You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિરીટ પરમાર : એક સાધારણ પરિવારથી અમદાવાદના મેયર સુધીની સફર
અમદાવાદના નવા મેયર તરીકે ભાજપના કૉર્પોરેટર કિરીટ પરમારની વરણી કરાઈ છે.
કિરીટ પરમાર એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને છેલ્લી ત્રણ ટર્મથી કૉર્પોરેશનમાં ચૂંટાતા આવ્યા છે.
અમદાવાદના ટાગોર હૉલ ખાતે નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન અને અન્ય હોદ્દોદારોની પસંદગી માટે બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો.
કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વૉર્ડના કૉર્પોરેટર છે અને તેઓ અમદાવાદનાં પૂર્વ મેયર બીજલ પટેલનું સ્થાન લેશે. તો અમદાવાદનાં ડેપ્યુટી મેયર તરીકે ગીતાબહેન પટેલના નામની જાહેરાત કરાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે.
અરુણસિંહ રાજપૂત મનપાના દંડક તરીકે ચૂંટાયા છે અને ભાસ્કર ભટ્ટની 'મનપા'માં ભાજપના નેતા તરીકે વરણી થઈ છે.
કોણ છે કિરીટ પરમાર?
54 વર્ષીય કિરીટ પરમાર છેલ્લાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમના પરિવારમાંથી કોઈ રાજકારણમાં જોડાયેલા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદમાં જન્મેલા કિરીટ પરમારે બી. એડ. સુધીનો અભ્યાસ કરેલો છે.
તેઓ અગાઉ પોટલિયા-સરસપુર વૉર્ડમાં જીતેલા છે અને તાજેતરમાં ઠક્કરબાપાનગર વૉર્ડમાંથી ચૂંટાયા છે.
બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં નવા મેયર કિરીટ પરમારે કહ્યું કે "અમદાવાદમાં જે વિકાસનાં કામો અધૂરાં છે એને પૂરાં કરવાની પ્રાથમિકતા રહેશે."
"તેમજ શહેરમાં જિમ, બગીચા વગેરે વધે એ દિશામાં કામ કરવાની પ્રાથમિકતા રહેશે."
કિરીટ પરમાર સંઘના જૂના કાર્યકર રહ્યા છે. તેમનો ઉછેર અમદાવાદના એક સામાન્ય પરિવારમાં થયો છે અને સરકારી શાળામાં ભણ્યા છે.
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, અમદાવાદમાં તેઓ છેલ્લી ત્રણ ટર્મ (ઠક્કરબાપાનગર વૉર્ડ સહિત)થી કૉર્પોરેશનમાં ચૂંટાતા આવ્યા છે.
કિરીટ પરમાર 2010થી 2020 સુધી કૉર્પોરેટર તરીકે રહ્યા હતા. આ વખતે અમદાવાદના મેયરનું પદ અનામત કૅટેગરીના ઉમેદવાર માટે હતું અને એ રીતે તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
કિરીટ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "એક સામાન્ય પરિવારમાંથી, સામાન્ય ચાલીમાં રહેનાર, મ્યુનિસિપલ કૉર્પોરશનની શાળામાં ભણનારા સામાન્ય માણસને આ પ્રતિષ્ઠિત પદ પર બેસાડનારા ભાજપનો આભારી છું."
તેઓએ કહ્યું કે "કેન્દ્રથી લઈને, કૉર્પોરેશન સુધી વિકાસનાં કામો જે ચાલી રહ્યાં તે સામાન્ય લોકો, ગરીબ લોકો સુધી પહોંચે એવો મારો પ્રયાસ રહેશે."
મીડિયા સાથેની વાતચીતમાં કિરીટ પરમારે સંઘના સ્વયંસેવક હોવાનું ગૌરવ અનુભવ્યું હતું.
તો રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "સંસદીય બોર્ડ દ્વારા સ્થાનિક હોદ્દેદારો સાથે નામ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી."
નીતિન પટેલે કહ્યું કે "અમદાવાદના હોદ્દેદારોની જાહેરાત કરાઈ એ જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની વરણી અંગે નિર્ણય કરાશે."
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે તમામ જિલ્લાઓમાં ભવ્ય જીત હાંસલ કરી હતી.
પહેલી વાર જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે બહુમતી સીટો મેળવી હતી.
અમદાવાદની વાત કરવામાં આવે તો કૉર્પોરેશનની 192 સીટમાંથી 158 સીટ પર ભાજપે જીત મેળવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો