈનાં દીકરી અંજલિએ કહ્યું હતું કે "મારાં માતા ગૌરીબહેનને છાતીમાં દુખાવો છે અને બીમાર છે. 17 માર્ચે રાતના અગિયારેક વાગે મારાં મોટાં બા તેની ખબર કાઢવા ઘરે આવ્યાં હતાં."

"મોટાં બા પોતાના ઘરે જવા નીકળ્યાં ત્યારે તેમને બહાર રોડ સુધી વળાવીને હું ઘરે પાછી ફરતી હતી."

"એ વખતે વરુણ મને ગલીના વળાંકે મળ્યો અને કહ્યું કે તું મને મળજે. મારે તારું કામ છે."

હૉસ્પિટલે લઈ જતાં દેવજીભાઈનું મૃત્યુ

એ પછી અંજલિ પોતાના ઘરે જતી રહી હતી અને ઘરમાં આ વાત જણાવી હતી.

વાતની જાણ થયા પછી અંજલિના પિતા વરુણના ઘરે ગયા હતા અને વરુણનાં પત્નીને આ વાત જણાવી હતી.

અંજલિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, "મારા પપ્પા ઘરે આવી ગયા પછી વરુણ હાથમાં ચાકુ લઈને મારા ઘરે આવ્યો હતો. મારા બાપુજી જીવ બચાવવા માટે ઘરની બહાર દોડ્યા. વરુણ તેમની પાછળ દોડ્યો અને કૉલર ઝાલીને બાપુજીના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા."

રિપોર્ટ મુજબ, "વરુણ ત્યાંથી નાસી છૂટ્યો હતો. એ વખતે રાતના પોણા બાર જેટલો સમય થયો હતો. પડોશમાં રહેતા મનીષભાઈ પાસે ટેમ્પો હતો. એમાં બાપુજીને શહેરની એસ.એસ.જી. હૉસ્પિટલમાં અમે લઈ ગયાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા."

'વરુણ નશો કરેલી હાલતમાં હતો'

બીબીસી સાથે વાત કરતાં અંજલિએ કહ્યું હતું કે, "જ્યારે વરુણ ચાકુ લઈને મારા બાપુજી તરફ ધસી ગયો ત્યારે મેં અને મારા સોળ વર્ષના ભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે અમને ધક્કો મારીને પપ્પાના પેટમાં ચાકુના ઘા ઝીંકી દીધા હતા."

"વરુણ સાથે મારે કોઈ વ્યવહાર નથી. તેણે મને મળવાનું કહ્યું હતું. મને ખબર નહોતી કે હું તેને મળવા ન જાઉં તો તે ચાકુ લઈને મારા ઘરે આવી પહોંચશે."

વરુણ સાથે તમારે કોઈ વ્યવહાર નહોતો તો એમણે તમને મળવાનું કેમ કહ્યું હતું? આ સવાલના જવાબમાં અંજલિએ કહ્યું હતું કે "મને પણ ખબર નથી કે તેણે આવું કેમ કહ્યું. તે નશો કરેલી હાલતમાં હતો."

અંજલિએ જણાવ્યું કે "વરુણ પરણેલો છે અને તેને બાળકો પણ છે."

દેવજીભાઈના પરિવારમાં કોણ-કોણ છે?

દેવજીભાઈ સોલંકીના પરિવારમાં તેમનાં પત્ની તેમજ છ દીકરી અને એક દીકરો છે.

અંજલિનાં લગ્ન ફેબ્રુઆરી 2019ના રોજ સુરતમાં થયાં હતાં. સાસરીમાં અણબનાવને કારણે તેઓ પિયરમાં દેવજીભાઈના ઘરે રહેવા આવી ગયાં હતાં.

અંજલિનાં મોટાં બહેનનાં લગ્ન તેમની ચાલીમાં જ થયાં હતાં. મોટાં બહેનને બાદ કરતાં તમામ દીકરી અને દીકરો દેવજીભાઈ સાથે રહેતાં હતાં.

અંજલિનાં એક બહેન હેમુ એક આંખે જોઈ શકતાં નથી, તો બીજાં બહેન શોભના બંને આંખે જોઈ શકતાં નથી.

સૌથી નાનો ભાઈ અનિલ દસમા ધોરણમાં ભણે છે.

અંજલિએ જણાવ્યું હતું કે, "પપ્પાને લીધે અમારું ઘર ચાલતું હતું. હવે અમારું ઘર કેવી રીતે ચાલશે એ સવાલ અમને સૌને કોરી ખાય છે."

આ ઘટના બાદ આરોપી વરુણ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા પોલીસસ્ટેશનના તપાસ અધિકારી આર. એ. જાડેજાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "વરુણ પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તે જેલમાં છે."

આ મામલે બીબીસીએ આરોપી વરૂણના માસા ચેતનભાઈ નાગર સાથે વાત કરી હતી તેમજ મામા સુરેશ વસાવા સાથે વાત કરી હતી.

બંનેએ જણાવ્યું હતું કે, "હજુ અમને પૂરતી વિગતો ખબર નથી અને હાલ આ મામલે અમે કશું કહેવા માગતા નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો