પાકિસ્તાનનાં અખબારોએ દિલ્હીની હિંસાના કેવા સમાચાર છાપ્યા?

    • લેેખક, સંદીપ સોની
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ન્યૂયોર્ક ટાઇમ્સે પોતાના અહેવાલમાં લખ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીમાં એક બાજુ જ્યાં સૈન્યની ભવ્ય પરેડ જોઈ રહ્યા હતા, તેનાથી થોડે જ દૂર શહેરના અલગઅલગ વિસ્તારોમાં ઘર્ષણની તસવીરો જોવા મળી હતી.

અહેવાલમાં લખવામાં આવ્યું છે કે મોટા ભાગના ખેડૂતોની પાસે લાંબી તલવાર, ખંજર અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાની કુહાડીઓ હતી જે તેમનાં પારંપરિક હથિયાર છે. ખેડૂતોએ એ એક જમાનામાં મોઘલ શાસકોનું રહેઠાણ રહેલા લાલ કિલ્લા પર ચઢાઈ કરી હતી.

તેમણે વધુમાં લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક શરમજનક પ્રદર્શન હતું, જે એક રાષ્ટ્રીય દિવસે થયું હતું. મહામારી, આર્થિક મંદીની વચ્ચે ચાલી રહેલા આ પ્રદર્શને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને પણ પડકાર ફેંક્યો છે.

અનેક જગ્યાઓ પર દૃશ્ય એવું હતું કે જ્યાં એક તરફ પોલીસ રાઇફલ લઈને ઉભી હતી અને બીજી તરફ ખેડૂતોના સમૂહ હતા. મોટા ભાગના ખેડૂતો પહેલાંથી નક્કી કરાયેલા માર્ગ પર ચાલી રહ્યા હતા, પરંતુ કેટલાક ખેડૂતો પોતાનાં ટૅક્ટરોની સાથે સુપ્રીમ કોર્ટના રસ્તે વધી ગયા, જેમને પોલીસે અનેક ટિયર ગૅસના સેલ છોડીને રોક્યા.

અહેવાલમાં ઉત્તર પ્રદેશથી આવેલા હેપ્પી શર્માને ટાંકીને લખવામાં આવ્યું છે, "એક વખત અમે દિલ્હીની અંદર આવી ગયા તો પછી અમે ત્યાં સુધી નથી જવાના, જ્યાં સુધી મોદી તે કાયદાઓને પરત ન લે."

બીજી તરફ ખેડૂત આંદોલનના નેતાઓમાં એક બલવીરસિંહ રાજેવાલને ટાંકીને આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે, "આ આંદોલનની ઓળખ શાંતિપૂર્ણ રહી છે. સરકાર અફવા ફેલાવી રહી છે, એજન્સીના લોકોને ગુમરાહ કર્યા છે. પરંતુ અમે શાંતિપૂર્ણ રહ્યા તો અમે જીતીશું પરંતુ હિંસા થઈ તો જીત મોદીની થશે."

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ટ્રૅક્ટર માર્ચને રોકવાના ભરપૂર પ્રયત્ન કર્યા, પરંતુ તે આમાં નિષ્ફળ ગઈ, આનાથી ખ્યાલ આવે છે કે ખેડૂતોનો સંઘર્ષ કેટલો મોટો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાજકીય વિપક્ષને એક રીતે ખતમ કરીને સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બન્યા છે, પરંતુ ખેડૂતોએ તેની જરા પણ પરવા કરી નથી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજધાની દિલ્હીમાં મંગળવારે તણાવનો માહોલ હતો, જ્યાં કેટલાક અધિકારીઓએ દાવો કર્યો હતો કે પ્રદર્શનકારીઓમાં ઉગ્રવાદી તત્ત્વો સામેલ હતાં.

'મોદી હવે અમને સાંભળશે'

ઑસ્ટ્રેલિયાના સિડની મૉર્નિગ હેરાલ્ડમાં છપાયેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે હજારોની સંખ્યામાં લોકો આ ઐતિહાસિક લાલ કિલ્લા પર પહોંચ્યા, જેના પરથી મોદી દર વર્ષે દેશને સંબોધિત કરે છે.

સમાચારમાં પંજાબના 55 વર્ષના ખેડૂત સુખદેવસિંહને ટાંકીને કહેવામાં આવ્યું છૅ. "મોદી હવે અમને સાંભળશે, તેમણે હવે સાંભળવું પડશે."

સુખદેવસિંહ તે સેંકડો ખેડૂતોમાંથી એક હતા જે ટ્રૅક્ટર પરેડના નિશ્ચિત રસ્તાથી બીજા રસ્તા પર ચાલી નીકળ્યા હતા. તેમાં કેટલાક લોકો ઘોડા પર પણ સવાર હતા.

સમાચાર પત્રે દિલ્હીના એક થિંક ટેંક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વિશ્લેષક અંબરકુમાર ઘોષને ટાંકીને લખ્યું છે, "ખેડૂત સંગઠનોની પકડ ઘણી મજબૂત છે, તેમની પાસે પોતાના જનસમર્થકોને સક્રિય રાખવા માટેના સંસાધન છે અને તે લાંબા સમય સુધી વિરોધપ્રદર્શન કરી શકે છે. ખેડૂત સંગઠનો પોતાના વિરોધ કેન્દ્રિત રાખવામાં ઘણાં સફળ રહ્યાં છે."

સમાચારમાં છપાયું છે કે ભારતની 1.3 અબજ વસતિમાં લગભગ અડધી વસતિ ખેતી પર નિર્ભર છે અને એક અનુમાન પ્રમાણે અંદાજે 15 કરોડ ખેડૂત આ સમયે સરકારનો માથાનો દુખાવો બનેલા છે.

અખબારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવેદનને યાદ અપાવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો પોતાની ટ્રૅક્ટર રેલી માટે 26 જાન્યુઆરી સિવાય બીજો કોઈ દિવસ પસંદ કરી શકે છે.

'સુરક્ષા-વ્યવસ્થાને ઠેંગો'

અલ જઝીરાએ પોતાના સમાચારની શરૂઆત કંઈક આ રીતે કરી છે - "ભારતના હજારો ખેડૂતોએ નવા કૃષિકાયદાઓને પરત લેવાની માગ કરતાં રાજધાનીમાં આવેલી મોઘલ સમયની ઇમારત લાલ કિલ્લાના પરિસરમાં એક પ્રકારે હુમલો કર્યો હતો. હિંસક વિરોધપ્રદર્શનમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. "

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે "ગણતંત્રદિવસની પરેડમાં કરાયેલા વ્યાપક સુરક્ષાવ્યવસ્થાને ઠેંગો બતાવીને પ્રદર્શનકારી લાલ કિલ્લામાં દાખલ થયા,જ્યાં શીખ ખેડૂતોએ એક ધાર્મિક ધ્વજ પણ લહેરાવ્યો."

સમાચારમાં એ બાબત પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે કે જ્યાં લાલ કિલ્લો છે ત્યાં ભારતના વડા પ્રધાન દર 15મી ઑગસ્ટે ત્રિરંગો ફરકાવે છે.

સમાચારમાં 52 વર્ષના ખેડૂત વિરેન્દ્ર ભીરસિંહને ટાંકીને લખ્યું છે, "પોલીસે અમને રોકવાના પ્રયત્ન કર્યા, પરંતુ રોકી ન શકી."

'લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ધ્વજ'

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લાના એક મિનારા પર કેટલાક પ્રદર્શનકારીઓએ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો.

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે "કૃષિસુધારોનો વિરોધ કરી રહેલાં હજારો ખેડૂતો મંગળવારે બૅરિકેડ તોડીને ઐતિહાસિક લાલ કિલ્લાના પરિસરમાં ઘુસી ગયા અને ત્યાં પોતાના ઝંડા નાખ્યા."

સમાચારમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ખાનગી વેપારીઓની મદદ કરનારા કૃષિકાયદાઓથી નારાજ ખેડૂતોએ દિલ્હીની બહાર છેલ્લા બે મહિનાથી ડેરો નાખ્યો છે, જે વર્ષ 2014માં સત્તામાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મોટા પડકારોમાંથી એક છે.

આ સમાચારની સાથે ડૉને અનેક તસવીર લગાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનકારી દોરડાને સહાર લાલ કિલ્લાના મિનારે ચઢીને ઝંડા લગાવી રહ્યા છે જ્યારે પ્રદર્શનકારીઓના હાથમાં તલવાર પણ છે.

'નરેન્દ્ર મોદી માટે મોટો પડકાર'

સીએનએનએ પોતાના સમાચારમાં કહ્યું છે કે કોરોના વાઇરસને પગલે એક તરફ જ્યાં નાની પરેડનું આયોજન કરાયું હતું ત્યાં બીજી તરફ ખેડૂતોએ ગણતંત્રદિવસની પરેડ દરમિયાન પોતાની માર્ચ યોજવાની યોજના બનાવી.

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે આટલું મોટું વિરોધપ્રદર્શન વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઘણો મોટો પડકાર છે.

સમાચારમાં સુંયુક્ત કિસાન મોરચાને ટાંકીને કહ્યું છે કે 'અસમાજિક તત્ત્વોએ પ્રદર્શન દરમિયાન ઘૂષણખોરી કરી, નહિતર આંદોલન શાંતિપૂર્ણ જ રહ્યું છે.'

  • <itemMeta>gujarati/india-55789761</itemMeta>


'અમારા પૂર્વજોએ આ કિલ્લા પર અનેક વખત ચઢાઈ કરી છે'

ગાર્ડિયન પ્રમાણે, "લાલ કિલ્લા પર ચડીને તેના પર શીખ ધર્મના ધ્વજ 'નિશાન સાહિબ'ને ફરકાવનારા પંજાબના ખેડૂત દિલજેન્દરસિંહનું કહેવું હતું કે અમે છેલ્લા છ મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છીએ."

"અગાઉ અમારા પૂર્વજોએ આ કિલ્લા પર અનેક વખત ચડાઈ કરી છે. આ સંદેશ છે સરકાર માટે કે અમારી માગ પૂર્ણ કરો નહીં તો અમે આવું બીજી વખત કરી શકીએ છીએ."

ગાર્ડિયને આગળ લખ્યું છે કે તણાવ અને હિંસક દૃશ્યોએ દેશના પ્રજાસત્તાકદિવસની ઉજવણીને ઢાંકી દીધી હતી.

ગાર્ડિયનના કહેવા પ્રમાણે ગુરદાસપુરથી આવેલા 50 વર્ષના ખેડૂત જસપાલસિંહનું કહેવું હતું કે "પ્રદર્શનકારી ખેડૂતોને કોઈ ડગાવી શકતું નથી, આનાથી ફરક પડતો નથી કે મોદી સરકાર કેટલું જોર લગાવે છે, અમે ઘૂંટણીયે નહીં પડીએ."

"સરકાર હિંસા કરાવવા માટે પોતાના લોકોને પ્રદર્શનમાં મોકલીને ખેડૂતોને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ આંદોલનને આપણી રીતે આગળ વધારીશું."

ખેડૂતોનું કહેવું છે કે તેમની હાલતને દાયકાઓથી નજઅંદાજ કરવામાં આવી છે અને જે પરિવર્તન કરાયાં છે, તેનો ઉદ્દેશ ખેતીમાં ખાનગી રોકાણને લાવવાનો છે, જેનાથી તેમના મોટા કૉર્પોરેટ્સની દયા પર નિર્ભર રહેવું પડશે.

ખેડૂતોએ મોદીને પડકાર્યા


કૅનેડાથી પ્રકાશિત થનારા અખબાર ધ સ્ટારે આ સમાચાર છાપતા લખ્યું છે - "મોદી ને પડકાર આપતા ભારતના લાલ કિલ્લામાં ઘૂસેલા નારાજ ખેડૂત"

ધ સ્ટારે ન્યૂઝ એજન્સી એપીના સમાચારને છાપ્યા છે જેમાં 72મા ગણતંત્રદિવસે દિલ્હીમાં જે કંઈ થયું તેનું વર્ણન કર્યું છે.

અખબારમાં છપાયેલા સમાચારમાં પાંચ લોકોના પરિવારની સાથે દિલ્હીમાં આવનારા સતપાલસિંહ કહે છે, "અમે મોદીને પોતાની તાકાત દેખાડવા માગીએ છીએ. અમે આત્મસમર્પણ નહીં કરીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો