ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદની આગાહી કરાઈ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધીમાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડ્યો. અચાનક પડેલા વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

બીજી તરફ રાજ્યના ઘણા વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી રહી છે.

નોંધનીય છે કે શુક્રવારે પડેલા છૂટાછવાયા વરસાદ બાદ આગામી બે દિવસ સુધી એટલે કે શનિવાર અને રવિવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યના કયાકયા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે તે જાણતાં પહેલાં એ જાણીએ કે આખરે રાજ્યમાં કમોસમી વરસાદ કેમ પડી રહ્યો છે?

કેમ પડી રહ્યો છે વરસાદ?

ભારતીય હવામાનવિભાગની વેબસાઇટ પર મુકાયેલી માહિતી અનુસાર દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે રચાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં શુક્રવારે વહેલી સવારથી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો.

આ પરિસ્થિતિને કારણે આગામી દિવસો એટલે કે શનિવારે અને રવિવારે પણ આ પરિસ્થિતિ જળવાઈ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

શનિવારે ગુજરાતના દરેક જિલ્લામાં જ્યારે રવિવારે મોટા ભાગે દક્ષિણ ગુજરાતના ભાગો પર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMDની સાઇટ પર મુકાયેલ માહિતી અનુસાર વરસાદને શનિવારે અને રવિવારે વરસાદને પગલે સામાન્ય કરતાં 3થી 4 ડિગ્રી સેલ્યિસ તાપમાન ઓછું નોંધાશે.

ગુજરાતમાં કમોસમી વરસાદ માટે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને મહ્દઅંશે જવાબદાર માનવામાં આવે છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે 'સ્કાયમૅટ વેધર સર્વિસ'ના ઉપાધ્યક્ષ અને હવામાનશાસ્ત્રી મહેશ પાલાવતે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ગણાવે છે.

ખેતીના પાકને નુકસાન

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (SEOC)ના ડેટા પ્રમાણે શુક્રવારે ઉમરગામમાં સૌથી વધુ 35 mm, જાફરાબાદમાં 30 mm, વાપીમાં 29 mm, છોટા ઉદેપુર અને પારડીમાં 25 mm વરસાદ પડ્યો હતો.

અહેવાલ અનુસાર રાજ્યના 136 તાલુકાઓમાં 1 mm કે તેથી વધુ વરસાદ પડ્યો હતો.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુરુવારે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેલીબીયાં, ડુંગળી, લસણ અને કઠોળના પાકને નુકસાન થયું હતું. આ સિવાય માર્કેટ યાર્ડ અને ખેતરોમાં મૂકી રખાયેલ પાકને પણ વરસાદને પગલે ભારે નુકસાની થઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો