You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિત શાહ અને પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ વચ્ચે મુલાકાત પૂર્ણ - BBC TOP NEWS
કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની ખેડૂતો સાથેની બેઠક પહેલાં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહ ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા.
કૅપ્ટન અમરિંદર સિંહે મુલાકાત પછી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. મારા માટે કાંઈ ઉકેલ લાવવા જેવું ન હતું.
તેમણે કહ્યું કે મેં મારો વિરોધ ફરીથી ગૃહમંત્રી સામે વ્યક્ત કર્યો છે અને અપીલ કરી છે કે ઉકેલ જલદી લાવવામાં આવે કારણ કે આ રાજ્યના અર્થતંત્ર અને દેશની સુરક્ષાનો સવાલ છે.
કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે અમને આશા છે કે આજે ચોથા ચરણની ચર્ચામાં કોઈને કોઈ પરિણામ જરૂર આવશે.
અમરિંદર સિંહ અમિત શાહ સાથે મુલાકાત કરે તે પહેલાં કૃષિમંત્રીએ અમિત શાહ સાથે મુલાકાત કરી.
મુલાકાત બાદ કૃષિમંત્રીએ સમાચાર ઍજન્સી એએનઆઈને કહ્યું કે સરકાર સતત ખેડૂતો સાથે વાતચીત કરી રહી છે અને નિરાકરણ લાવવાના પ્રયત્ન કરી રહી છે.
કૃષિમંત્રી તોમર સાથેની મુલાકાત માટે ખેડૂતોનું પ્રતિનિધિમંડળ દિલ્હીના વિજ્ઞાનભવન પહોંચ્યું હતું, પ્રતિનિધિમંડળમાં 40 ખેડૂતનેતા હતા.
ખેડૂતોનું કહેવું છે કે સરકારે નવા કૃષિ કાયદાઓને પરત લેવા પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂતનેતાઓએ પણ પોતાની માગ સરકાર સામે મૂકી છે. જેમાં ત્રણ કૃષિ કાયદાઓને હઠાવવાની માગ સામેલ છે.
ખેડૂતનેતાઓનું કહેવું છે કે સરકાર કહી રહી છે કે એમએસપીને ચાલુ રાખવામાં આવશે, પરંતુ જો સરકાર અનાજની ખરીદી નહીં કરે તો એમએસપીનું કોઈ મૂલ્ય નહીં રહે.
કોવિડ સેન્ટરમાં સેવાની સજાના હાઈકોર્ટના નિર્દેશ સામે રૂપાણી સરકારની સુપ્રીમમાં અપીલ
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટના માસ્ક વિનાના લોકોને કોવિડ કૅર સેન્ટરમાં સેવા કરવાની સજાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે જે લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે, તેમની માટે કોવિડ કૅર સેન્ટરમાં 'ફરજિયાત કૉમ્યુનિટી સર્વિસ'ની સજા કરવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ સંદર્ભે નૉટિફિકેશન જાહેર કરવા કહ્યું છે.
સમાચાર એજન્સી લખે છે, "ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટના આ આદેશ બદલ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે."
MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન
MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન થયું છે. આ અંગે સમચાર એજન્સી એએનઆઈ દ્વારા માહિતી આપવામાં આવી છે.
તેઓ MDH મસાલાની જાહેરાતોમાં પણ દેખાતા હતા અને તેઓ આ મસાલા કંપનીનો ચહેરો બની ગયા હતા.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે તેમના પિતાએ પાકિસ્તાનના સિયાલકોટમાં ભાગલા પહેલાં નાની દુકાનથી કારોબાર શરૂ કર્યો હતો.
ભાગલા બાદ દિલ્હીના કરોલબાગમાં દુકાન ખોલી, જેમાંથી 1500 કરોડનું સામ્રાજ્ય સર્જાયું.
કરોડોના આ સામ્રાજ્યમાં મસાલાની કંપની ઉપરાંત 20 શાળાઓ અને હૉસ્પિટલ પણ સામેલ છે.
ચીને ગલવાનની અથડામણની પહેલાંથી યોજના બનાવી હતી : અમેરિકન કમિશન
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમેરિકાના એક ઉચ્ચ કમિશને કૉંગ્રેસ સમક્ષ મૂકેલા રિપોર્ટમાં કહ્યું છે કે જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા ઘર્ષણની યોજના ચીને પહેલાં જ બનાવી હતી.
15 જૂને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદાખમાં ઘર્ષણ થયું હતું. જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
યુનાઇટેડ સ્ટેટ્સ-ચીન ઇકૉનૉમિક અને સિક્યૉરિટી રિવ્યૂ કમિશન(USCC) દ્વારા અહેવાલમાં દાવો કરાયો હતો કે ચીને પડોશી રાજ્યોની સામે જબરજસ્ત ચળવળ શરૂ કરી છે.
ચીન જાપાનથી શરૂ કરીને ઇન્ડિયા સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના તમામ દેશ સાથે મિલિટરી અથવા પેરા-મિલિટરી સંઘર્ષ કરી રહ્યું છે.
આ કમિશને કહ્યું કે 'કેટલાક પુરાવા' છે, જે દર્શાવે છે કે ગલવાન પૂર્વાયોજિત અને ચીન દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઘટના હતી.
ગુજરાતમાં માસ્ક નહીં પહેરો તો કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે : ગુજરાત હાઈકોર્ટ
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે જે લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે, તેમની માટે કોવિડ કૅર સેન્ટરમાં 'ફરજિયાત કૉમ્યુનિટી સર્વિસ'ની સજા કરવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આ સંદર્ભે નૉટિફિકેશન જાહેર કરવા કહ્યું છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો નોંધાયો છે. ગુજરાતમાં બુધવારે 1500થી વધારે કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા.
ગુજરાત સરકારે કોરોના વાઇરસને ડામવા માટે અનેક પગલાં લીધાં છે.
સરકારે કોરોના વાઇરસના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે અને ટેસ્ટની કિંમત 800 રૂપિયા કરી છે. જો ઘરે આવી સેમ્પલ લઈ જાય તો 1,100 રૂપિયા લેવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હૉસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં તપાસ-રૂમ અને લૉકઅપમાં સીસીટીવી કૅમેરા પણ લગાવવામાં આવે : સુપ્રીમ કોર્ટ
એનડીટીવી હિન્દીના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપતાં આદેશ આપ્યો છે કે CBI, NIA, ED, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ડાયરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઑફિસમાં ઑડિયો રેકર્ડિંગની સાથે સીસીટીવી કૅમેરા પણ મૂકવામાં આવે.
તમામ રાજ્યોના પોલીસસ્ટેશનમાં પણ ઑડિયો રેકર્ડિંગની સાથે સીસીટીવી કૅમેરા લગાવવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસસ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તે, લૉકઅપ, કૉરિડોર, લૉબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમ, સ્ટેશનની બહાર અને વૉશરૂમની બહાર પણ કૅમેરા લગાવવાનો આદેશ કર્યો છે. આનું રેકર્ડિંગ 18 મહિના સુધી રાખવું પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "ગત અદાલતના આદેશનાં દોઢ વર્ષ પછી પણ યોગ્ય કામ નથી કરવામાં આવ્યું. છ અઠવાડિયાની અંદર સીસીટીવી કૅમેરા લગાવવા માટે સમયસીમાની સાથે રાજ્ય કાર્યયોજના દાખલ કરે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો