બિહાર ચૂંટણીમાં કોરોનાની રસી મફતમાં આપવાના ભાજપના ઢંઢેરા સામે સોશિયલમાં સવાલ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના વાઇરસની રસી હજુ શોધાઈ નથી, પણ તેના પર અગાઉ અને હાલમાં પણ ચર્ચા ચાલી રહી છે. એવામાં ભાજપના એક ચૂંટણીઢંઢેરાથી રસીની વાત ફરી ચર્ચામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ બુધવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં આ સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

ભાજપે બિહારના લોકો માટે 11 સંકલ્પ લીધા છે અને સત્તામાં આવ્યા બાદ તેને પૂરા કરવાનો વાયદો કર્યો છે.

ભાજપના આ સંકલ્પપત્રમાં બિહારવાસીઓ માટે મફતમાં કોરોના રસી આપવાની વાત કરાઈ છે.

જોકે, આ જાહેરાત થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં વિપક્ષ સહિત અનેક લોકોએ આના પર સવાલ ઉઠાવ્યા છે.

ભાજપના સંકલ્પપત્ર પર કોણ શું બોલ્યું?

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે એક ટ્વીટ કર્યું છે.

તેઓ ટ્વીટમાં લખ્યું કે ભારત સરકારે કોવિડ વૅક્સિન વિતરણની જાહેરાત કરી દીધી છે. વૅક્સિન અને ખોટા વાયદા તમને ક્યારે મળશે, એ જાણવા માટે કૃપા કરીને તમારા રાજ્યની ચૂંટણીની તારીખ જુઓ.

તો શશિ થરૂરે પણ લખ્યું કે તમે મને વોટ આપો, હું તમને વૅક્સિન.

મોહમ્મદ ઝેશાન નામના એક યૂઝરે લખ્યું કે નિર્મલા સીતારમણના બિહાર રસીકરણ અંગેના ત્રણ અર્થ કાઢી શકાય.

"1. સરકાર બધા માટે મફતમાં રસી બનાવવાની યોજના બનાવી રહી નથી. 2. જો બિહારમાં હારી જશે તો સરકાર મફતમાં રસી નહીં આપે. 3. સરકાર રસીકરણ મામલે દ્વારપાળની ભૂમિકા ભજવવાની અને તેને રાજકીય રૂપે આપવા માટે તૈયાર છે."

તો રૂપા સુબ્રમણ્યા નામનાં એક યૂઝરે ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે.

તેઓએ ટ્વીટમાં લખ્યું, ભાજપને બિહારમાં પોતાની જીતની સંભાવના ઓછી દેખાઈ રહી છે અને એટલે તે કોવિડ-19ની રસી માટે આવું ગંદું રાજકરણ કરી રહ્યો છે. એટલે સુધી કે ટ્રમ્પે પણ આવો સહારો લીધો નથી.

અભિષેક સાન્યાલ નામના યુઝરે પૂછ્યું, "બીજાં રાજ્યોના લોકોનું શું નિર્મલા સીતારમણ? વળી, રસીની ટ્રાયલ પણ હજુ પૂરી નથી થઈ અને તે હજુ રિસર્ચ મૉડ પર છે. બિહારના લોકો સચેત થઈ જાઓ, ભાજપ તમને મુરખ બનાવે છે."

"તેમણે એવું પણ કહ્યું કે નાણામંત્રી નાણા સિવાયની બધી જ વાતો કરી રહ્યાં છે."

ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં હાલમાં કોરોના વાઇરસ મહામારીને નાથવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને અનેક દેશો તેની રસી માટે પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાઇરસની રસી માટે પ્રક્રિયા ચાલી રહી છે.

બિહારમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

બિહારમાં ચૂંટણી ક્યારે છે?

•28 ઑક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન થશે.

•28 ઑક્ટોબરે પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે.

•3 નવેમ્બરે બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠકો પર મતદાન થશે.

•7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન થશે.

•10 નવેમ્બરે મતગણતરી થશે. બિહારમાં આ વખતે કુલ મતદારોની સંખ્યા લગભગ 7 કરોડ 30 લાખ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો