You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિન : જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીને અમેરિકાએ આપી મંજૂરી - Top News
અમેરિકન નિયામક સંસ્થા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિન્સટ્રેશન (એફડીએ)એ જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીની વૅક્સિનને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
અમેરિકા પ્રથમ દેશ છે જેણે આ વૅક્સિનને મંજૂરી આપી છે.
ફાઇઝર અને મૉર્ડર્નાની વૅક્સિન બાદ અમેરિકામાં ત્રીજી વૅક્સિનને મંજૂરી મળી ગઈ છે.
આ વૅક્સિનની ખાસ વાત એ છે કે તેને માત્ર એક વખત જ આપવામાં આવશે અને તેને સામાન્ય રૅફ્રિજરેટરમાં રાખી શકાય છે.
જ્યારે ફાઇઝર અને મૉર્ડર્નાની વૅક્સિન બે વખત આપવી પડે છે અને તેને સ્ટોર કરવા માટે ફ્રિઝરની જરુર પડે છે.
એવી અપેક્ષા છે કે બીજા વૅક્સિનોની સરખામણીમાં જૉન્સન ઍન્ડ જૉન્સન વૅક્સિન ઘણી સસ્તી હશે જોકે હજુ સુધી તેના કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
કંપનીએ અમેરિકાને જૂનના અંત સુધીમાં 10 કરોડ ડોઝ સપ્લાય કરવાની વાત કરી છે.
યુકે, યુરોપિયન યુનિયન અને કૅનેડાએ પણ આ વૅક્સિનનો ઑર્ડર આપ્યો છે. કો-વૅક્સ યોજના અંતર્ગત કંપનીને 50 કરોડ વૅક્સિન સપ્લાય કરવાનો ઑર્ડર આપવામાં આવ્યો છે જેથી ગરીબ દેશોને પણ રસી આપી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચૂંટણી પહેલાં બોડોલેન્ડ પીપલ્સ્ ફ્રન્ટે એનડીએમાંથી છેડો ફાડ્યો
આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં બોડોલેન્ડ પીપલ્સ્ ફ્રન્ટ (બીપીએફ)એ એનડીએમાંથી છેડો ફાડી કૉંગ્રેસ સાથે જોડાણ કર્યું છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર બીટીએફના નેતા હગ્રામા મોહિલારીએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે શાંતિ, એકતા, વિકાસ અને મજબૂત સરકાર માટે બોડોલેન્ડ પીપલ્સ્ ફ્રન્ટએ મહાજાટ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે. બોડોલેન્ડ પીપલ્સ્ ફ્રન્ટ ભાજપ સાથે કોઈ પણ પ્રકારની મિત્રતા અથવા જોડાણ નહીં રહે. આવનારી ચૂંટણીમાં બોડોલેન્ડ પીપલ્સ્ ફ્રન્ટ મહાજાટ સાથે કામ કરશે.
અહેવાલ અનુસાર 2005માં બોડોલેન્ડ પીપલ્સ્ ફ્રન્ટની સ્થાપના થઈ હતી અને હાલમાં પક્ષના 11 ધારસભ્યો છે.
આસામના નાણાંમત્રી હેંમત બિશ્વા શર્માએ જણાવ્યું કે આવનારી વિધાનભાની ચૂંટણીમાં ભાજપ અને બીપીએફ વચ્ચે કોઈ જોડાણ રહેશે નહીં. તેમણે કહ્યું કે અમે ઘણી વખત જણાવી ચૂક્યા છીએ કે ભાજપ અને બીપીએફનું જોડાણ માત્ર પાંચ વર્ષ માટે હતું.
126 વિધાનસભા બેઠકો ધરાવતા આસામમાં ભાજપ 60 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. આસામ ગણ પરિષદ પાસે 13 અને બીપીએફ પાસે 11 બેઠકો છે.
આસામમાં વિધાનસભાની ચૂંટણી 27 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે યોજાશે અને 2જી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
ભારતીય મજદૂર સંઘ સરકારી કંપનીઓના વિનિવેશ સામે આંદોલન કરશે
કેન્દ્ર સરકારની જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી પોતાનો હિસ્સો કાઢી તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે ત્યારે આ યોજના સામે આરએસએસ સાથે સંકળાયલા ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)એ 15 માર્ચથી 11 નવેમ્બર સુધી વિરોધપ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
ભારતીય મજદૂર સંઘની કૉર્ડિનેશન કમિટીનીની મિટીંગ હૈદરાબાદમાં યોજાઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારના વિનિવેશ, ખાનગીકરણ અને વિમુદ્રીકરણની નીતિઓનો ભારપૂર્વક રીતે વિરોધ કરવો જોઇએ. સ્વદેશી જાગરણ મંચે (એસજેએમ) પણ કેન્દ્ર સરકારના ખાનગીકરણ કાર્યક્રમની ટીકા કરી છે.
15 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન આંદોલનનો પ્રથમ તબક્કામાં ઉદ્યોગ પ્રમાણે સેમિનાર કરવામાં આવશે.
બીજા તબક્કો મે મહિમાંથી શરુ થશે જેમાં એકમ કક્ષાના વર્કશોપ યોજાશે. ત્રીજો તબક્કો 14-20 જૂન સુધી ચાલશે જેમાં લોક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.
15 જુલાઇથી શરુ થતાં ચોથા તબક્કામાં એકમ કક્ષાએ સામૂહિક પ્રદર્શનો યોજાવામાં આવશે. પાંચમાં તબક્કામાં રાજ્યકક્ષાના સંમેલનો યોજવામાં આવશે. છઠ્ઠા અને અંતિમ તબક્કો 23 નવેમ્બરથી શરુ થશે, જેમાં દરેક પીએસયુની કોર્પોરેટ કચેરીમાં બીએમએસ વિરોધ પ્રદર્શન કરશે. મોદી સરકારના જાહેર ક્ષેત્રની કંપનીઓને ખાનગીકરણ કરવાની યોજનાની અનેક સ્તરે ટીકા થઈ રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો